Qatar Release Indian Navy Official : શું કતરે મુક્ત કરેલા ઇન્ડિયન નેવીના 7 પૂર્વ અધિકારીને મોદી કે ડોભાલે નહીં પણ અભિનેતા શાહરુખ ખાને છોડાવ્યા છે ?
ભાજપના જ નેતા સ્વામીએ X મીડિયા ઉપર કરેલા સ્ફોટક ખુલાસાથી ગોદી મીડિયાના સરકારી સમાચારની શાખ ઉપર લાગેલો બટ્ટો
WND Network.New Delhi : કતરમાં પકડાયેલા ઇન્ડિયન નેવીના આઠ પૈકી સાત પૂર્વ અધિકારીને મોતની સજામાંથી છોડાવીને ભારત લઇ આવવાની વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)ને ક્રેડિટ આપવાની હોડ વચ્ચે ભાજપના જ નેતા સુબ્રમણ્ય સ્વામીએ આજે X મીડિયા (ટવીટર) સ્ફોટક ખુલાસો કર્યો છે. સ્વામીએ કરેલા દાવા મુજબ કતરમાંથી ભારતીય નૌ સેનાના સાત પૂર્વ અધિકારીઓને છોડવા પાછળ મોદી સરકાર નહીં પરંતુ કરોડો લોકોના દિલ ઉપર રાજ કરતા બોલીવુડના એક્ટર શાહરૂખનો હાથ છે. સોસીયલ મીડિયામાં થઇ રહેલા દાવા મુજબ, જયારે આખી મોદી સરકાર કતર દેશના શેખને ન મનાવી શકી ત્યારે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની મદદ માંગવામાં આવી હતી. શાહરુખ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને તેમને કતરના શેખ સાથે પણ ખુબ સારા અંગત સંબંધ છે. અને તેમના આ અંગત સંબંધને લીધે જ ઇન્ડિયન નેવીના પૂર્વ અધિકારીઓને મુક્ત કરીને ભારત મોકલવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જો કે સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલી આ ચર્ચાઓ અંગે શાહરૂખાનની ઓફિસ દ્વારા આ અંગે ખંડન કરવામાં આવ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં તેમનો કોઈ રોલ નથી. અને ભારતના મજબૂત પ્રયાસોને પગલે ભારતના પૂર્વ સૈનિકો આઝાદ થયા છે. અને તેઓ પણ આ મામલે ખુશ છે.
ભાજપના સિનિયર નેતા સ્વામીના કતર દેશમાંથી મુક્ત કરવામાં આવેલા પૂર્વ સૈનિકોના છૂટવા પાછળ શાહરુખ ખાનનો હાથ હોવાના દાવા બાદ TMCની તેજતર્રાર મહિલા નેતા મહુવા મોઈત્રાએ SRKને અભિનંદન આપતી પોસ્ટ X મીડિયા ઉપર મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાડી દેશોના પ્રવાસ પહેલા ભારતના પૂર્વ સૈનિકોને મુક્ત કરી દેવા પાછળ પરંપરાગત મીડિયા મોદી સરકાર ઉપર ઓળઘોળ થઇ ગઈ હતી. તેવામાં સ્વામીના દાવાએ માત્ર સરકારની જ નહીં પરંતુ ગોદી મીડિયા કેટલી હદે ભક્તિમાં લીન છે તેની પણ પોલ ખોલી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મોટાભાગના મીડિયા દ્વારા કતર દેશમાંથી ભારતના સૈનિકોને મુક્ત થવાની ઘટના પાછળ રાજદ્વારી રીતે વિદેશ પ્રધાન જયશંકર અને NSA અજિત ડોભાલને ક્રેડિટ આપવાની સાથે સાથે આને મોદીની ડિપ્લોમેટિક જીત તરીકે પ્રોજેક્ટ કરી હતી.
શું હતો ઇન્ડિયન નેવીના પૂર્વ અધિકારીઓ સાથે સંકળાયેલો મામલો ? : અરબ દેશ કતરમાં ઓગસ્ટ 2022માં પકડાયેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ અધિકારીને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમની સામે ઇઝરાયલ માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. અને તેમને લાંબા સમયથી કતર દેશના દોહામાં એકાંતવાસમાં રાખવામાં આવેલા હતા. પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIની બાતમી અને ઈશારે કતરમાં તેમને પકડી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ભારતીય નૌકા દળના આ પૂર્વ ઓફિસર્સ કતરની એક કંપની દાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીઝ સર્વિસીઝમાં કામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન તેમની ઉપર ઇઝરાયલ માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આરોપ છે. આરબ દેશ કતરમાં જાસૂસીના આરોપને અતિ ગંભીર ગણવામાં આવે છે. ઇન્ડિયન પ્રિમિયન ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)ની સામે પણ આ મુદ્દે જે તે સમયે શંકાની સોય તાકવામાં આવી હતી.
કતરની કોર્ટમાં જે આઠ લોકોને ફાંસીની સજા કરવામાં આવી છે તેમાં નૌ સેનાના પૂર્વ કેપ્ટન બિરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સુગુનાકાર પકાલા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂરનેંદુ તિવારી, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશનો સામેલ હતા. આ લોકો જે દાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીઝ સર્વિસીઝમાં કામ કરી રહ્યા હતા તે એક ખાનગી કંપની છે અને તે કતર દેશની ડિફેન્સ ફોર્સને ટ્રેનિંગ સહિતની સેવા આપી રહી હતી. સૂત્રોનું માનીએ તો, કતરની આ કંપનીમાં ઇન્ડિયન નેવીના ઓફિસર અંગેની માહિતી પાકિસ્તાની એજન્સી ISI દ્વારા કતરને આપવામાં આવી હતી. જેને પગલે તેમને ગયા વર્ષે ઓગસ્ટ 2022માં જ દોહામાં કેદ રાખવામાં આવ્યા હતા.