સંજયે કેન્દ્ર સરકારના નીતિ આયોગના મેમ્બર તરીકેની ઓળખ આપીને ગાંધીધામમાં ઉદ્યોગપતિઓને છેતર્યા, જાણો મહાઠગના કચ્છના કાંડ...

બેન્ક ઓફ મહારાષ્ટ્રને પણ 300 કરોડનો ચૂનો લગાવ્યો છે, ચાર્ટડ પ્લેનથી બેંકર્સને કચ્છમાં સફેદ રણ જોવા લઇ જતો

સંજયે કેન્દ્ર સરકારના નીતિ આયોગના મેમ્બર તરીકેની ઓળખ આપીને ગાંધીધામમાં ઉદ્યોગપતિઓને છેતર્યા, જાણો મહાઠગના કચ્છના કાંડ...

WND Network.Gandhidham (Kutch) : ગુજરાતના ઠગ કિરણ પટેલને પણ ટક્કર મારે તેવા યુપીના મહાઠગ સંજય રાય શેરપુરીયાના અનેક કાંડ બહાર આવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં અને કચ્છમાં આ મહાઠગનો ભાજપના નેતાઓને કારણે એવો દબદબો હતો કે, જેને જોઈને સૌ કોઈ તેનાથી પ્રભાવિત થઈ જતા હતા. કચ્છમાં પોતાની કંપનીનો પ્લાન્ટ નાખ્યા પછી સંજય જયારે ગાંધીધામમાં ઉદ્યોગપતિઓને મળતો ત્યારે પોતે કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં મેમ્બર હોવાના વાતો કરીને તેની નિયુક્તિ અંગેનો લેટર પણ બતાવતો હતો. કેટલાક ઉદ્યોગપતિઓને ત્યારે તેની વાતમાં શંકા થઇ હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રના મંત્રીઓ સાથેની નિકટતા હોય તેવા ફોટા અને ગાંધીધામ ચેમ્બરના કાર્યક્રમમાં ખુદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સાથેનો ઘરોબો જોઈને તેઓ સાચું માની ગયા હતા. ચેમ્બરના એક કાર્યક્રમમાં તો ગુજરાત ભાજપના નેતાઓ કરતા પણ સંજય શેરપુરીયા મંત્રી ગિરિરાજની વધુ નજીક જોવા મળ્યો હતો. 

EDના કેસને રફેદફે કરવાના કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના (UP - STF) હાથે ઝડપાઇ ગયા પછી સંજયના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે, તો અત્યાર સુધી સંજય સામે કોઈએ ફરિયાદ કે રજૂઆત કેમ ન કરી હતી ? ફરિયાદ અને રજૂઆતો તો ઘણા કરતા હતા પરંતુ ભાજપના ટોચના નેતાઓના આશીર્વાદને કારણે તેને કોઈ અડી શકતું ન હતું. સંજયની ધરપકડ બાદ જ SBI દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી તેના કાંડ બહાર આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ઉપરાંત બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પણ સંજયની કંપનીઓને 250 કરોડથી વધુની લોન આપેલી છે. આ વાત સંજયે ખુદ તેની કચ્છની મુલાકાત વેળાએ ગાંધીધામના એક ઉદ્યોગપતિને કહી હતી. 45 લાખ રૂપિયા આપ્યા પછી સંજય દ્વારા જયારે તેમના કોલ લેવાનું બંધ કર્યું ત્યારે આ ઉદ્યોગપતિ સમજી ગયા હતા કે, ભાજપના નેતાઓના ફોટા બતાવીને રૂપિયા લઇ જનારો સંજય ચીટર છે. 

ચાર્ટર્ડ પ્લેનમાં બેન્કના અધિકારીઓને કચ્છ લાવીને સફેદ રણ જોવા લઇ જતો :- વડાપ્રધાન મોદીએ કચ્છના જે સફેદ રણને દુનિયાના નકશામાં પ્રવાસન ક્ષેત્રે નામ અપાવ્યું છે તેનો પણ યુપીનો આ મહાઠગ ઉપયોગ કરી ગયો છે. સંજય શેરપુરીયાએ બેન્ક ઓફ મહારાષ્ટ્ર પાસેથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેના એક ગુપ્તા અટકધારી ડિરેક્ટરને ફેમિલી સાથે ચાર્ટડ પ્લેનમાં કચ્છ લઇ આવ્યો હતો. ભુજમાં લેન્ડ થયા બાદ મોંઘી પોર્શ કારમાં બેંકર્સને સફેદ રણ જોવા લઇ ગયો હતો. અને પછી ભુજમાં લાખો રૂપિયાની શોપિંગ પણ કરાવી આપી હતી. 

કચ્છમાં GST અને ઈન્ક્મટેક્સ કરોડો  રૂપિયા બાકી નીકળે છે :- કચ્છમાં, ખાસ કરીને ગાંધીધામમાં માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના GST અને આવકવેરા વિભાગમાં પણ સંજય રાય શેરપુરીયાનું કરોડો રૂપિયાનું લ્હેણુ બાકી નીકળતું હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. આ માટે GST અને ઈન્ક્મટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ટૅક્સ રિકવરી માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ અહીં પણ સંજય ભાજપના ટોચના નેતાઓના સંપર્કનો ઉપયોગ કરીને અધિકારીઓને દબાવતો હતો. 

ગાંધીધામમાં કોઈ બાકી રૂપિયા માંગે તો પ્લાન્ટની મશીનરી આપી દેતો :- એક પછી એક ઉદ્યોગપતિ પાસેથી લાખો રૂપિયા લીધા બાદ જયારે ગાંધીધામમાં કોઈ રૂપિયા પાછા માંગે તો પહેલા સંજય ફોન રિસીવ ન કરે. અને ત્યાર પછી પણ જો વધુ પ્રેસર થાય તો ગાંધીધામ પાસેના તેની કંપનીના પ્લાન્ટમાંથી મશીનરી લઇ જઈ તેને વેચીને રૂપિયા વસૂલી લેવાની ઓફર કરતો હતો. અન્ય લોકો સાથે છેતરપિંડી કરનારા સંજયે તેના માટે તેની સાથે કામ કરતા કચ્છના લોકોને પણ છોડ્યા ન હતા. કચ્છમાં સંજયનું કામ સાંભળતા આદિપુરના સિંધી યુવાન નરેશના નામે પણ સંજયે લખો રૂપિયાની લોન લીધી હતી.

અમદવાદમાં સંજય ઉપર ફાયરિંગ થયેલું, IPS સાથે પણ સંજયના સબંધ :- ગુજરાતના કિરણે જેમ યુપીના મહાઠગ સંજયના ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંબંધ છે. કચ્છમાં ફરજ બજાવી ગયેલા મૂળ બિહારના એક દિવગંત IPS જયારે અમદવાદમાં હતા ત્યારે સંજયનો દબદબો હતો. રૂપિયાની વસૂલીને લઈને સંજય ઉપર અમદવાદમાં ફાયરિંગ થયું હોવાની વાત પણ પોલીસ બેડમાં તે વખતે ચર્ચાનો વિષય બની હતી. 

PM મોદીને એરપોર્ટ ઉપર રિસીવ કરતો ફોટો પણ વાયરલ થયો :- રાજનેતાઓ સાથેના ફોટા બતાવીને લોકોને પ્રભાવિત કરવાની પ્રવૃત્તિ જૂની છે. જેમાં મોટા ભાગે ભીડનો હિસ્સો બનીને ઠગ લોકો ફોટો પડાવે છે. અને પછી તેને બતાવી પોતે ખાસ હોવાની છાપ ઉભી કરે છે. પરંતુ ઠગ સંજય શેરપુરીયાના કિસ્સામાં એવું નથી દેખાતું. સંજયના આમ તો ઘણા ફોટો સોસીયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. પરંતુ તેમાં વડાપ્રધાન મોદીને એરપોર્ટ ઉપર પુષ્પગુચ્છ સાથે રિસીવ કરતો હોય તેવો સંજયનો ફોટા ગળે નથી ઉતરી રહ્યો. માત્ર આ એક જ નહીં, એક રૂમમાં સોફા ઉપર આપણાં વડાપ્રધાન મોદી બેઠા છે અને તેની નજીક સંજય પણ બેઠો હોય તેવો ફોટો પણ વાયરલ થયો છે. જો સંજય વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવી શકતો હોય તો ગુજરાતના તત્કાલીન સીએમ વિજય રૂપાણી, સંઘના મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ, કિરણ રીજ્જુ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ, ઇન્ડિયા ટીવીના એડિટર રજત શર્મા, આજતક ચેનલવાળા બહેન સિનિયર મહિલા પત્રકાર અંજના ઓમ કશ્યપ સાથેના ફોટા તો કઈંજ ન કહેવાય ને ? 

ધરપકડ પહેલાના ત્રણ દિવસ સુધી કચ્છમાં હતો સંજય :- કચ્છના આદિપુર ખાતે સીંધી યુવતી સાથે લગ્ન કરનારા સંજયની સાસરી કચ્છ છે. યુપીમાં તેને  અરેસ્ટ કરવામાં આવ્યો તેના પહેલા ત્રણ દિવસ સુધી સંજય ગાંધીધામમાં જ હતો. સૂત્રોનું માનીએ તો, ધરપકડના આગલા દિવસે સંજય કંડલા એરપોરથી દિલ્હી ગયો હતો. અને બીજા જ દિવસે તેને યુપી પોલીસના STF દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.