કચ્છના છારીઢંઢ પક્ષી અભ્યારણને રામસર સાઈટનો દરજ્જો મળ્યો, હવે Sanctuaryની બાજુમાં આકાર લઇ રહેલા NTPCના 4750 MW રિન્યુએબલ એનર્જી પાર્કનું શું થશે ?

ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારીઢંઢ, રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ મળશે

કચ્છના છારીઢંઢ પક્ષી અભ્યારણને રામસર સાઈટનો દરજ્જો મળ્યો, હવે Sanctuaryની બાજુમાં આકાર લઇ રહેલા NTPCના 4750 MW રિન્યુએબલ એનર્જી પાર્કનું શું થશે ?
કચ્છના છારીઢંઢ પક્ષી અભ્યારણને રામસર સાઈટનો દરજ્જો મળ્યો, હવે Sanctuaryની બાજુમાં આકાર લઇ રહેલા NTPCના 4750 MW રિન્યુએબલ એનર્જી પાર્કનું શું થશે ?

WND Network.Bhuj (Kutch) : પ્રવાસનની તેમજ ઉદ્યોગની દ્રષ્ટિએ ગુજરાતમાં અનોખું સ્થાન ધરાવતા રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છ માટે ગૌરવ લઇ શકાય તેવી વાત બની છે. કચ્છમાં જયાં દુનિયાભરના અવનવા અને રેર કહી શકાય તેવા પક્ષીઓનો મેળો જામે છે તે ભુજ પાસે આવેલા છારીઢંઢ પક્ષી અભ્યારણનો વૈશ્વિક રામસર સાઈટમાં સમાવેશ થયો છે. જેને લીધે સફેદ રણ પછી છારીઢંઢ પક્ષી અભ્યારણ પણ કચ્છને ગ્લોબલ લેવલે આગવી ઓળખ અપાવશે. કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આગામી બીજી ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી પૂર્વે આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના છારી-ઢંઢની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય ને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. જો કે ગર્વ લઇ શકાય તેવી આ જાહેરાત વચ્ચે હવે છારીઢંઢ પક્ષી અભ્યારણની અડોઅડ આકાર લઇ રહેલા NTPCના 4750 MW સોલાર રિન્યુએબલ એનર્જી પાર્કનું શું થશે તે અંગે પણ સવાલો ઉભા થયા છે

સરકારી દાવા પ્રમાણે, ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચી ગયું છે, જે 276% થી વધુનો વધારો દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા પર્યાવરણીય સંરક્ષણ અને વેટલેન્ડ્સ સંરક્ષણ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે તેવું કેન્દ્ર સરકાર માને છે. ભારત સરકારના મંત્રીએ કરેલા દાવા મુજબ, બંને વેટલેન્ડ્સ સેંકડો સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ માટે નિવાસસ્થાન પૂરું પાડે છે. આ વિસ્તારો ચિંકારા, વરુ, કારાકલ, રણ બિલાડીઓ અને રણના શિયાળ જેવા વન્યજીવન તેમજ લુપ્તપ્રાય પક્ષીઓનું ઘર છે.

પક્ષી અભ્યારણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જાણીતા પક્ષીવિદ્દ ડૉ. ભરત જેઠવાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છના છારીઢંઢ પક્ષી અભ્યારણને રામસર સાઈટનો દરજ્જો મળવો એ બહુ મોટી સિદ્ધિ સમાન છે. આમ તો વર્ષોથી કચ્છનું આ અભ્યારણ દુનિયામાં જાણીતું છે છતાં રામસર સાઈટનો દરજ્જો મળવાથી તેને વિશ્વિક ઓળખ મળી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારત કન્વેન્શન ઓન વેટલેન્ડ્સની એક કોન્ટ્રાક્ટિંગ પાર્ટી છે, જેને રામસર કન્વેન્શનના નામથી ઓળખવામાં આવે છે, જેના પર 1971માં ઈરાનના રામસરમાં હસ્તાક્ષર કરાવામાં આવ્યા હતા. ભારત 1 ફેબ્રુઆરી, 1982ના રોજ આ 2 કન્વેન્શનનું સિગ્નેટરી બન્યું .હતું. પાંચ રામસર સાઇટ, ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો ૨૧ ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે.

નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ : ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર (૨૨,૭૦૦ હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ ૨૦૦૮ માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.

છારી-ઢંઢ ખાતે પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા કોમન ક્રેન (કુંજ),મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે.

આ પક્ષી અભ્યારણમાં લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો  (હંજ) તેમજ  સારસ પણ‌ અહીં જોવા મળે છે. આ ઉપરાંત, અહીં લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક-નેક્ડ સ્ટોર્ક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ આ વિસ્તાર ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (કેરેકલ), રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્વનું આશ્રયસ્થાન છે.

પર્યટન અને સંરક્ષણ ક્ષેત્રે હકારાત્મક અસર પણ એનર્જી પ્રોજેક્ટનું શું ? : સરકારી દાવા મુજબ, રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારીઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે,જેનાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે. સાથે જ,આ વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળવાનો માર્ગ પણ મોકળો થયો છે. પરંતુ હકીકત એ પણ છે કે, છારીઢંઢ અભ્યારણની બિલકુલ બાજુમાં જ કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયના નેજા હેઠળ કામ કરતા નિગમ NTPCનો 4750 MW રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે (NTPC Renewable Energy Limited gets the go-ahead from MNRE to build the 4750 MW renewable energy park at Khavada in Gujarat) દેશ વિદેશના દુર્લભ પક્ષીઓ પ્રાકૃતિક, શાંત વાતાવરણને લીધે અહીં આવતા હોય છે. તેમને વિહરવા અને ઉડવામાં બાધા આવે તેવી જગ્યાએ તે જવાનું ટાળતા હોય છે. આવી સ્થિતિમાં જો છારીઢંઢ અભ્યારણની બાજુમાં જ મસમોટો રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ અસ્તિત્વ ધરાવશે તો ભવિષ્યમાં આ પક્ષી અભ્યારણના અસ્તિત્વને ખતરો ઉભો થઇ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, આ સ્થિતમાં સરકારના બે મંત્રાલય, વન અને પર્યાવરણ તેમજ એનર્જી મિનિસ્ટ્રી કેવી રીતે બેલેન્સ કરે છે.