Kutch : કચ્છના ઉદ્યોગોને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે એવૉર્ડ આપવાનો વાયદો કરીને કોણ મૂર્ખ બનાવી ગયું ?
જે દિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ આપવાનો દાવો થયેલો તે જ દિવસે સાંજે મુખ્યમંત્રી પટેલ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમમાં તો જોવા મળ્યા હતા
(Photo Credit : CMO, Gujarat)
WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાન કાર્યાલય (PMO)માં કે મુખ્યપ્રધાન (CMO)માં ફરજ બજાવતા હોવાનું કહીને લોકોને છેતરવાની ઘટનાઓ બહાર આવી ચુકી છે ત્યારે હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છના ઉદ્યોગપતિઓને એવોર્ડ આપવાને બહાને તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. ચોથી માર્ચના રોજ સોમવારે સાંજે સાડા ચાર વાગે અમદાવાદ ખાતે સીએમ પટેલ અને મંત્રીઓ ઉપરાંત જાણીતા લોકોની હાજરીમાં કચ્છના ઉદ્યોગપતિઓને એવોર્ડ આપવાનો કાર્યક્રમ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન જિલ્લા કક્ષાના એક અખબાર ઉપરાંત લાઈઝનિંગના નામે સરકાર અને કચ્છના ઉદ્યોગો વચ્ચે 'સેટિંગ' કરતા એક સંગઠને કર્યું હતું. પરંતુ અંતિમ ઘડીએ સીએમ પટેલ નથી આવતા એટલે એવોર્ડ ફંક્શન મોકૂફ રાખવામાં આવ્યું છે તે મુજબનો વ્યક્તિગત કોલ કરીને એવોર્ડ સેરેમનીમાં સામેલ થવા આવેલા કચ્છના ઉદ્યોગપતિઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે જ દિવસે એક કલાક પછી અમદવાદમાં જ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ જોવા મળ્યા હતા. જેને પગલે કચ્છના ઉદ્યોગોને પોતાને છેતરવામાં આવ્યા હોય તેવી લાગણી થઇ હતી.
સૂત્રોનું માનીએ તો, 60 હજારથી એક લાખ રૂપિયા લઈને કચ્છના ઉદ્યોગપતિઓને એવોર્ડ આપવામાં અંગેનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સહીત કચ્છના સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત ઓમાન દેશના વાણિજ્ય મંત્રાલયના એડવાઈઝર પંકજ ખીમજી હાજર રહીને કચ્છના ઉદ્યોગપતિઓને એવોર્ડ આપવામાં આવશે તેવી મોટે પાયે જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેને પગલે લંડનથી માંડીને દેશના અન્ય ભાગોથી આવેલા લોકો અમદાવાદ એવોર્ડ ફંકશનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં ગયા પછી તેમને કહેવામાં આવ્યું કે, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ નથી આવી રહ્યા એટલે એવોર્ડ સેરેમની હાલ પૂરતી મુકુફ રાખવામાં આવી છે. કચ્છના હામી હોવાનો દાવો કરતા લોકોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એટલે પહેલા તો એવોર્ડ માટે જેમના નામ પસંદ કરવામાં આવ્યા હતા તે ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારના લોકો પણ માની ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી કે, જે દિવસે અને સમયે તેમને સીએમના હસ્તે એવોર્ડ આપવાની વાત કરવામાં આવી હતી તે જ દિવસે અમદાવાદમાં મુખ્યપ્રધાન પટેલ એક અંગ્રેજી અખબારના ફંક્શનમાં તો આવ્યા હતા !. સીએમ પટેલ અમદાવાદમાં જ હોય અને અગાઉથી તેમની મંજૂરી સાથે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય તો એવું તો શું થયું કે, રાજ્યના સૌથી મોટા જિલ્લાના ઉદ્યોગોને એવોર્ડ આપવા માટે તેઓ આવ્યા નહીં ?
એવોર્ડ ફંક્શનના ન્યૂઝ અને ફોટા જોવા ન મળ્યા ત્યારે કચ્છના લોકોને શંકા ગઈ : કચ્છમાં PM નરેન્દ્ર મોદીથી લઈને મુખ્યપ્રધાન કે મંત્રીઓ અથવા તો કોઈપણ વીવીઆઈપી આવે ત્યારે તેમની સાથે ફોટા પડાવીને પોતાનું મહિમામંડન કરતા લોકોએ જયારે સીએમના હસ્તે આયોજિત એવોર્ડ ફંકશનના ન્યૂઝ કે ફોટા અંગે ભેદી ચૂપકેદી સેવી લીધી ત્યારે જ કચ્છમાં ખબર પડી ગઈ હતી કે, નક્કી કઈંક ગરબડ થઇ છે. સૂત્રોનું માનીએ તો, સીએમના હસ્તે એવોર્ડ આપીને તેની જે રીતે પબ્લિસિટી કરવામાં આવી રહી છે તેને લઈને દિલ્હીથી ગાંધીનગર સુધી ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. અને એટલે જ કદાચ કચ્છના ઉદ્યોગપતિઓને એવોર્ડ આપવાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ જોવા મળ્યા ન હતા.
ગાંધીધામના કાર્યક્રમમાં પણ સીએમ નહોતા આવ્યા : મંત્રીઓ નામે એવોર્ડ આપવાની વાતો કરતા આ લોકો દ્વારા મહિનાઓ અગાઉ પણ ગાંધીધામ ખાતે એવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યો હતો. અને તેમાં પણ મુખ્યપ્રધાન આવીને એવોર્ડ આપશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે પણ સીએમ પટેલ આવ્યા ન હતા અને રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે એવોડ આપી દેવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ ભુજમાં જયારે એક નેશનલ અખબારે ગુજરાતના તે વખતના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ત્યારે વચ્ચેથી મંત્રી ચુડાસમાને પોતાના 'ભવન'માં લઈ ગયા હતા. આમ એક બાજુ રાષ્ટ્રીય કક્ષાનાં અખબારના સ્ટેટ લેવલના સત્તાધીશો તેમના કાર્યક્રમમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જિલ્લા કક્ષાના અખબારે તેમનો ખેલ પાડી દીધો હતો.