કચ્છ : ભુજમાં દબાણ દૂર કરવા માટે તંત્રના બેવડા માપદંડ, રોડ ઉપરની રેંકડીઓ હટાવતા તંત્ર અને ભુજની પાલિકાને બિલ્ડરનું દબાણ નથી દેખાતું...

રેંકડીઓ ઉભી ન રહે તે માટે બિલ્ડરે ફૂટપાથ તોડી અને રોડ ઉપર મોટા પથ્થર-રેતી ઠાલવી

કચ્છ : ભુજમાં દબાણ દૂર કરવા માટે તંત્રના બેવડા માપદંડ, રોડ ઉપરની રેંકડીઓ હટાવતા તંત્ર અને ભુજની પાલિકાને બિલ્ડરનું દબાણ નથી દેખાતું...

WND Network.Bhuj (Kutch) : વર્ષોથી ચાલતું આવ્યું છે તેમ સરકાર કે તંત્ર જયારે પણ દબાણ દૂર કરવાની વાત આવે ત્યારે નાના ગરીબ લોકોના દબાણ હટાવવા માટે તરત જ કાર્યવાહી કરે છે. પરંતુ મોટા અને વગદાર લોકોની વાત આવે ત્યારે આંખ આડા કાન કરે છે. આવું જ કઈંક કચ્છમાં પણ બન્યું છે. જિલ્લાના પાટનગર ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર નાના દબાણકારો અને રેંકડીઓ ઉપર ધોંસ જમાવતા નગર પાલિકા કે તંત્રને એક મોટા બિલ્ડર દ્વારા કરવામાં આવેલું દબાણ દેખાતું નથી. લોટસ કોલોનીના સાર્વજનિક પ્લોટ ઉપર બાંધકામ કરવાના ઇરાદે બિલ્ડર દ્વારા કરવામાં આવેલું દબાણ પોતાના માટે નહીં પરંતુ ફૂટપાથ પાસે કોઈ રેંકડી કે લારી-ગલ્લાવાળા ઉભા ન રહે તે માટે કરવામાં આવ્યું છે. દબાણ કરવાના આશયથી અહીં ફૂટપાથ તોડીને મોટા પથ્થર-માટીનો ઢગલો કરવામાં આવ્યો છે. જે ધીમે ધીમે રોડ વચ્ચે આવી જતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.  

જી.કે. જનરલ હોસ્પિટલની સામે આવેલી રહેણાક કોલોની લોટસમાં કોમર્શિયલ બાંધકામથી હેતુ ફેર છતાં મહેસુલથી માંડીને BHADA - ભુજ નગર પાલિકા સહિતની ઓથોરિટીએ આંખે પાટા બાંધી લીધા છે. જેને પગલે બિલ્ડરની હિંમત એટલી વધી ગઈ છે કે, હોસ્પિટલ સામેના રોડની ફૂટપાથ તોડી નાખીને તેને કવર કરી લેવામાં આવી છે.

દબાણની આ હરકત માત્ર અહીં અટકતી નથી. ફુટપાથને અડીને ઉભા રહેતા રેંકડીવાળોને પોતાની સાઈટથી દૂર રાખવાના આશયથી રોડ ઉપર મોટા પથ્થરોની સાથે સાથે રેતીના મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. જેને કારણે હવે સ્થિતિ એવી થઈ છે કે, રેતી અને પથ્થરો સરકતા સરકતા રોડ વચ્ચે આવી ગયા છે. અને તેને લીધે અહીં ટ્રાફિક જામ થાય છે. આ મુખ્ય રોડ ઉપરથી આપણા જેવા કોમન મેનથી લઇને કલેક્ટર, SP, આઇજી, નગર પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર વગેરે સત્તાધીશો પસાર થાય છે. પરંતુ નાના અને ગરીબ લોકોની રેંકડી જોઈને ભડકી જતા આ સરકારી બાબુઓને બિલ્ડરનું દબાણ દેખાતું નથી. 

બિલ્ડર દ્વારા ફૂટપાથ તોડીને પથ્થર-રેતીના ઢગલા રોડ ઉપર કરવાને મામલે ભુજ નગર પાલિકાને ખબર છે કે નહીં તે જાણવા માટે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા ભુજ નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે પોતે આ ઘટનાથી અજાણ હોવાનું કહીને 'જોવડાવી લઉં છું' તેવું કહેવામાં આવ્યું હતું. 

બિલ્ડરના ગુંડાઓ પોલીસની ધમકી આપે છે :- દબાણ નાનું હોય કે મોટું તે ન જ ચલાવી લેવું જોઈએ. પરંતુ તેમાં બેવડા માપદંડ પણ ન હોવા જોઈએ. કચ્છભરમાંથી દૂર દૂરથી જી.કે. જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓ માટે ચા-પાણી કે નાસ્તો સરળતાથી મળી રહે તથા સાંજ પડે તેમને રોજી મળી રહે તે માટે નાના અને ગરીબ લોકો અહીં રેંકડી લગાવતા હોય છે. પરંતુ હોસ્પિટલની સામેઉભી રહેતી રેંકડીઓથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાય છે તેવું બહાનું કાઢીને નગર પાલિકા - ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરે છે. બિલ્ડરે ફૂટપાથ તોડી નાખતા રેંકડીવાળા જયારે તેની પાસે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે બિલ્ડરના ગુંડાઓએ તેમને ધમકી આપી કે, જો તેઓ રોડ ઉપર પણ ઉભા રહેશે તો ભુજની ટ્રાફિક પોલીસ અને પાલિકાને જાણ કરીને તેમને ઉઠાવી લેવામાં આવશે. અને પોલીસ કેસ કરશે તે અલગ. જેને પગલે રેંકડીઓ તો હટી ગઈ છે પરંતુ બિલ્ડરે ઠાલવેલા પથ્થર અને રેતી રોડ ઉપર આવી ગયા છે. પરંતુ આ દબાણ ટ્રાફિક પોલીસને નથી દેખાતું અને નગર પાલિકાને પણ નથી દેખાતું.