કેનેડાની પોલીસના દાવાથી ખળભળાટ - ગેંગસ્ટર લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાંથી ગ્લોબલ ક્રાઈમની મોટી સિન્ડિકેટ ચલાવી રહ્યો છે, ક્ચ્છમાંથી પણ લોરેન્સના પાંચ ગેંગસ્ટર પકડાયેલા

કચ્છમાંથી પોલીસે ઝડપેલા લોરેન્સના શૂટરો પાસેથી આઠ ગ્રેનેડ, 9 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 3 પિસ્તોલ, 50 રાઉન્ડ અને એક એસોલ્ટ રાઇફલ મળેલી, કચ્છની નલિયા કોર્ટમાં રજુ કરાયેલો

કેનેડાની પોલીસના દાવાથી ખળભળાટ - ગેંગસ્ટર લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાંથી ગ્લોબલ ક્રાઈમની મોટી સિન્ડિકેટ ચલાવી રહ્યો છે, ક્ચ્છમાંથી પણ લોરેન્સના પાંચ ગેંગસ્ટર પકડાયેલા

WND Network.Ahmedabad : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ Lawrence Bishnoi) ભારતમાં જેલમાં બેઠા બેઠા ગ્લોબલ ક્રાઈમની મોટી સિન્ડિકેટ ચલાવી રહ્યો હોવાનો દાવો કેનેડાની પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (Royal Canadian Mounted Police - RCMP) ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સ્થિત જેલમાં બંધ ઓર્ગેનાઇઝડ ક્રાઇમનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ હજુ પણ જેલમાંથી ખંડણી, ડ્રગની હેરાફેરી અને કોન્ટ્રેક્ટ કિલિંગનું નેટવર્ક ચલાવી રહ્યો છે. લોરેન્સ હાલ ગુજરાત અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ ફોન પક્ડાયાની ઘટના વચ્ચે કેનેડાની પોલીસનો દાવો ઘણો બધો અણસાર આપી રહ્યો છે. કચ્છ-ગુજરાત સહીત સમગ્ર ભારત અને દુનિયામાં હજુ પણ બિશ્નોઈના ગેંગના લોકો સક્રિય હોવાનો દાવો ભારતમાં પોલીસ કરી ચુકી છે ત્યારે કેનેડાની પોલીસના આ ફ્રેશ રિપોર્ટથી ભારત અને કેનેડાના પાટે ચઢી રહેલા રાજદ્વારી સંબંધો વધુ એક વખત વણસે તેવું માનવામાં આવી રહ્યું છે.  

આ અગાઉ પણ કેનેડાની સરકાર અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીના સિક્રેટ એજન્ટ ગેંગસ્ટર  લોરેન્સ બિશ્નોઈની ગેંગનો ઉપયોગ કેનેડાની ધરતી ઉપર કથિત ખાલીસ્તાની કેનેડિયન નાગરિકોને શૂટ કરવા માટે કરી રહ્યા છે. ત્યારબાદ બંને દેશ વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન બગડી ગયા હતા. 

હવે ફરીથી ચર્ચામાં આવેલા કેનેડિયન પોલીસના રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. કારણ કે હવે વાત ભારતની જેલના વહીવટની છે. લોરેન્સ જેલમાંથી જ આંતરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝડ ક્રાઇમને હેન્ડલ કરી રહ્યો હોવાના દાવા અંગે હજુ સુધી ઇન્ડિયા કે ગુજરાતની જેલના સત્તાવાળા કે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ટિપ્પણી આવી નથી. 

માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોરેન્સની ગેંગના માણસો સક્રિય હોવાનું અવાર નવાર બહાર આવ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પણ લોરેન્સ ગેંગની હાજરી જોવા મળી ચુકી છે. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ કચ્છના દરિયા કાંઠે ઉતારવાના પ્રકરણ ઉપરાંત કચ્છમાંથી પોલીસે લોરેન્સના શૂટરને પણ પકડેલા છે. 

એપ્રિલ.2023માં બિશ્નોઇની દિલ્હીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ એપ્લિકેશન વેળાએ ગુજરાત ATS દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2022માં ગુજરાતમાંથી, ખાસ કરીને કચ્છના પોર્ટ અને દરિયા કાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ માદક પદાર્થને પાકિસ્તાનથી ભારતમાં કચ્છ થઈને લાવવામાં આવ્યું હતું. જેમાં ATS દ્વારા છ વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યા હતા. આ કેસના તાર બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા છે. અને તેમાં તેની તપાસ કરવી જરૂરી હોવાને પગલે તેના રિમાન્ડ મેળવવા માટે બિશ્નોઇને કચ્છ લાવીને નલિયા કોર્ટમાં રજુ કર્યો હતો અને તેને JMFC કોર્ટે 38 કિલો હેરોઇનના કેસમાં 14 દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા. 

ક્ચ્છમાંથી લોરેન્સના પાંચ ગેંગસ્ટર ઝડપાઇ ચુક્યા છે : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ટીમનાં પાંચ ખતરનાક ગેંગસ્ટરને પોલીસે ક્ચ્છમાંથી અલગ અલગ જગ્યા અને સમયે ઝડપી લીધા હતા. જેને પગલે વર્ષ 2022માં સરહદી કચ્છમાં પણ બિશ્નોઇ ગેંગની હાજરી હોવાનું બહાર આવ્યું હતું. પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જણાવાયું હતું કે, ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા પર મનપ્રીત મન્નુ નામના વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી પાંચ વધુ શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારી ધાલીવાલે  એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં બે ટોળકી સામેલ હતા જેમનો કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સીધો સંપર્ક હતો. આ કેસમાં પોલીસે 6 શૂટરોની ઓળખ કરી લીધી હતી. આ કેસમાં કચ્છમાંથી ઝડપાયેલા ત્રણની ધરપકડ કરી હતી, જેમાંથી બે મુખ્ય શૂટર હતા. અને તેમણે મુસેવાલા ઉપર ગોળી ચલાવી હતી. કચ્છથી જેમની ધરપકડ કરવામાં આવી હતી તેવા ત્રણ શૂટરો પાસેથી આઠ ગ્રેનેડ, 9 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 3 પિસ્તોલ, 50 રાઉન્ડ અને એક એસોલ્ટ રાઇફલ પણ મળી આવી હતી. 

લોરેન્સને એક ખાસ આદેશ હેઠળ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે : લોરેન્સ અને ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીના એજન્ટ્સ વચ્ચેના સંબંધોને ભારત સરકાર દ્વારા ભૂતકાળમાં ભારપૂર્વક નકારવામાં આવી ચુક્યા છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક ખાસ આદેશ હેઠળ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલો છે. બૉલીવુડ સ્ટાર સલમાનખાનને ધમકી આપવા ઉપરાંત તેના ઘર ઉપર ફાયરિંગના કેસમાં મુંબઈ પોલીસને પણ લોરેન્સની કસ્ટડી લેવી મુશ્કેલ બની હતી. લોરેન્સને ગુજરાત અમદાવાદની જેલમાં જ કેમ રાખવો પડ્યો છે તે અંગે પણ ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. 

ભારત બહાર વિદેશમાં કોવર્ટ ઓપરેશનથી લઈને કોઈપણ મિશનને અંજામ આપવા માટે ઇન્ડિયન પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW) ઇન્ડિયાના અલગ અલગ દૂતાવાસની મદદથી કામ કરે છે તેવા આક્ષેપ કેનેડા અને પાકિસ્તાન સહિતના દેશો કરી ચુકયા છે. યોગાનુયોગ કહો કે ગમે તે, હાલ રૉ એજન્સીમાં ગુજરાત કેડરના IAS સહીત કેટલાક IPS ઓફિસર કામ કરી રહ્યા છે. 

લોરેન્સની ગેંગ આવી રીતે કામ કરે છે : નેવુંના દાયકામાં જેમ મુંબઈના બૉલીવુડ સહીત દેશના જાણીતા લોકો દાઉદ ઇબ્રાહિમના ફોન કોલથી ડરતા હતા તેમ હવે લોરેન્સના નામ અને તેની ગેંગના લોકોના ધમકીભર્યા કોલથી ફફડે છે. જેમ દાઉદ પહેલા દુબઇ અને પછી પાકિસ્તાનના કરાંચી શહેરથી મુંબઈ સહીત દેશની અંધારી આલમમાં રાજ કરતો હતો તેમ હવે લોરેન્સ જેલમાં રહીને તેના વેલ ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપી રહ્યો છે. જેલથી વધુ સુરક્ષિત સ્થાન બીજું કોઈ ન હોય તેમ આશ્ચ્ર્યજનક રીતે લોરેન્સ જામીન માટે પણ પ્રયાસ કરતો નથી. લોરેન્સની કામ કરવાની સ્ટાઇલ જોઈને ગુજરાતમાં, ખાસ કરીને કચ્છના બુટલેગર પણ  જેલમાંથી જ કરોડો રૂપિયાનો શરાબનો બે નંબરી ધંધો કરી રહયા છે

ભૂતકાળમાં NIAના ઈન્ટ્રોગેશનમાં લોરેન્સે તેની કામ કરવાની સ્ટાઇલ અંગે થોડો ખુલાસો કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ કોઈ પણ શૂટર સાથે સીધી વાત કરતો નથી. તે તેના સાગરીત ગોલ્ડી બ્રાર, સચિન બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈ દ્વારા શૂટર્સને ઓર્ડર આપે છે. લોરેન્સ પછી, ગેંગમાં તેનો સૌથી નજીકનો મિત્ર ગોલ્ડી બ્રાર છે, ત્યારબાદ તેનો પિતરાઈ ભાઈ સચિન બિશ્નોઈ છે. સૌથી રસપ્રદ વાત એ પણ છે કે, લોરેન્સ ગેંગમાં ઘણા એવા શૂટર્સ છે જેઓ એકસાથે કોઈ ગુનામાં સામેલ છે, પરંતુ એકબીજાને ઓળખતા નથી. આ લોકો કોઈના માધ્યમથી ખાસ જગ્યા પર મળે છે અને પછી ટાર્ગેટ પૂરો કરે છે. ( જેમ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં થયું હતું તેમ). આ પાછળનો તેમનો હેતુ એ છે કે જો કોઈ શૂટર પકડાય તો પણ તે બીજા વિશે વધુ કહી શકશે નહીં.

(Input Credit : VibesofIndia.Com )