નોકરી કચ્છમાં-રહેવાનું કેનેડામાં, ભુજ તાલુકાના ખાવડાની અંતરિયાળ શાળાઓમાં કેટલાક તો બબ્બે વર્ષથી વતનમાં વગર રજાએ મોજ કરી રહ્યા છે !
કચ્છમાં કેટલીક શાળાઓમાં શિક્ષકો વગર રજા કે મંજૂરી વિના ચાલુ નોકરીએ અમદાવાદ સહીત રાજ્યના તેમના વતનમાં ચાલ્યા ગયા પછી નોકરીના સ્થળે પાછા આવ્યા નથી
(ગુજરાત સરકાર દ્વારા ઉજવવાવામાં આવેલા શાળા પ્રવેશ ઉત્સવ - 02024 ની સાંકેતિક તસવીર - Photo Credit @ગુજરાત શિક્ષણ બોર્ડ)
WND Network.Khavda-Bhuj (Kutch) : ચાલુ નોકરીએ અમેરિકા સેટ થઈ જવાની બનાસકાંઠા જિલ્લાની ઘટનાએ પ્રવેશ ઉત્સવ સહિતના અવનવા અખતરા કરનારી ગુજરાત રાજ્યની ગતકડાં બાજ સરકારની પોલ ખુલી ગઈ છે. આવી ગોબાચારી માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ છે એવું નથી પરંતુ હવે એક પછી એક રાજ્યના મોટાભાગના જિલ્લામાં આવી ગરબડ બહાર આવી રહી છે. જેના લીધે ભાજપના 'ગુજરાત મોડેલ'માં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લાલિયાવાળીની પોલ ખુલી ગઈ છે. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ બનાસકાંઠા વાળી થતું હોવાનું શંકા સેવવામાં આવી રહી હતી. બનાસકાંઠા જિલ્લાની ઘટનાને પગલે કચ્છનો પ્રાથમિક શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. બીજી બાજુ જેઓ લાંબા સમયથી ગેરહાજર હતા તેઓ પણ કોઈ કાર્યવાહી થાય તે પહેલા રાજીનામુ આપવા માટે દોડી રહ્યા છે. આ બધી દોડધામ અને કાર્યવાહી વચ્ચે એક વાત તો ચોક્કસ છે કે, ગુજરાતના શિક્ષણ વિભાગમાં બધું સમુસુતરું નથી ચાલી રહ્યું.
જિલ્લાના તાલુકા મથક ભુજથી આશરે 70 કિલોમીટર દૂર આવેલા ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા ધ્રોબાણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતાબેન ચૌધરી છેલ્લા બે વર્ષથી બિન અધિકૃત રીતે ગેરહાજર છે. તેઓ રજા લીધા વિના કેનેડામાં સ્થાઈ થઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અન્ય કેટલીક ઘટનાઓમાં પણ આસપાસના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક લાંબા ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે. આવા માસ્તરો અમદાવાદ સહીત તેમના વતનના જિલ્લામાં વગર રજાએ મોજ કરી રહ્યા છે.
ધ્રોબાણા ગામની શાળાની જેમ દેઢિયા (જુણા) પ્રાથમિક શાળામાં તો જેમના હાથ નીચે અન્ય શિક્ષકો હોય તેવા દિપીકાબેન રાઠોડ નામના મુખ્ય શિક્ષક જ વર્ષ 2021થી બિન અધિકૃત રીતે તેમના વતનમાં 'ઘેર' હાજર હોવાનું બહાર આવ્યું છે. આવી જ રીતે ખાવડાના ભીરંડિયારા ગ્રુપ શાળાના રેઢારવાંઢના પિન્કીબેન બ્રહ્મભટ્ટ નામના શિક્ષિકા તો બે વર્ષથી તેમના ઘરે અમદાવાદ ચાલ્યા ગયા છે.
ક્લાર્કની નોકરી મળી એટલે રાજુનામુ આપ્યા વિના ભાગી ગયા : ભુજ તાલુકાના જુણા પ્રાથમિક ગ્રુપ શાળા અંતર્ગત આવતી કકરવાંઢની શાળાના શિક્ષક રાજેશકુમાર રાણાને ક્લાર્કની નોકરી મળી જતા કોઈપણ જાતની મંજૂરી વિના કે રાજુનામુ આપ્યા વિના નવી નોકરી જોઈન કરી લીધી છે. આ ભાઈ છેક ડિસેમ્બર 2023 થી બિનઅધિકૃત ગેરહાજર છે.
પ્રાથમિક શિક્ષણ અધિકારીઓનો દાવો, ટીમ બનાવીને કાર્યવાહી કરી રહ્યા છીએ : બનાસકાંઠા જિલ્લાની ઘટનાને પગલે કચ્છમાં આવું ભોપાળું બહાર આવવાનું હતું એટલે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પહેલાથી જ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક ટીમ બનાવીને તમામ શાળાઓનો ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. જરૂર જણાય ત્યાં તરત જ એક્શન પણ લેવામાં આવ્યા છે. રાજીનામુ આપ્યા વગર કેનેડા ભાગી ગયેલા શિક્ષક બહેનથી માંડીને વતન ભેગા થઈ ગયેલા માસ્તરોને નોટિસ આપીને તેમના પગાર અટકાવી દેવામાં આવ્યા હોવાનું ભુજ તાલુકા શિક્ષણ નિરીક્ષક હસુમતીબેન પરમારે દાવો કર્યો હતો.
અનેક વખત વિદેશ જઈ આવેલા શિક્ષક વસંત સામે કાર્યવાહી થશે કે ભીનું સંકેલાઇ જશે ? : ભુજ તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલો વસંત નામનો શિક્ષક લગભગ દર વર્ષે મંદિરના અથવા તો દાતાઓના ખર્ચે - જોખમે વિદેશ ટુર કરી આવે છે. અગાઉ પણ વસંત કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના યુકે સહિતના આફ્રિકાના વિવિધ દેશમાં આંટો મારી આવેલો છે. વસંત નામના આ માસ્તરભાઈ જિલ્લા કક્ષાના એક અખબારમાં પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. એટલે શિક્ષણ વિભાગ પણ સમગ્ર વાતથી વાકેફ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરતુ નથી. IAS - IPSને પણ જો વિદેશ જવું હોય તો સરકારમાંથી મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ અખબારની 'હવા'માં વસંતભાઈ કોઈપણ જાતની મંજૂરી વિના વિદેશ આંટો મારી આવી છે. એટલું જ નહીં પરંતુ અખબારના પત્રકાર સાથે લિકર શોપમાં ઉભા રહીને ફોટા પડાવે છે અને તેને ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં પણ મૂકે છે. શિક્ષણ વિભાગ દ્વારા જો પાસપોર્ટ અને વિદેશ જવા માટે માંગવામાં આવેલી મંજૂરીની અરજીઓની ચકાશણી કરવામાં આવે તો 'ભેખધારી પત્રકારત્વ' નો દંભ કરતા લોકોની પોલ ખુલી શકે છે.
શિક્ષકોની ઘટ વચ્ચે ગાયબ થઈ જતા માસ્તરો, આમાં કેમ ભણે ગુજરાત ? : ગુજરાત મોડેલ અને શિક્ષણના ફૂલ ગુલાબી ચિત્ર વચ્ચે માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાનું રેકર્ડ ઉપર છે. કચ્છની વાત કરીએ તો, લોકો જેને સફેદ રણના વિસ્તાર તરીકે ઓળખે છે તેવા ભુજ તાલુકાના બન્ની-પચ્છમમાં શાળાઓમાં અનફયાજે 60 ટકા જેટલા ઓછા શિક્ષક વચ્ચે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં વગર રજાએ ગાયબ થઇ જતા શિક્ષકોને લીધે અહીંના વિસ્તારોમાં શિક્ષણ ઉપર ગંભીર અસરો થઈ રહી હોવાનું ખુદ અધિકારો ધીમા અવાજે સ્વીકારી રહ્યા છે.
એક અંદાજ પ્રમાણે, હાજીપીર થી લઈને જુણા સુધી અંદાજિત 90 કિલોમીટરના વિસ્તારમાં 120 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં બારેક હજાર છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં અંદાજિત 1000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હશે. આ વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર એટલું નીચે છે કે, નવમા ધોરણમાં આવા વિદ્યાર્થીઓનો એડમિશન રેશ્યો 50% થી નીચે જતો રહેતો હોય છે. દસમા ધોરણ સુધી પહોંચતા આ વિદ્યાર્થીઓ 25% માં સમાઈ જાય છે અને રિઝલ્ટ આવે ત્યારે માત્ર ધોરણ આઠ ની સંખ્યા વાળા બાળકો માંથી 10 થી 15 ટકા પાસ થાય છે.
નિરીક્ષકોની પોસ્ટ પણ ચાર્જ ઉપર : આપણે માત્ર ભુજ તાલુકાની વાત કરીએ તો અહીં ગ્રુપ કે બે ગ્રુપ વચ્ચે એક બીટ નિરીક્ષકની જગ્યા હોય છે અને તે પણ ખાલી હોય છે. જેમાં ચાર્જ ઉપર ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે સરકારની જ્ઞાન સહાયકો વાળી 'ફિલમ' અહીં સક્સેસફુલ રહી નથી.