સિદ્ધુ મુસેવાલાઃ જાણો કેવી રીતે હત્યા કરવામાં આવી હતી...

મુસેવાલા પર મનપ્રીત મન્નુએ ગોળીબાર અને ત્યારપછી પાંચ વધુ શૂટરોએ તેની ઉપર ફાયરિંગ કર્યું હતું

સિદ્ધુ મુસેવાલાઃ જાણો કેવી રીતે હત્યા કરવામાં આવી હતી...

WND Network.Delhi : પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રહસ્ય ખોલતા જણાવ્યું છે કે, પંજાબના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા પર મનપ્રીત મન્નુ નામના વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, ત્યારપછી પાંચ વધુ શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારી ધાલીવાલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં બે ટોળકી સામેલ હતા જેમનો કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સીધો સંપર્ક હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 શૂટરોની ઓળખ કરી લીધી છે. સોમવારે પોલીસે આ કેસમાં ગુજરાતના કચ્છમાંથી ઝડપાયેલા ત્રણની ધરપકડ કરી હતી, જેમાંથી બે મુખ્ય શૂટર છે. અને તેમણે મુસેવાલા ઉપર ગોળી ચલાવી હતી. ધાલીવાલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, હુમલાખોરોએ સ્થળ વિશે વધુ માહિતી મેળવવા માટે હુમલો કરતા પહેલા ઘણી વખત આ વિસ્તારની રેકી પણ કરી હતી. સોમવારે કચ્છથી ધરપકડ કરાયેલા ત્રણ શૂટરો પાસેથી આઠ ગ્રેનેડ, 9 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 3 પિસ્તોલ (50 રાઉન્ડ) અને એક એસોલ્ટ રાઇફલ મળી આવી છે.

આવી રીતે આપ્યો હતો હત્યાને અંજામ...
દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં બે મોડ્યુલ સામેલ હતા. પ્રથમ મોડ્યુલ પ્રિયવ્રત ફૌજીના નેતૃત્વમાં બોલેરો વાહનમાં હતું. કારમાં ડ્રાઈવર અને મનપ્રીત સિવાય અંકિત સિરસા અને દીપક મુંડે તેમની સાથે હતા. બીજું મોડ્યુલ કોરોલા વાહનમાં હતું જેમાં મનપ્રીત ડ્રાઈવરની નજીક બેઠો હતો. પોલીસે જણાવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલા તેના ઘરની બહાર નીકળ્યો ત્યારે સંદીપ નામના વ્યક્તિએ હુમલાખોરોને તેની જાણકારી આપી હતી. તે સમયે તેની સાથે બે મિત્રો પણ હતા પરંતુ કોઈ સિક્યોરિટી ટિમ સાથે ન હતી. કોરોલાએ સિદ્ધુના વાહનને ઓવરટેક કર્યું અને મનપ્રીત મન્નુએ એકે-47 વડે તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીઓ સિદ્ધુને લાગી હતી. આ પછી, કોરોલામાં સવાર બંને લોકો નીચે ઉતર્યા, ત્યાં સુધીમાં પાછળથી આવતી બોલેરો તેમની નજીક આવી ગઈ હતી. બોલેરોમાંથી ચાર શૂટર પણ ઉતર્યા અને છ લોકોએ સિદ્ધુની કાર પર હુમલો કર્યો.

ઘટનાને અંજામ આપ્યા બાદ આ લોકો બંને વાહનોમાં ત્યાંથી રવાના થયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ બોલેરોમાં સવાર લોકોએ થોડાક કિલોમીટર આગળ ગયા બાદ બોલેરોને છોડી દીધી હતી. કેશવ તેને ત્યાંથી ફતેહપુર લઈ ગયો. આ લોકો થોડા દિવસ ફતેહપુરમાં થોડા દિવસ રોકાયા હતા. બાદમાં 19 જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી.