Kutch Haresh Sadhu : ભુજમાં કલેક્ટર ઓફિસ સહીત IAS-IPS માટે 'વહીવટ' કરતો 'સાધુ' નકલી હુકમના કેસમાં સુરતની જેલમાં દિવસો કાઢે છે
હરેશ સાધુના જિલ્લા કક્ષાના મિત્ર અખબારે મહિનાઓ જૂની ઘટનામાં રિપોર્ટિંગ કરતા મામલો બહાર આવ્યો, સુરતના ઓલપાડ તાલુકાની જમીન માટે સુરત કલેક્ટરનો નકલી ઓર્ડર બનાવેલો, જામીન અરજી રદ્દ થવાના ન્યૂઝ છપાતા લોકોને ખબર પડી

WND Network.Bhuj (Kutch) : કેટલાય વર્ષોથી કચ્છમાં ભુજ ખાતે આવેલી કલેક્ટર કચેરી સહીત IAS-IPS અધિકારીઓ માટે વહીવટ કરતા ભુજ પાસે આવેલા માધાપરમાં રહેતા હરેશ સાધુને કલેક્ટરના નકલી હુકમના કેસમાં સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સુરતની સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પ્રકરણમાં હરેશ સાધુના જામીન ના-મંજુર થવાની ઘટનાના ન્યૂઝ બહાર આવતા સમગ્ર મામલાની લોકોને ખબર પડી હતી. નવાઈ લાગે તેવી વાત એ છે કે, જિલ્લા કક્ષાના સાધુના આ મિત્ર અખબાર સાથે ઘનિષ્ઠ સંબંધ છે છતાં તેના ન્યૂઝ પબ્લિશ થતા લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. અલબત્ત ન્યૂઝ લીધા પછી પણ હરેશ સાધુની ઓળખ છતી ન થાય તે માટે લેવામાં આવેલી કાળજી પણ પણ લોકો ન્યૂઝ વાંચીને પામી ગયા હતા. હરેશ સાધુ સામે સુરતના કલેક્ટરનો નકલી હુકમ તૈયાર કરીને જમીનનો સોદો પાર પાડવાનો ગુન્હો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતના કલેક્ટર કચેરીના સરકારી દફ્તર સાથે ચેડાં કરવાના કેસમાં ભુજ નજીકના માધાપરની ઓધવબાગ - 1 માં રહેતા હરેશ ડાયાભાઈ સાધુની સુરત પોલીસે મહિનાઓ અગાઉ ધરપકડ કરી હતી. તેની ધરપકડ માટે જયારે સુરતની પોલીસ ભુજ માધાપર પોલીસની મદદ લઈને સાધુને પકડવા માટે આવી હતી ત્યારે રાતે સાધુએ દીવાલ કૂદીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોસક ગામની બ્લોક નંબર 176 સ્થિત ખાનગી માલિકીની જમીનના વેચાણનો કલેક્ટરનો ખોટો હુકમ ઊભો કરવાના કેસમાં સુરતની જિલ્લા અદાલત દ્વારા સાધુની જામીન અરજી ના-મંજૂર કરાયા બાદ હાલે તે સુરતની લાજપોર જેલમાં બંધ છે. કેસની ફરિયાદ મુજબ, ઓલપાડના સોસક ખાતે બ્લોક નંબર 176 ખાતે આવેલી જમીનના આ મામલા માં ત્યાંના મામલતદાર રમણભાઈ રત્નાભાઈ ભાભોરે જિલ્લા કલેક્ટરના આદેશથી આ ફોજદારી ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં સરકારી રેકર્ડ સાથે ચેડાં, પૂર્વયોજિત કાવતરું, એટ્રોસિટી અને એકમેકને મદદગારી સહિતના આરોપ મૂકવામાં આવેલા છે.
સાધુ IAS - IPS અધિકારીઓની સાથે સાથે જિલ્લા કક્ષાના અખબારના પત્રકારોને પણ સાચવી લેતો : સિમેન્ટની કંપનીમાં ફરજ બજાવવાને બદલે હરેશ સાધુ દરરોજ ભુજમાં કલેક્ટર ઓફિસમાં જ જોવા મળતો હતો. જમીનના એક કેસમાંલાખો રૂપિયાની ઓફરના પ્રકરણમાં ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા કચ્છના વહીવટી તંત્રને વચેટિયા જિલ્લા સેવા સદનમાં ન આવે તે માટે જાહેરનામું બહાર પાડવું પડ્યું હતું. છેલ્લે તે કચ્છમાં ફરજ બજાવી ગયેલા સીધી ભરતીના ગુજરાતી IAS સાથે જોવા મળ્યો હતો.
વર્ષોથી સિમેન્ટ કંપનીમાં કામ કરતો હરેશ સાધુ ભુજમાં કલેક્ટર ઓફિસમાં જ જોવા મળતો હતો. અહીં આવતા લોકો માટે તે બે નંબરના વહીવટ કરીને પોતાનું લાખો રૂપિયાનું કમિશન કાઢી લેતો હતો. આ માટે સાધુએ કચ્છના એક જિલ્લા કક્ષાના અખબારના તંત્રી વિભાગના કેટલાક સિનિયર લોકો સાથે ઘનિષ્ટ કેળવી, તેમને સાચવી લઈને કામ કઢાવી લેતો હતો. કચ્છમાં ફરજ બજાવી ગયેલા IAS-IPS સાથે તેને ઘરોબો કેળવીને તેમના માટે કરોડો - લાખો રૂપિયાનો બે નંબરનો વહીવટ કરી આપતો હતો. જેમાં તેને કચ્છના જ એક મોટા ગજાના જનપ્રતિનિઘીનો પણ સહયોગ મળ્યો હતો. પરિણામે દિલ્હી કે ગાંધીનગરથી જયારે પણ મિનિસ્ટર આવે ત્યારે એ રાજકારણી સાથે સાધુ પણ અવારનવાર જોવા મળતો હતો.