Kutch Khavda RE Park : અદાણી રાષ્ટ્રીય સુરક્ષાથી પણ ઉપર છે ? કચ્છ બોર્ડરે બનાવેલા ખાવડાના RE પાર્કને મુદ્દે વિપક્ષનો લોકસભામાંથી વોકઆઉટ
લોકસભામાં કોંગ્રેસ સહિત ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોએ મોદી સરકાર ઉપર આરોપ મુક્યો કે, નેશનલ સિક્યોરિટીના નામે મત માંગનાર ભાજપે રાષ્ટ્રીય સુરક્ષાને બાજુ પર રાખીને એક કંપનીને સગવડ આપવા માટે મોદી સરકારે નિયમો બદલ્યા

WND Network.New Delhi : ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લામાં આવેલા ખાવડા પાસેના રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ (Kutch Khavda NTPC Renewable Energy Park) મુદ્દે કોંગ્રેસ અને DMK સહિતના વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવામાં આવી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, નેશનલ સિક્યોરિટીના નામે મત માંગનાર ભાજપ આજે રાષ્ટ્રીય સુરક્ષાને બાજુ પર રાખીને એક કંપનીને સગવડ આપવા માટે મોદી સરકારે નિયમો બદલ્યા છે. કોંગ્રેસના સાંસદ દ્વારા આજે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારને પૂછ્યું હતું કે, શું ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ખાવડામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ છૂટછાટ આપવામાં આવી છે ? જો કે, સરકારના મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબથી વિપક્ષ અસંતુષ્ટ થયો હતો અને લોકસભામાંથી વોકઆઉટ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ (Congress MP Gaurav Gogoi) એ કહ્યું કે મીડિયા રિપોર્ટ્સથી અમને ખબર પડી કે, આ પ્રોજેક્ટ અદાણી પાવર (Adani power)નો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આ કંપની (અદાણી પાવર) રાષ્ટ્રીય સુરક્ષાથી પણ ઉપર છે ? શું અદાણીની આ કંપનીને વિશેષ છૂટછાટ આપવામાં આવી છે ? શું અદાણી કંપનીના નફા માટે સેના (Indian Army) દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓને પણ અવગણવામાં આવી છે ? કોંગ્રેસના સાંસદ ગોગોઈએ એમ પણ કહ્યું કે, મોદી સરકારે સંસદમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.
લોકસભામાંથી વોકઆઉટ બાદ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, જે પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષાના નામે વોટ માંગે છે તેણે આજે રાષ્ટ્રીય સુરક્ષાને બાજુ પર રાખીને એક કંપનીને સુવિધા આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરી છે. ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા રિન્યૂએબલ એનર્જી પાર્કને મુદ્દે સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ બુધવારે લોકસભામાંથી વોકઆઉટ કર્યો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી (Congress MP Manish Tiwari) એ પ્રશ્નકાળ દરમિયાન સરકારને પૂછ્યું કે, શું ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ છૂટછાટ આપવામાં આવી છે ? તિવારીએ વધુમાં એમ પણ પૂછ્યું હતું કે, ગુજરાત કચ્છના ખાવડા માં એક વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. તે ભારત-પાકિસ્તાન સરહદની એક કિલોમીટરની ત્રિજ્યામાં છે. શું આ પ્રોજેક્ટ માટે કેટલી છૂટ આપવામાં આવી છે એ વાત સાચી છે ?
વિપક્ષના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી (Enenrgy Minister Prahlad Joshi) એ જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે છે, ત્યારે કેન્દ્ર, રાજ્યો અને અન્ય સંબંધિત એજન્સીઓ પાસેથી જરૂરી લાઇસન્સ લેવામાં આવે છે. જો કે મોદી સરકારના મંત્રીના જવાબથી વિપક્ષ સંતુષ્ટ ન થયો હતો. વિપક્ષના સાંસદોએ મંત્રી પાસે પ્રશ્નનો જવાબ માંગ્યો અને સૂત્રોચ્ચાર કરતા વેલમાં આવી ગયા.
વિપક્ષનો આરોપ, મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને મામલે સંવેદનશીલ નથી : કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સદનમાંથી બહાર નીકળયા બાદ સંસદ પરિસરમાં કહ્યું હતું કે, ખાવડા પ્રોજેક્ટ ભારત-પાકિસ્તાન સરહદના એક કિલોમીટરની અંદર છે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોટોકોલ મુજબ સરહદથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપિત કરી શકાતો નથી. તો શું આ પ્રોજેક્ટ માટે સરકારે નેશનલ સિક્યોરિટીને મુદ્દે કોઈ બાંધછોડ કરી છે ? સાંસદ તિવારીએ વધુમાં એમ પણ ઉમેર્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મુદ્દા પર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સરકાર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ નથી.