સંયોગ કે પ્રયોગ ? જે રાજ્યમાંથી ભાજપની સત્તા જાય ત્યાંના સિનિયર IPSને CBIના વડા બનાવી દેવાય છે, જાણો કયાં થયા છે આવા પ્રયોગ
વિરોધ પક્ષ સત્તામાં આવે તો ભાજપને મદદ કરનારા પોલીસ અધિકારીને તકલીફ ન પડે તે માટે ભાજપ આવો કીમિયો અજમાવે છે
WND Network.New Delhi : દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં કોંગ્રેસના વિજય પછી તેનો સૌથી પહેલો લાભ કોઈને મળ્યો હોય તો તે છે ત્યાંના પોલીસ વડા એવા DGP પ્રવીણ સૂદ છે. કારણ કે, કોંગ્રેસ સત્તાનું સુકાન સંભાળે તે પહેલા જ કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપની સરકારે તેમને કેન્દ્રીય તપાસ એજન્સી - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એટલે કે CBIમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી દીધા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે.શિવકુમાર સાથે DGP પ્રવીણ સૂદનો છત્રીસનો આંકડો હોવાની વાત જગજાહેર છે. એટલે કોંગ્રેસ સત્તામાં આવીને સિનિયર IPS પ્રવીણ સૂદને કોઈ સજા કરે તે પહેલા જ તેમને બેંગ્લોરથી ખસેડીને દિલ્હી લઇ જવામાં આવ્યા છે. અને ત્યાંથી તેમનો ઉપયોગ કર્ણાટકની કોંગ્રેસ સરકાર માટે કરવામાં આવશે. જો કે, આ કાંઈ નવું નથી. ભાજપ જયાં પણ હાર્યો છે અને સત્તા ગુમાવી છે તે રાજ્યોમાંથી આ રીતે જ સિનિયર IPSને ઉઠાવીને તેમને CBIના વડા બનાવી દેવામાં આવ્યા છે.
આ એક સંયોગ છે કે પ્રયોગ તે ખબર નથી પરંતુ આ ભાજપ દ્વારા આ પ્રકારના અખતરાની શરૂઆત સૌ પ્રથમ મધ્યપ્રદેશથી કરવામાં આવી હતી. જયારે ભાજપના શિવરાજસિંહની સરકારની હાર પછી કોંગ્રેસની સત્તા આવી હતી. કમલનાથના નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સત્તા આવ્યા પછી ત્યાંના સિનિયર IPS રિષિકુમાર શુકલાને કેન્દ્રની ભાજપ સરકારે CBIના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી CBIના ડિરેક્ટર તરીકે રહયા હતા.
ત્યારબાદ જયારે મહારષ્ટ્રમાંથી ભાજપની સત્તા ગઈ ત્યારે ત્યાંના સિનિયર IPS અને તત્કાલીન DGP સુબોધ કુમાર જયશ્વાલને કેન્દ્રની મોદી સરકારે IPS રિષિકુમાર શુકલાની જગ્યાએ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. અને હવે જયારે કર્ણાટકમાંથી ભાજપની સત્તા ગઈ છે ત્યારે ત્યાંના DGP પ્રવીણ સૂદને CBIના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડિરેકટરની પેનલમાં નામ ન હતું, રિઝલ્ટ આવ્યું અને નામ ઉમેરી દેવાયું : સીબીઆઈના વડાની નિમણુંક માટેની પેનલમાં કર્ણાટકના DGP પ્રવીણ સૂદનું નામ ન હતું. પરંતુ આશ્રર્યજનક રીતે જયારે કર્ણાટકનું રિઝલ્ટ આવ્યું અને ભાજપના હાથમાંથી સત્તા જતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું કે તે દરમિયાન IPS સૂદનું નામ CBI ડિરેક્ટરની પેનલમાં ઉમેરી દેવામાં આવ્યું હતું. CBIના વડા પસંદ કરવાની કમિટીમાં રહેલા કોંગ્રેસના નેતા અધિરંજન દ્વારા વિરોધ કરવા છતાં કર્ણાટકના DGP પ્રવીણ સૂદના નામ ઉપર મહોર મારવામાં આવી હતી.
મૂળ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી એવા કર્ણાટકના DGP તરીકે પ્રવીણ સૂદ ઉપર કર્ણાટક કોંગ્રેસ દ્વારા ભાજપની તરફદારી કરવાનો અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરોને હેરાન કરવાના આક્ષેપ થઈ ચુક્યા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે.શિવકુમાર તો તેમને નાલાયક IPS અધિકારી પણ કહી ચુક્યા છે. એટલે સ્વાભાવિક છે કે, કોંગ્રેસની સત્તા દરમિયાન IPS સૂદને મોટી કિંમત ચૂકવવી પડે તેમ હતું. એટલે કેન્દ્રની ભાજપ સરકારે કોંગ્રેસ સત્તામાં આવીને કઈંક કરે તે પહેલા તેમને દિલ્હી બોલાવીને સીબીઆઈના વડા બનાવી દેવામાં આવ્યા છે. લાંબા સમય સુધી કર્ણાટક પોલીસમાં ફરજ બજાવનારા IPS પ્રવીણ સૂદ કર્ણાટક કોંગ્રેસના નેતાઓ વિષે જાણતા હોય તે સ્વાભાવિક છે. એટલે તેમની જાણકારીનો ઉપયોગ આગામી દિવસોમાં કરવામાં આવે તો નવાઈ નહીં.