Kutch : બે IPS સહીત છ પોલીસ ઓફિસર સામે અપહરણ-ખંડણી કેસમાં ગુન્હો ન નોંધવા બદલ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે FIR કરી

કચ્છમાં આવેલી કંપની ETના વિવાદાસ્પદ માલિક શૈલેષ ભંડારીને અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસ અધિકારીઓએ છાવર્યો હતો, SITના રિપોર્ટમાં પણ ક્લીનચિટ આપેલી

Kutch : બે IPS સહીત છ પોલીસ ઓફિસર સામે અપહરણ-ખંડણી કેસમાં ગુન્હો ન નોંધવા બદલ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે FIR કરી

WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે IPS અધિકારી, ત્રણ DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના બે તત્કાલીન એસપી જી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ. વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર  એમ.કે.ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત છ પોલીસ અધિકારીએ પ્રેમાનંદ નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તેની ઉપર કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ET)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જયાં આ પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ભુજની CID ક્રાઇમ કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટના સ્ટે હટાવી આદેશ બાદ એક મહિના પછી ગુન્હાની નોંધ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી પ્રેસ બ્રીફ મુજબ, ગાંધીધામ પાસે મેઘપર બોરીચીમાં આવેલા નવરત્ન ડ્રીમમાં રહેતા પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિએ ઈલેક્ટ્રો થર્મ કંપનીના માલિકો અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હોવાનો એકરાર કર્યો છે. આ ગુન્હો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે કરવામાં આવ્યો હોવાનું પણ CID ક્રાઇમે કબુલ્યું છે. 

IPS ભાવના પટેલ, જી,વી.બારોટ સહીત ત્રણ DySP અને એક PI સતત ક્લોઝિંગ રિપોર્ટ ભરતા રહ્યા હતા : વર્ષ 2015થી શરુ થયેલા આ સમગ્ર મામલા અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ - ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવનાબેન આર.પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈંજ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું.  

પોલીસે તેમના અધિકારીઓને સાચવી લીધા, પ્રેસ બ્રીફમાં નામ જ ન આપ્યા : આ સમગ્ર મામલામાં જેટલી ભૂંડી અને ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની છે. છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસમાં વિપરીત અસર થશે એવા રૂપાળા બહાના હેઠળ તેમના નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015થી આ કેસ ચાળીલો રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોરથી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયાં ઘસી નાખ્યા છે. ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી. પરંતુ હવે જયારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવો પડ્યો છે ત્યારે ભુજ CID ક્રાઇમને તેમાં ગંભીરતા દેખાઈ રહી છે. 

DGP શિવાનંદ ઝાએ SIT બનાવી તેમાં પણ પોલીસ અધિકારીએ ક્લોઝિંગ રિપોર્ટ ભરી દીધા : પોલીસ કેટલી હદે ઈલેક્ટ્રો થર્મ કંપનીના શૈલેષ ભંડારીને છાવરી રહી હતી કે SITની રચના બાદ પણ તેમાં ડેપ્યુટી એસપી આર.ડી.દેસાઈએ કોઈ જ ગુન્હો બન્યો નથી એવો ક્લોઝિંગરી રીપોર્ટ ભરી દીધો હતો. 

IPS જી.વી.બારોટ સામે તો મહિલા PSIએ છેડતીની ફરિયાદ કરી હતી : પૂર્વ કચ્છના એસપી તરીકે IPS જી.વી.બારોટ જયારે કાર્યરત હતા ત્યારે ગાંધીધામમાં રહેતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા અઘટિત માંગણી કરીને છેડતી કર્યાની ફરિયાદ પણ કરી હતી. અલબત્ત જેમાં તેમને કોર્ટે પાછળથી નિર્દોષ જાહેર કર્યા હતા. જી.વી.બારોટની જેમ અન્ય પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે તેવા અંજારના તત્કાલીન DySP ધનંજય વાઘેલા ઉર્ફે ડી.એસ.વાઘેલા સામે પણ તેઓ જયારે અંજાર હતા ત્યારે વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વાઘેલા અહીં ફરજ ઉપર કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત વિજય ગઢવી અને એમ.કે.ચૌહાણનો કાર્યકાળ પણ વિવાદાસ્પદ રહેલો છે. 

ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણીને ફસાવી દેવાનો કારસો ઘડ્યો હતો શૈલેષ ભંડારીએ : આ કેસના ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણી ETમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા. ET કંપનીમાં ડિરેક્ટર બનાવીને તેમના નામે કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેમને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે તેવી ગંધ તેમને આવી ગઈ હતી. એટલે તેમણે ડિરેકટર બનવાનું ના કહી દેતા પ્રેમનું અપહરણ કરીને અઠવાડિયા સુધી ગોંધી રકઝવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પત્ની પાસેથી સવા બે કરોડની સુધીની ખંડણી ઉઘરાવ્યા બાદ પણ શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પ્રેમ પાસે ઓડીયો વિડિઓ સહિતના આધાર પુરાવા હતા. છતાં શૈલેષ સામે ફરિયાદ કાર્યવાહી કરવાને બદલે પોલીસ તેને સપોર્ટ કરતી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી પણ પોલીસ સતત ET કંપનીના જવાબદારોને બચાવવાનો ભરચક પ્રયાસ કરતી રહી હતી.