Kutch: એજન્સીઓની ખટપટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, જાણો શા માટે માંડવીના શખ્સની સાથે ભુજ SOGના હેડ કોન્સ્ટેબલને ગુજરાત ATSએ બેસાડી દીધા હતા...

ગુજરાત ATS અને નેવલ ઇન્ટેલિજન્સના ટકરાવમાં NCB વચ્ચે પડતા હેડ કોન્સ્ટેબલ, માંડવીના વેપારી અને સોર્સને છોડવા પડયા

Kutch: એજન્સીઓની ખટપટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, જાણો શા માટે માંડવીના શખ્સની સાથે ભુજ SOGના હેડ કોન્સ્ટેબલને ગુજરાત ATSએ બેસાડી દીધા હતા...

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે કટિબદ્ધ જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓ (Intelligence Agency) અને ઓપરેશનલ બ્રાન્ચ વચ્ચે અવાર-નવાર આંતરિક ટકરાવની ખબરો કોઈ નવી વાત નથી. પરંતુ લાંબા સમય બાદ કચ્છમાં આ આંતરિક મતભેદની ખાઈ વધુ પહોળી થઈ છે. જેને કારણે રાષ્ટ્રીય સુરક્ષા (National Security) જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વાતની પ્રતીતિ ત્યારે થઈ જયારે થોડા દિવસ પહેલા કચ્છ માંડવીના એક શખ્સને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ચાલુ ટ્રેનમાં ઉઠાવી લેવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલાને મીડિયા સહિતના લોકોએ એક રૂટિન ક્રાઇમની ઘટના તરીકે જોઈ હતી. પરંતુ ત્યાર પછી જયારે અન્ય એક શખ્સ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસમાં સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં કામ કરતા એક હેડ કોન્ટેબલને ગુજરાત ATS દ્વારા અમદાવાદની ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે, મામલો કોઈ રૂટિન ક્રાઇમનો નથી પરંતુ કચ્છમાં કામ કરી રહેલી એજન્સીઓના ખટપટનો છે. 

કચ્છમાં અલગ અલગ 19 એજન્સીઓ કામ કરી રહી છે ત્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ઓપરેશનલ બ્રાન્ચના ઇન્ટર્નલ  ડિસ્પ્યુટની (Internal Dispute) વાતને સમજવા માટે ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર નાખવી જરૂરી છે. કારણ કે, આંતરિક મતભેદની શરૂઆત અહીંથી થઈ હતી. 

કચ્છમાં ગુજરાત એટીએસ દ્વારા દરિયા કાંઠેથી ચરસ-હેરોઇન જેવા માદક પદાર્થ પકડવાની અલગ અલગ ઘટનાઓ વચ્ચે જયારે બારમી ફેબ્રુઆરી, 2022ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઇન્ડિયન નેવીના જોઈન્ટ ઓપરેશન થકી મધ દરિયેથી બે હજાર કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યારે એજન્સીઓના જાણકારો પણ એક તબક્કે આંચકો ખાઈ ગયા હતા કે, સમગ્ર ઓપરેશનમાંથી ગુજરાત ATS કેમ ગાયબ છે ? અત્યાર સુધી જે બાતમી સૌથી પહેલા ગુજરાત એટીએસને મળતી હતી તે NCB અને નેવલ ઇન્ટલિજન્સ પાસે પહેલા કેવી રીતે પહોંચી ગઈ ? આ ઘટના પછી કચ્છમાં ATS માટે કામ કરતા પોલીસ કર્મચારી અને તેમના સોર્સ ઉપર નજર રાખવામાં આવી હતી. જેમાં ગુજરાત એટીએસને ધ્યાનમાં આવ્યું કે, પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા અને તેમના સોર્સે બાતમી નેવલ ઇન્ટેલિજન્સ અને NCB આપી દીધી હતી. બસ, ત્યારથી એકબીજા ઉપર નજર રાખવાનું શરૂ થઈ ગયું હતું. 

દરમિયાન ગુજરાત એટીએસના ધ્યાનમાં આવ્યું કે, કચ્છ માંડવીના એક શખ્સ દ્વારા લાખો રૂપિયાનું ઓઇલ તેના પેટ્રોલ પમ્પ માટે દરિયા માર્ગે મંગાવવામાં આવ્યું છે. જે ઇન્ટેલિજન્સ એજન્સી અને ઓપરેશનલ બ્રાન્ચના સપોર્ટ વિના શક્ય ન હતું. એટલે તરત હરકતમાં આવીને ગુજરાત એટીએસ દ્વારા ભુજથી નીકળેલી ટ્રેનમાં વિરમગામ પાસે શૈલેષ મડીયાર નામના વ્યકતિને ઉઠાવી લેવામાં આવ્યો હતો. શૈલેષની સાથે સાથે માંડવીના જ એક સખ્શ હૈદર થૈમને પણ અમદાવાદ ખાતે આવેલી એટીએસની કચેરીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે પશ્ચિમ કચ્છ SOGમાં ફરજ બજાવતા મદનસિંહ જાડેજા પણ જયારે અમદાવાદ એટીએસની ઓફિસે જાય છે ત્યારે તેમનો મોબાઈલ ફોન લઈને તેમને પણ બેસાડી દેવામાં આવે છે.  

વર્ષોથી ગુજરાત એટીએસ માટે કામ કરતા ભુજ SOGના મદનસિંહ જાડેજા ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓ માટે પણ વેલ્યુબલ એસેટ હતા. એટલે સ્વાભાવિક છે કે, તેમના સંપર્ક ધરાવતા સિનિયર ઓફિસર્સ અને એજન્સીઓ તેમના બચાવમાં આવે. અને થયું પણ એવું જ. છેવટે ગુજરાત એટીએસ અને નેવલ ઇન્ટલિજન્સના આ ખટરાગમાં NCB દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી અને શૈલેષ મડીયાર, મદનસિંહ જાડેજા અને હૈદર થૈમને કચ્છ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પ્રથમ દ્રષ્ટિએ જોતા મામલો પતી ગયો હોય તેવો લાગે છે. પરંતુ આ રીતે જો કચ્છમાં એજન્સીઓ એકબીજાના સોર્સને તોડશે અને મનમાં ગાંઠ વાળીને બેસી રહેશે તો છેવટે તો રાષ્ટ્રીય સુરક્ષા જ જોખમાશે તેમાં કોઈ બેમત નથી ! 

કોઈ બોલવા તૈયાર નથી :- ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે ચાલી રહેલી આ ખટપટ અંગે સત્તાવાર કોઈ જ બોલવા તૈયાર નથી. 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ગુજરાત એટીએસના વડા એવા ડેપ્યુટી આઇજી (DIG) દિપેન ભદ્રન (Deepen Bhadran)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે IPS ભદ્રનનો મોબાઈલ ફોન નો રીપ્લાય થયો હતો. જયારે પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ (LIB) કામ કરતા પણ ભુજ SOG સાથે અટેચ કરવામાં આવેલા મદનસિંહ જાડેજા અંગે જયારે ભુજ SOGના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલા ( PI V.V.Bhola) નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મોબાઈલ ફોન ઉપર વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. અને રૂબરૂ આવી માહિતી લેવાનો આગ્રહ કર્યો હતો. 

SOGમાંથી બદલી કર્યા પછી પણ હેડ કોન્સ્ટેબલને ફરીથી SOGમાં જ અટેચ કરવા પડયા હતા :- સરહદી જિલ્લા કચ્છમાં બાતમીદારોનું બહોળું નેટવર્ક ધરાવતા ભુજ SOGના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા લાંબો સમય SOG અને LCBમાં ફરજ બજાવી ચુક્યા છે. પશ્ચિમ કચ્છમાં કોઈપણ ભાંગફોડની ખબર મદનસિંહને પહેલા ખબર પડી જાય તેવું તેમનું નેટવર્ક હોવાને કારણે તેઓ સિનિયર પોલીસ ઓફિસર્સના પણ ખાસ છે. એટલે મોટેભાગે તેમની બદલી કરવામાં આવતી ન હતી. પરંતુ જયારે પશ્ચિમ કચ્છ પોલીસમાં જાહેર હીતમાં સાતમી મે, 2022માં રોજ મોટાપાયે પોલીસ કર્મચારીઓની ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે મદનસિંહને પણ બદલી નાખવામાં આવ્યા હતા. તેમને ભુજ SOGમાંથી ભુજમાં પોલીસની લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ થોડા દિવસો પછી જ ફરીથી તેમને SOG સાથે અટેચ કરીને પશ્ચિમ કચ્છમાં ફરીથી એક્ટિવ કરી દેવામાં આવ્યા હતા.