ઓફ ધ રેકોર્ડ : પોલીસ-DGPનું ટ્વીટર ખાનગી હાથમાં, CM પછી પાટીલના PAનો વારો, IAS કે. રાજેશના 'સર' કોણ છે ?
જાણો ગુજરાતના રાજકારણ અને IAS-IPS સહિતના અધિકારીઓની ખાટી-મીઠી વાતો...
ગુજરાત પોલીસ અને DGPની 'ચકલી' ખાનગી હાથમાં :- ગુજરાત પોલીસનું ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ થોડા દિવસ પહેલા હેક થઈ ગયું હતું. પોલીસના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તેને ગણતરીના કલાકોમાં રીસ્ટોર તો કરી દેવાયું. પરંતુ આ દરમિયાન ખબર પડી કે, ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ ગૃહ વિભાગ કે પોલીસ દ્વારા હેન્ડલ થતું નથી. DGP આશિષ ભાટિયાનું એકાઉન્ટ પણ ખાનગી વ્યક્તિ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. આ માટે સરકારે અંકુર ડીંડવાણીયા નામના વ્યક્તિની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. એટલે જયારે ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું ત્યારે અંકુરભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોલર ઊંચા કરીને કહ્યું કે, આ શક્ય જ નથી. ખેર, વાત ગુજરાત પોલીસના ઓફિસિયલ એકાઉન્ટની હતી એટલે CID ક્રાઇમને પિક્ચરમાં આવી પ્રોબ્લેમ સોલ્વ કરવો પડ્યો હતો. હવે તમે એ વિચારો કે, આખા રાજ્યના લોકોને સાયબર ક્રાઈમથી જે પોલીસ બચાવતી હોય તેમનું અને તેમના પોલીસ વડાનું સોશિયલ એકાઉન્ટ ખાનગી હાથમાં હોય તે કેટલું વાજબી છે ?
CM પછી પાટીલનો વારો, ધ્રુમિલ પટેલ બાદ હવે સુધાંશુ મહેતાની હકાલપટ્ટી :- વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે 'સાહેબ' કોઈ જ જોખમ લેવા માંગતા નથી. એટલે ગુજરાત ભાજપના ઉચ્ચ પદે બિરાજતા લોકોના અંગત માણસો વિષે જો કોઈ વાત બહાર આવે તો દિલ્હી બિલકુલ ચલાવી લેવાના મૂડમાં નથી. ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ ચંદ્રકાન્ત ઉર્ફે સી.આર.પાટિલના પીએ સુધાંશુ મહેતાને વિદાય કરી દેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, આ મહાશય પોતાને પાટિલના મિત્ર તરીકે ઓળખ આપતા હતા. માત્ર એટલું જ નહિ પરંતુ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓને પણ તેઓ ઓર્ડર કરતા હતા. વાત દિલ્હી PMOમાં પહોંચી એટલે તરત જ સૂચના આપી દેવામાં આવી કે, મહેતાભાઈને રવાના કરી દો. અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયના ધ્રુમિલ પટેલને પણ આ રીતે રાતોરાત દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે જોઈએ કોનો વારો છે ?
IAS રેમ્યા મોહનને દક્ષિણ ગજરાતમાં જ કેમ કામ માટે મોકલાય છે ? :- મૂળ કેરળ એર્નાકુલમના, 2007ની બેચનાં IAS અધિકારી એવા રેમ્યા મોહન સરળ અને સૌમ્ય સ્વભાવનાં જરૂર છે પણ કામમાં કડક હોવા ઉપરાંત સ્થાનિક રાજકારણીઓને જોઈએ તેટલું મહત્વ આપતા નથી. ગુજરાત કેડરનાં નિવૃત્ત આઈએએસ ઓફિસર સી.કે.કોશી તથા ગુજરાત સરકારમાં સર્વેસર્વા એવા કે.કૈલાશનાથન પણ મૂળ કેરળના હોવાને કારણે તેમની સાથેના પારિવારિક સંબંધો છે. કચ્છ, રાજકોટ અને ગાંધીનગરની હાલની પોસ્ટીંગને બાદ કરતા રેમ્યા મોહનની મોટાભાગની નોકરીનો સમય દક્ષિણ ગજરાતમાં જ ગયો છે. રાજ્ય સરકારે હાલમાં જે અધિકારીઓને ચૂંટણીની ફરજ સોંપવામાં આવી તેમાં ફરી એક વખત રેમ્યા મોહનને ચૂંટણી નિરીક્ષક તરીકે સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટનો ચાર્જ આપવામાં આવ્યો છે. જેને પગલે આઈએએસ લોબીમાં એવી ચર્ચા થઈ રહી છે કે, હવે પછીના ટ્રાન્સફર ઓર્ડરમાં રેમ્યા મોહનને દક્ષિણ ગુજરાતમાં જ કયાંક 'સેટ' કરવામાં આવશે.
સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળી રોડ ઉપર આવીને વહીવટ કરી જાય છે ગૃહ વિભાગના આ અધિકારી:- જેમના વિના ગુજરાત સરકારનો ગૃહ વિભાગ કામ જ ન કરી શકે એવી છાપ ધરાવતા ઓફિસરની 'વહીવટ' કરવાની સ્માર્ટનેસ આજકાલ ચર્ચામાં છે. ગૃહ વિભાગમાં મહત્વપૂર્ણ ટેબલ સંભાળતા આ અધિકારી પોલીસ અધિકારીની બદલી-બઢતી કે અન્ય કોઈ બાબતોમાં ફેવર કર્યા પછી 'ઇનામ' ઓફિસમાં નથી લેતા. તેમને જયારે એમ લાગે કે, મામલો અને ઓફિસર જોખમી છે, તો તેઓ સ્વર્ણિમ સંકુલની બહાર નીકળી જાય છે. અને રોડ ઉપર મળે છે. જેથી કોઈને ખબર ન પડે. પરંતુ આ નિખાલસ અધિકારીને એ ખબર નથી કે, તેમના શુભ ચિંતકોની યાદી બહુ મોટી છે. જે નથી ઇચ્છતા કે તેઓ વર્ષો સુધી ગૃહ વિભાગમાં સેવાના નામે મેવા ખાય.
IAS કે. રાજેશના સર કોણ છે? :- ગુજરાત કેડરના IAS અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પદે રહીને ગરબડ કરવાના આરોપમાં જેલની હવા ખાઈ રહેલા કે. રાજેશના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી CBI સાવધાની પૂર્વક આગળ વધી રહી છે. તેવામાં 'સર' નામના અજાણ્યા વ્યક્તિની એન્ટ્રી થતા સીબીઆઈ પણ ટેંશનમાં આવી ગયી છે. કારણ કે, આ 'સર' કોણ છે એ તેમને ખબર નથી. રાજેશના મામલામાં પણ CBI જે રીતે ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે તેને જોતા મામલો બહુ સંગીન છે એમાં કોઈ બેમત નથી. ફરિયાદથી લઈને ધરપકડ સુધી CBI દ્વારા દાખવવામાં આવેલી અભૂતભુર્વ ધીરજને જોતા રાજેશના આ 'સર'ના મામલામાં પણ એજન્સીના ઓફિસર ઉતાવળ કરવા માંગતા નથી. કારણ કે, તેમાં એવા વ્યક્તિનું નામ હોવાની સંભાવના છે જેના છેડા દિલ્હી સુધી છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે, આ 'સર' બહાર આવે છે કે ગાયબ કરી દેવામાં આવે છે.
Web News Duniya