ગાંધીધામના કહેવાતા 'જાગૃત' નાગરિક કમ RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ સામે 50 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ

RTI એક્ટિવિસ્ટ તરીકે અરજી કરીને બિલ્ડરની દીકરી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને રજૂઆતોની ધમકીનો તેમજ બે દિવસમાં જવાબ આપો નહીંતર હાઇકોર્ટમાં ફરિયાદ કરીને સાત વર્ષની જેલ કરાવીશનો FIRમાં આક્ષેપ

ગાંધીધામના કહેવાતા 'જાગૃત' નાગરિક કમ RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ સામે 50 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ

WND Network.Gandhidham (Kutch) : કચ્છ મોટાભાગના છાપાવાળા જેમને ગાંધીધામના 'જાગૃત' નાગરિક ઓળખાવીને છાશવારે ન્યૂઝ છાપે છે તેવા કથિત RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ ગાંધીધામના એક બિલ્ડરે 50 લાખ ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામ શહેરની કોઈપણ સમસ્યા કે વાત અંગે સરકારી કચેરીઓ અને અધિકારીઓ સામે અરજીઓ તેમજ માહિતી અધિકાર (RTI)ના કાયદા હેઠળ વિગતો  માંગીને ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓને દોડતા કરી મુકનાર રવિન્દ્ર સબરવાલ સામે પચાસ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ 'એ' ડીવીજન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. સબરવાલ સામે શહેરના એક બિલ્ડરે સાત વર્ષથી સતત હેરાન પરેશાન કરીને ધાક ધમકી આપતો હોવાની ફરિયાદ દાખલ કરી છે. 

ગાંધીધામના બિલ્ડર દ્વારા રવિન્દ્ર સબરવાલે 50 લાખ ખંડણી કેવી રીતે માંગી હતી તેની વિગતો પોલીસ ફરિયાદમાં જણાવી છે. FIRમાં થયેલી ફરિયાદ મુજબ, બિલ્ડરે વર્ષ 2011માં મેઘપર બોરીચીના સર્વે નંબર 136માં સલોની બંગ્લોઝ નામની સ્કીમનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં વર્ષ 2013માં  રશ્મિબા સોલંકીએ પ્લોટ નંબર 29-30 ખરીદયો હતો. જેની ઉપર બિલ્ડર દ્વારા મકાન બનાવી આપવામાં આવ્યું હતું. 

પાંચ વર્ષ પછી વર્ષ 2018માં રવિન્દ્ર સબરવાલ, રીતુ સબરવાલ અને રીના સબરવાલ દ્વારા જોઈન્ટ રીતે ખરીદવામાં આવ્યા હતું. મકાન ખરીદ્યા પછી રવિન્દ્ર સબરવાલ ઓક્ટોબર 2019માં બિલ્ડરની ઓફિસે જઈને કહ્યું હતું કે, સલોની બંગ્લોઝ વાળું મકાન હવે તેમણે ખરીદી લીધું છે એટલે જે તે સમયે મકાન બુકીંગ વખતે ડેવલોપર દ્વારા હોલીડે ક્લબની મેમ્બરશિપ અંગેની જે ઓફર આપવામાં આવી હતી તે મેમ્બરશિપ આપો. જેના જવાબમાં બિલ્ડરે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, મિલકત અંગે તમારી સાથે કોઈ જ વ્યવહાર થયો નથી. અરજીઓ અને રજૂઆતો કરવામાં એક્સપર્ટ રવિન્દ્ર સબરવાલે આ અંગે બિલ્ડરને નોટિસ પણ ફટકારી હતી. બિલ્ડરે  નોટિસનો પણ જવાબ આપી દીધો હતો.  

ચાર વર્ષે 2022માં રવિન્દ્ર સબરવાલ ફરીથી બિલ્ડરની ઓફિસે જાય છે. બિલ્ડરને સલોની બંગ્લોઝવાળું મકાન વેચાણ કરાવી આપો અથવા તમે જાતે ખરીદી લો તેવું કહે છે. મકાનની કિંમત 50 લાખ જેટલી હતી એટલે રવિન્દ્ર સબરવાલે દલાલને વેચવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સબરવાલ ફરીથી બિલ્ડરના મિત્ર યોગેશ ઠક્કર મારફતે સંપર્ક કરે છે. અને આ વખતે એમ કહે છે કે, મારું મકાન એક કરોડમાં ખરીદી લો અથવા તો મને 50 લાખ રૂપિયા રોકડા આપી દો. 

RTI એક્ટિવિસ્ટ તરીકે અરજી કરીને બિલ્ડરની દીકરી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને રજૂઆતોની ધમકીનો FIRમાં આક્ષેપ : એક કરોડમાં મકાન લઇ લો અથવા પચાસ લાખ રોકડા આપી દો નહીંતર પોતે RTI એક્ટિવિસ્ટ છે એટલે બિલ્ડરની દીકરી ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી (GDA)માં નોકરી કરે છે ત્યાં નામજોગ ખોટી ફરિયાદો અને રજૂઆતો કરશે તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ FIRમાં બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ આ રીતે  ટ્રેપ થયા : બિલ્ડરના મિત્ર યોગેશની ઓફિસમાં ચર્ચાઓ પછી ગાંધીધામના જાગૃત નાગરીક   અને RTI એક્ટિવિસ્ટ રવિન્દ્રભાઈ સબરવાલે બિલ્ડરની GDAમાં નોકરી કરતી દીકરી સામે અરજીઓ કરવાનું શરુ કરી દીધું હતું. 

છેવટે બિલ્ડરે કહેવાતા જાગૃત નાગરિક રવિન્દ્રની અરજીઓ કરવાની આદતથી કંટાળીને તેમના મિત્ર યોગેશને તેમની ઓફિસમાં આ અંગે ચોથી જૂન,2024માં વાત કરી હતી. તે વખતે તેમના મિત્ર યોગેશે રવિન્દ્ર સબરવાલને તેમના મોબાઈલ નંબર ઉપર કોલ કરીને સ્પીકર મોડ ઉપર રાખ્યો હતો. અને તે વખતે બિલ્ડરે તેમના મોબાઈલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરીને રવિન્દ્ર અને યોગેશ વચ્ચેની રેકોર્ડ કરી લીધી હતી, જેમાં સબરવાલે એક કરોડમાં મકાન અથવા પચાસ લાખ રોકડાવાળી વાત કરી હતી. 

બે દિવસમાં જવાબ આપો નહીંતર હાઇકોર્ટમાં ફરિયાદ કરીને સાત વર્ષની જેલ કરાવીશ : છેલ્લે જુલાઈ, 2025માં પણ જયારે બિલ્ડરને ગાંધીધામની કોર્ટમાં સબરવાલનો ભેંટો થયો ત્યારે રવિન્દ્રએ ધમકાવતા કહ્યું હતું કે, મારું મકાન એક કરોડમાં ખરીદી લો અથવા તો મને 50 લાખ રૂપિયા રોકડા આપી દો. નહીંતર હજુપણ તમારી દીકરી વિરુદ્ધ ફરિયાદો કરતો રહીશ અને તમને હેરાન કરતો રહીશ. પોતે હાર્ટ પેશન્ટ હોવાને લીધે રવિન્દ્રના બીકના માર્યા તેમણે વર્ષો સુધી જુલમ સહન કર્યો પણ છેવટે મિત્રોને વાતચીત કરતા તેમણે ગામના કહેવાતા જાગૃત નાગરીક અને કથિત RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. 

વિવાદ અને રવિન્દ્ર, સિક્કાની બે બાજુ : સાચા લોકોને આ જમાના ઘણું સહન કરવું પડતું હોય છે તે રીતે ગામની નાનામાં નાની સમસ્યા અને વાત માટે હર હંમેશ તૈયાર રહેતા રવિન્દ્ર સબરવાલના વિવાદ પણ અવાર-નવાર સામે આવતા રહ્યા છે. કંડલા પોર્ટ, ગાંધીધામ નગર પાલિકા, GDA, SRC, અંજાર પ્રાંત કચેરી, પૂર્વ કચ્છ પોલીસ વગેરે સરકારી કચેરીમાં સબરવાલ અરજીઓ અને માહિતી અધિકાર કાયદા હેઠળ અરજીઓ કરતા રહ્યા છે. છાપાવાળા તેમની અરજીઓને જાગૃત નાગરિકના પોકાર સ્વરૂપે છાપતા પણ રહે છે. 

સબરવાલને તેમની સચ્ચાઈ અંગેની આ જીદ માટે  ઘણું સહન કરવું પડ્યું છે. પોલીસે ત્યારે માંડ કાર્યવાહી કરી અને તપાસ ઢીલી કરી ત્યારે પણ તેમને ઘણી અરજીઓ કરવી પડી હતી. ભૂતકાળમાં તેમની ઉપર જાનલેવા હુમલો પણ થયો હતો. જેમાં તેમના હાથ પગ ભાંગી ગયા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી કે, તેમને હાથના ઈશારે બંદૂક જેવો દેખાવ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે તેમની આ ફરિયાદ લીધી પણ હતી.