Off The Record : ચર્ચાસ્પદ મંત્રી બચુભાઈ ખાબડનો સરકારી 'વનવાસ' પૂરો ?, મહિલા IAS ઓફિસરે એક કરોડ માંગ્યા અને મામલો CMO સુધી પહોંચ્યો, GERCના ચેરમેન IAS અનિલ મુકીમ પછી કોણ ?
ઓપરેશન ગંગાજળ જેવું કાંઈ છે જ નહીં - શાળા પ્રવેશ ઉત્સવમાં જલસા કરી આવેલા સચિવાલય કેડરના ઓફિસર્સને પ્રમોશન મળી ગયું, DDO તરીકેના પહેલા પોસ્ટીંગમાં જ 40 લાખ લઈને પાછા આપી દેનારા IAS હવે કલેક્ટર તરીકે પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે

ગુજરાત સરકારના ચર્ચાસ્પદ મંત્રી બચુભાઈ ખાબડનો સરકારી 'વનવાસ' પૂરો, દાહોદના સરકારી કાર્યક્રમમાં 'પ્રગટ' થયા ! : લાંબા સમયથી ભ્રષ્ટાચારને મુદ્દે ચર્ચામાં રહેનારા ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રાજ્ય કક્ષાના મિનિસ્ટર બચુભાઈ ખાબડનો સરકારી 'વનવાસ' પૂરો થયો હોય તેમ લાગી રહ્યું છે. હમણાં સુધી જાહેર ફંક્શનમાં અદ્રશ્ય થઇ ગયેલા મંત્રીજી થોડા દિવસ પહેલા એક સરકારી કાર્યક્રમ દરમિયાન રીતસરના પ્રગટ થયા તેમ ભાષણ આપતા નજરે પડયા હતા. દાહોદ ખાતે યોજાયેલા સંપૂણતા અભિયાન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા વાળા કાર્યક્રમમાં મંત્રી ખાબડને જોઈને એમ લાગ્યું કે, હવે તેમનો સરકારી વનવાસ પૂરો થયો છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને સરકાર તેમનાથી સેફ ડિસ્ટન્સ રાખી ચાલી રહ્યા હતા. ત્યાં સુધી કે, વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ તેમની 'ઘેર હાજરી' ઊંડી આંખે વળગી હતી. કોઈ ગમે તે કહે પરંતુ સત્તાપક્ષની આ સ્ટાઇલ છે. પોતાના કોઈ વ્યક્તિનો વિવાદ આવે તો એકદમ ચૂપ થઈ જવાનું અને મહિનાઓ સુધી તેની ઉપર કોઈ પ્રતિક્રિયા કે એક્શન નહીં લેવાનું. જેવું લાગે કે, લોકો અને મીડિયા ભૂલી ગયા છે એટલે કાં તો તે વ્યક્તિ સામે કાર્યવાહી કરે અથવા તેમની યથાસ્થિતિ જાળવી રાખવાની. મિનિસ્ટર ખાબડની જેમ મંત્રીમંડળના અન્ય એક મંત્રી મુકેશ પટેલના દીકરીનું નામ હથિયારના લાયસન્સ કેસમાં ઉછળ્યું હતું. તેમાં તો સરકાર અને ભાજપની સાથે સાથે ગુજરાતના મોટાભાગનું મીડિયા સાઇલન્ટ મોડમાં આવી ગયું હતું. પ્રભાવ એટલો જોરદાર કે, મિનિસ્ટર મુકેશ પટેલના દીકરા વિશાલની સ્ટોરી પણ ઉતારી લેવામાં આવી હતી. મંત્રી પુત્ર વિશાલે પુત્ર વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડ ખાતેથી ઓલ ઈન્ડિયા વેપન લાયસન્સ મેળવ્યું છે. વિશાલ પટેલના વેપન લાયસન્સ પર હાથથી લખવામાં આવેલો UIN 213801001899102019 છે. વેપન લાયસન્સ બુકમાં વિશાલ પટેલનું સરનામું પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત લખવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વિશાલ પટેલનું નાગાલેન્ડથી ઈસ્યુ થયેલું ઓલ ઈન્ડિયા વેપન લાયસન્સ સુરત શહેર પોલીસના ચોપડે ચઢી ગયું હતું.
મહિલા IAS ઓફિસરે એક કરોડ માંગ્યા અને મામલો CMO સુધી પહોંચ્યો : ઘણા સમયથી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં એક મહિલા IAS અધિકારી દ્વારા ટેબલ નીચે કરવામાં આવતો નાણાંકીય વહીવટ ચર્ચામાં રહ્યો છે. એક વિભાગના વડા તરીકે આ મહિલા IAS દ્વારા એક એજન્સી પાસે એક કરોડની માંગણી કરવામાં આવી હતી. કામગીરીમાં તેમનો કોઈ રોલ ન હોવા છતાં આટલી મોટી રકમની ડિમાન્ડની વાત CMO સુધી પહોંચી હતી. બસ પછી તો CMO સક્રિય થયું અને લાંબો વિવાદ ન થાય તે પહેલા જ આ મહિલા IASનો 'ઈલાજ' કરી નાખ્યો હતો.
ગુજરાત સરકારે મહિલા IAS ઓફિસર મોના ખંધારને ઓછા મહત્વના કહી શકાય તેવા અન્ન - નાગરિક પુરવઠા વિભાગમાં બદલી નાખ્યા : IAS અધિકારીઓની મોટા પાયે બદલી થશે તેવી ચર્ચા વચ્ચે ગુજરાત સરકારે શનિવારે ગુજરાતના ત્રણ IASની બદલી કરી નાખી હતી. જેમાં ઊંડી આંખે વળગે તેવી ટ્રાન્સફર મહિલા IAS મોના ખંધારની હતી. વર્ષ 1996ની બેચના પ્રિન્સિપાલ સેક્રેટરી IAS મોના ખંધારને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાંથી દૂર કરીને હાલના સમયમાં ઓછા મહત્વના ફૂડ સિવિલ સપ્લાય વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વર્ષ 2005ની બેચના સ્ટેટ ટેક્સના સ્પેશ્યિલ કમિશનર IAS પી.ભારથીને મુકવામાં આવ્યા છે. IAS પી.ભારથી બ્યુરોક્રેટ ફેમિલીમાંથી આવે છે. તેમના ભાઈ પી.રામજી IPS છે અને થોડા વર્ષ પહેલા કંડલા પોર્ટમાં ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અન્ય એક ફેરફારમાં વર્ષ 1998ની બેચના IAS રમેશ ચંદ મીનાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાંથી ખસેડીને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં મુકવામાં આવ્યા છે.
GERC (જર્ક)ના ચેરમેન IAS અનિલ મુકીમ પછી કોણ, IAS જે.પી.ગુપ્તા કે IAS એસ.જે. હૈદર કે પછી IAS કમલ દયાની ? : ગુજરાતની તમામ સરકારી ઉર્જા કંપની - નિગમ ઉપરાંત અદાણી અને ટોરેન્ટ જેવા મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ ઉપર કંટ્રોલ એટલે નિયંત્રણ કરવા માટેના ગુજરાત સરકારના ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન - ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC)ના ચેરમેન રિટાર્યડ IAS અનિલ મુકીમનો કાર્યકાળ ચાલુ મહિને ઓગસ્ટમાં વય મર્યાદાને લીધે પૂરો થઈ રહ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે રિટાર્યડ થયેલા નિવૃત્ત IAS અનિલ મુકીમ (Anil Mukim)ને સ્થાનેકોણ ગોઠવાશે તે જાણવા માટે મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ સહીત ગુજરાતની IAS લોબી ઉપરાંત રાજકારણીઓ પણ ઉત્સુક છે. મુકીમના સ્થાને તાજેતરમાં નિવૃત્ત થયેલા IAS જે.પી.ગુપ્તા, કમલ દયાની ની સાથે સાથે હાલમાં સેવારત IAS એસ.જે. હૈદરનું નામ ચર્ચામાં છે. કરોડો નહીં પરંતુ હજારો અબજો રૂપિયાની 'સત્તાવાર' લેવડ દેવડ ઉપર અસર કરનારી આ પોસ્ટ માટે ગુજરાત સરકાર કોના નામ ઉપર મત્તુ મારે છે એ આગામી સમયમાં જ ખબર પડશે.
જર્ક (GERC)માં જવા માટે IAS એસ.જે.હૈદરને GEDAનો ચાર્જ અને IAS જે.પી.ગુપ્તાને કોંગ્રેસના જયરામ રમેશ નડી શકે છે : ચાલુ મહિને ઓગસ્ટમાં વય મર્યાદાને લીધે જર્ક (GERC)ના ચેરમેન નિવૃત્ત IAS અનિલ મુકીમ રિટાયર્ડ થઈ રહ્યા છે. આ પોસ્ટ માટે તાજેરતમાં નિવૃત્ત થયેલા IAS જે.પી.ગુપ્તા ઉપરાંત હાલમાં ચાલુ IAS એસ.જે.હૈદરનું નામ જર્ક (GERC)ના પ્રમુખ તરીકે સંભળાઈ રહ્યું છે. જો કે આ બંને અધિકારીને તેમનો કહેવાતો વિવાદિત ભૂતકાળ નડી જાય તેવું પણ ચર્ચામાં છે. સચિવાલયમાં ચાલી રહેલી રહેલી ચર્ચા મુજબ, IAS એસ.જે.હૈદર આગામી ડિસેમ્બર મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ સરકાર ઈચ્છે તો જેમ IPS હસમુખ પટેલને VRS લેવડાવીને GPSCના ચેરમેન બનાવી દીધા તેમ IAS હૈદરને પણ સમય પહેલા નિવૃત્તિ આપીને જર્ક (GERC)ના ચેરમેન બનાવી શકે છે. જો કે, હૈદરને તેઓ જયારે એનર્જી ડિઓપાર્ટમેન્ટના GEDAના ચાર્જમાં હતા ત્યારે વિવાદમાં આવેલું પેગાસસ નામની કંપનીનું પેનલ્ટી માફીનું એક કરોડો રૂપિયાનું પ્રકરણ નડી શકે છે. જે તે વખતે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કામગીરી સંભાળી રહેલા IAS ઓફિસર એસ.જે. હૈદર GEDAની પેનલ્ટી માફીના એક પ્રકરણમાં વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ રજામાં ઉતરી ગયા હતા. તેમના લીવ પિરિયડ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સંભાળી રહેલા એનર્જી ડિપાર્ટમેન્ટના સચિવ મમતા વર્માએ વિવાદને પગલે GEDAના ડિરેક્ટર શિવાની ગોયલ ઉપરાંત GEDAના કર્મચારીઓને તેમની કચેરીમાં બોલાવી લાંબા સમય સુધી તપાસ કરી હોવાનું બહાર આવ્યું હતું. IAS જે.પી.ગુપ્તા માટે કઈંક અલગ જ સંભળાઈ રહ્યું છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા મૂળ રાજસ્થાનના, ગુજરાત કેડરના IAS જે.પી.ગુપ્તાની છેલ્લી નોકરી ખાસ્સી એવી ચર્ચામાં આવી હતી. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ આમ જોવા જઈએ તો સાઈડ પોસ્ટિંગ કહેવાય. પરંતુ ACS કક્ષાએથી રીટાયાર્ડ થયેલા ગુપ્તા સાહેબે તો ત્યાં પણ તેમની નોકરીના અગાઉના સમયગાળાની જેમ દિલ દઈને કામ કરતા તેઓ ચર્ચામાં આવ્યા છે. અત્યાર સુધી મોટેભાગે સારું પોસ્ટિંગ મેળવનારા IAS ગુપ્તાજીને ગુજરાતની ભાજપ સરકારે જયારે નાણાં વિભાગમાંથી ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં મુક્યા હતા ત્યારે IAS લોબી ઉપરાંત સચિવાલય અને રાજકારણમાં લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. એવું કહેવાય છે કે, અદાણી સમૂહને ગુજરાત સરકાર દ્વારા કરી આપવામાં આવેલી સવલત અંગેની માહિતી કોંગ્રેસના દિલ્હીના બોલકા નેતા જયરામ રમેશ સુધી પહોંચી તેના માટે IAS જે.પી.ગુપ્તા સામે શંકા વ્યકત કરવામાં આવી હતી. અને એટલે તેમને નાણાં વિભાગમાંથી બદલવામાં આવ્યા હતા. પરંતુ આ વાત ત્યારે ખોટી સાબિત થઇ જયારે ગુપ્તાની નિવૃત્તિ ટાણે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તેમની ભૂરી ભૂરી પ્રશંસા કરી. હવે જોઈએ રાજ્યની ભાજપ સરકાર IAS જગદીશ પ્રસાદ ઉર્ફે જેપીને નિવૃત્તિ પછી કેવો શિરપાવ આપે છે.
ઓપરેશન ગંગાજળ જેવું કાંઈ છે જ નહીં, શાળા પ્રવેશ ઉત્સવમાં જલસા કરી કરી આવેલા સચિવાલય કેડરના ઓફિસર્સને પ્રમોશન મળી ગયું ! : અમે અગાઉ પણ આ મંચ ઉપરથી કહી ચુક્યા છીએ કે, ગુજરાત સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે એક્શન લેવાનું માટે ઓપરેશન ગંગાજળ જેવું કાંઈ છે જ નહીં. આ શબ્દ માત્ર ને માત્ર મીડિયાએ ઉપજાવેલી વાત છે. કારણ કે, ગુજરાતની સરકાર આવું કાંઈ બોલતી જ નથી. અને આ વાત તાજેતરમાં જ સચિવાલય કેડરના ઓફિસર્સને આપવામાં આવેલા પ્રમોશનથી ખબર પણ પડે છે. તાજેતરમાં સંપન્ન થયેલા પ્રવેશ ઉત્સવમાં સચિવાલય કેડરના કેટલાક ડેપ્યુટી - અંડર સેક્રેટરી લેવલના ઓફિસર્સ દક્ષિણ ગુજરાતમાં તેમની ગોઠવણ કરીને ગયા હતા. તેમની સામે સરકારી નિયમનો ઉલાળિયો કરીને કામગીરી કરવાનો આક્ષેપ - વિવાદ પણ થયો હતો. તેમ છતાં તાજેતરમાં ગુજરાત સરકારે સચિવાલય સેવાના ઉપ સચિવને નાયબ સચિવમાં પ્રમોશન આપવાના હુકમ કર્યા તેમાં શાળા પ્રવેશ ઉત્સવમાં જલસા કરી કરી આવેલા સચિવાલય કેડરના ઓફિસર્સને પણ પ્રમોશન આપી દીધા છે. ચર્ચા તો એવી પણ છે કે, 31મી જુલાઈના રોજ નિવૃત થયેલા હર્ષદ વાઘેલા નામના વન અને પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા અને CM ભુપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતા નિષ્ઠાવાન અધિકારીને પ્રમોશન મળે તે કવાયતમાં આ જલસાબાજ ઓફિસરને પ્રમોશન મળી ગયું છે. વાત તો એવી પણ છે કે, આ ત્રણેય અધિકારીઓએ 1/3 વેવ કરીને પ્રમોશન મેળવવાના નિયમનો લાભ મેળવવા માટે GADના મોટા બાબુને પ્રસાદી પણ આપી હતી એટલે તેમનું નામ લિસ્ટમાં આવી ગયું છે. હવે તમે જ કહો કે, આમાં ઓપરેશન ગંગાજળ જેવું તમને કયાં લાગે છે ?
DDO તરીકેના પહેલા પોસ્ટીંગમાં જ 40 લાખ લઈને પાછા આપી દેનારા IAS હવે કલેક્ટર તરીકે પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે : કાળા જાદુ અને દોરા ધાગામાં માનતા ગુજરાત કેડરના એક યુવા IAS રાજ્યના એક જિલ્લામાં કલેક્ટર તરીકે મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે ગમે ત્યાં ફરીને મીડિયામાં ચમકાવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ જ IAS ઓફિસર છે જે સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ વિવાદિત કલેક્ટર કે.રાજેશના સમયગાળા દરમિયાન 40 લાખના ગફલામાં આવતા માંડ બચી ગયા હતા. બિન ખેતીની એક ફાઈલમાં સહી કરવા માટે આ IAS અધિકારીએ 40 લાખની પ્રસાદી લઇ લીધી હતી. પરંતુ મામલો ચર્ચામાં આવતા અને બીજી બાજુ કે.રાજેશનું પ્રકરણ બહાર આવતા ગભરાઈને 40 લાખ જે પાર્ટી પાસેથી લીધા હતા તેને પાછા આપી દીધા હતા.
સૌનો મનગમતો વિષય એટલે મંત્રી મંડળનું વિસ્તરણ, ભાજપ પ્રમુખની વરણી અને IAS-IPSની ટ્રાન્સફર : ગુજરાતમાં લાંબા સમયથી બે - ત્રણ મુદા એવા છે, જેમાં સત્તાપક્ષ ભાજપ ગુજરાતના મીડિયાની મજા આવે તેમ મજા લઈ રહ્યો છે. આ મુદાઓમાં લોકોને સ્પર્શતા મુદ્દા નહીં પરંતુ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર, ભાજપના પ્રમુખની વરણી અને IAS-IPSની ટ્રાન્સફર પ્રમુખ છે. જયારે પણ વડાપ્રધાન મોદી અથવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવે અથવા ગુજરાતથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અથવા તો ભાજપ સંગઠનના બી.એલ.સંતોષ કે રત્નાકર મળે અથવા તો ગાંધીનગરમાં મિટિંગ કરે એટલે એવી અટકળો લાગવાનું શરુ થઈ જાય કે, ટૂંક સમયમાં ભાજપના નવા સુકાની મળશે, મંત્રી મંડળમાં ફેરફાર થશે અથવા તો IAS-IPS લેવલના સનદી અધકારીઓની બદલીઓ આવશે. ભાજપ અને સાહેબને જાણનારા લોકોને ખબર છે કે, તેમને (ભાજપ) ને જયારે આવું કઈંક કરવાનું હશે ત્યારે કોઈને ખબર પણ નહીં પડે અને સીધી જાહેરાત થઈ જશે, DGP વિકાસ સહાયના ઍક્સટેંશનની જેમ. ટૂંકમાં એમ પણ કહી શકાય કે, ભાજપના નેતાઓને ખબર છે કે, ગુજરાતના મીડિયાને કેવી રીતે હેન્ડલ કરી શકાય.