ગુજરાતમાં પહેલી વખત પોસ્ટિંગ વિહોણા 6 IPSને 'એટેચ'ને બહાને કામચલાઉ પોસ્ટિંગ મળ્યું, પૂર્વ કચ્છ પોલીસમાં બુટલેગર સાથે સંડોવાયેલો કોન્સ્ટેબલને 'એટેચ' માં અંબાજી મુકાયો

ગુજરાતમાં પહેલી વખત પોસ્ટિંગ વિહોણા 6 IPSને 'એટેચ'ને બહાને કામચલાઉ પોસ્ટિંગ મળ્યું, પૂર્વ કચ્છ પોલીસમાં બુટલેગર સાથે સંડોવાયેલો કોન્સ્ટેબલને 'એટેચ' માં અંબાજી મુકાયો

(તસ્વીરમાં જે છ IPS અધિકારીને એટેચ કરવામાં આવ્યા છે તે સુધી ઉપર ડાબેથી સુજાતા મજુમદાર, સુધા પાંડે, મયુર પાટીલ, ચૈતન્ય માંડલિક, આર. ટી. સુસરા અને તરુણ દુગ્ગલ છે જયારે નીચેની તસ્વીરમાં પૂર્વ કચ્છના KASEZમાં દેશી દારૂનો સુધી મોટો પોઇન્ટ ચલાવતા કુખ્યાત બુટલેગર રૂસ્તમ સાથે (લાલા સર્કલમાં) આદિપુર પોલીસ થી અંબાજી એટેચ કરવામાં આવેલો પોલીસ કોન્સ્ટેબલ ભાવિન બાબરીયા છે)

WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકારમાં ગુજરાત પોલીસના ઇતિહાસમાં અત્યાર સુધી ન થયું હોય તેવી ઘટનાઓ બની રહી છે. જેમાં DG રેન્કના IPS ઓફિસર્સ હોવા છતાં DGની પોસ્ટ ઉપર રેગ્યુલર પોસ્ટિંગ કરવાને બદલે ચાર્જ આપવામાં આવે છે, SP રેન્કમાંથી DIG બનેલા 10 IPSને પ્રમોશન તો મળે છે પણ મહિનાઓ સુધી કામ મળતું નથી. હવે આટલું ઓછું હોય તેમ પોસ્ટિંગ વિહોણા 10 IPSમાંથી પાંચ DIG અને એક SPને નિયમિત પોસ્ટિંગ આપવાને બદલે એટેચ કરવાનો હુકમ થયો છે. સામાન્ય રીતે આ પ્રકારના એટેચ કામગીરી કરવાના ઓર્ડર અત્યાર સુધી ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ કે PI-PSI રેન્કમાં થતા હતા. છ IPSને એટેચ કરવાનો હુકમ થયો તેના થોડા દિવસ પહેલા જ પૂર્વ કચ્છ પોલીસના આદિપુર મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભાવિન બાબરિયાને અંબાજી એટેચ કરવામાં આવ્યો છે, જેનો ફોટો સુધી મોટા દેશી દારૂના પોઇન્ટ ચલાવતા બુટલેગર રૂસ્તમ સાથે વાયરલ થયો હતો. 

છ મહિનાથી પોસ્ટીંગની રાહ જોઈ રહેલા IPS અધિકારીઓ અંગેનો વિવાદ વધતા વિધાનસભાના સત્ર દરમિયાન જ તેમને રેગ્યુલર પોસ્ટિંગ આપવાને બદલે ગૃહ વિભાગે પોલીસ ભવન સહિતની વિવિધ કચેરીમાં એટેચને બહાને કામચલાઉ મુક્યા છે. કુલ દસ IPS કોઈપણ જાતની કામગીરી વિના મહિનાઓથી નિમણુંક માટે પ્રતીક્ષા કરી રહ્યા હતા. હજુ પણ ચાર IPS પોસ્ટિંગ વિહોણા છે. ગુજરાતમાં IPS કેડરમાં અત્યાર સુધી આવું બન્યું નથી. 

IPS અધિકારીઓને એટેચ કરવાની બાબતમાં તો સમજ્યા કે, તેમની પાસે કોઈ વિધિવત નિયમિત પોસ્ટિંગ ન હતું. પરંતુ પૂર્વ કચ્છ પોલીસના આદિપુર પોલીસ મથકેથી અંબાજી મુકવામાં આવેલા કોન્સ્ટેબલને કેમ એટેચ કરવામાં આવ્યો તે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

સામાન્ય રીતે કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારીને જિલ્લા બહાર ટ્રાન્સફર કે એટેચ કરવાની સત્તા રેન્જ આઇજી અથવા તો ગાંધીનગર પોલીસ ભવન પાસે હોય છે. કચ્છમાં દેશી દારૂના સૌથી મોટા બુટલેગર સાથે ઘરોબો ધરાવતા કોન્સ્ટેબલ ભાવિન બાબરીયાને અંબાજી કેમ એટેચ કરવામાં આવ્યો તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા બોર્ડર રેન્જના આઇજી IPS ચિરાગ કોરડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. મેસેજથી હકીકત જાણવાનો પ્રયત્ન કરતા IG કોરડિયાએ બે દિવસ બાદ 'સોમવારે અપડેટ આપીશ' તેવો મેસેજથી જવાબ આપ્યો હતો.  

નિવૃત્તિને આડે ફક્ત મહિનો છતાં પોસ્ટિંગ વિહોણા DGP રેન્કના IPS સમશેરસિંહ : ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદ એવા રાજ્ય પોલીસ વડા (DGP)ની પોસ્ટ પણ હાલ સ્થિર નથી. IPS ડૉ. કે.લક્ષ્મી નારાયણ રાવ હાલ કામચલાઉ ધોરણે ઇન્ચાર્જ DGP તરીકે કાર્યરત છે. જ્યારે તેમનાથી પણ સિનિયર અને તાબડતોડ સેન્ટ્રલના ડેપ્યુટેશનમાંથી પરત ગુજરાત કેડરમાં લાવવામાં આવેલા IPS ડૉ. શમશેર સિંઘ પણ ઘણા દિવસોથી કાયમી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ડૉ. શમશેર સિંઘની નિવૃત્તિને હવે માત્ર એક મહિનો બાકી છે, છતાં કહેવાતી નિર્ણાયક સરકાર તેમના અનુભવનો ઉપયોગ ક્યાં કરવો તે નક્કી કરી શકી નથી.