West Kutch Police Tragdi SMC Raid : સામાન્ય બાઈક ચોરીનો ઢંઢેરો પીટતી ભુજ LCBએ ત્રગડી SMC રેડના આરોપીને પકડી રિમાન્ડ પણ લઈ લીધા, કોઈને ખબર ન પડવા દીધી !

ત્રગડીમાં રેડ ના દસ દિવસમાં જ યુવરાજનો ધંધો ચાલુ થઈ જતા ઉપરથી ઠપકો આવેલો, માનકૂવામાં SMCની રેડ બાદ પોલીસ સ્ટેશનો ચાર્જ બોર્ડર રેન્જ સાયબર સેલના PSI ગોહિલને સોંપાયો

West Kutch Police Tragdi SMC Raid : સામાન્ય બાઈક ચોરીનો ઢંઢેરો પીટતી ભુજ LCBએ ત્રગડી SMC રેડના આરોપીને પકડી રિમાન્ડ પણ લઈ લીધા, કોઈને ખબર  ન પડવા દીધી !

WND Network.Bhuj (Kutch) : સામાન્ય બાઈક ચોરીની પ્રેસ નોટ ઈશ્યુ કરીને પોતાની કામગીરીનો ઢંઢેરો પીટતી પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંડવી ત્રગડીની SMCની રેડના 13 આરોપી પૈકીના એક ને ઝડપીને પાંચ દિવસના રિમાન્ડ પણ લઇ લીધા પરંતુ કોઈને કાનોકાન ખબર પાડવા દીધી નથી. એક મહિના પહેલા DGPના સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે SMCએ પશ્ચિમ કચ્છ પોલીસના માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રગડી ખાતેથી અંગેર્જી શરાબ પકડીને 83 લાખનો ક્વોલિટી કેસ કર્યો હતો. જેમાં મુખ્ય આરોપી કહી શકાય તેવો બુટલેગર યુવરાજ હજુ ઝડપાયો નથી. ત્રગડીની SMCની રેડ બાદ પણ પશ્ચિમ કચ્છ પોલીસ વિસ્તારમાં DGPના સેલ દ્વારા કાર્યવાહીને પગલે પશ્ચિમ કચ્છ પોલીસની પ્રામાણિકતા સામે સવાલો થઇ રહ્યા હતા તેવામાં ત્રગડીના શરાબ કેસના આરોપીની ધરપકડ બાદ ગુપચુપ રીતે કોર્ટ કાર્યવાહી - રિમાન્ડ મેળવી લેવાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસની LCBની સિલેક્ટેડ કાર્યવાહી સામે શંકા વધુ મજબૂત બનતી જાય છે.   

સામાન્ય રીતે બાઈક ચોરી કે પછી બે-ચાર દારૂની પેટીનો કેસ શોધી પ્રેસનોટ જાહેર કરી વાહ વાહી મેળવતી પશ્ચિમ કચ્છ જિલ્લાની એલસીબીએ ત્રગડીના સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના આરોપીની અટકાયત કરી અને પાંચ દિવસના રિમાન્ડ સુધીની કાર્યવાહી કરી હોવા છતાંય તેની પ્રેસ નોટ કે આરોપીના ફોટા જાહેર ન કરવાની વાત ચર્ચાનો વિષય બની છે. 

એક મહિના પહેલા પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના માંડવી તાલુકાના ત્રગડી ગામે લીસ્ટેડ બુટલેગરને ત્યાં દરોડો પાડી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૮૩.૭૮ લાખનો કેસ કર્યો હતો. જેમાં લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ સહિત 13 જણા સામે માંડવી મરીન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસની તપાસ પશ્ચિમ કચ્છ એલસીબીને સોંપવામાં આવી હતી. જેમાં થોડા દિવસ પહેલા જ  આ કેસના આરોપી એવા બુટલેગર યુવરાજસિંહના  કૌટુંબિક ભાઈ રોહિત કેસુભા જાડેજાની એલસીબીએ અટકાયત કરી હતી. ત્યારબાદ તેને માંડવી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેના રિમાન્ડ આવતીકાલે સોમવારે પુરા થઈ જશે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં LCBએ ધરપકડની વાતને બહાર આવવા દીધી ન હતી. નાની અમથી ક્રાઇમની ઘટના કે બાઇક ચોરીનું ડિટેક્શન  હોય ત્યારે એલસીબી અને પશ્ચિમ કચ્છ પોલીસ આરોપીના ફોટા અને પ્રેસનોટ ઈશ્યુ કરીને તેની જાહેરાત કરે છે. છાપાવાળા પણ પ્રેસનોટને સારી રીતે પબ્લિશ કરતા હોય છે. પરંતુ એસએમસીના સવા કરોડ રૂપિયાના દરોડામાં એલસીબીએ આરોપીની અટકાયત કરી અને રિમાન્ડ મેળવ્યા સુધીની કાર્યવાહીની કાનોકાન કોઈને ખબર પડવા દીધી ન હતી. 

ભુજ LCBએ આરોપી પકડવાની જાહેરાતને મુદ્દે આવો ખુલાસો કર્યો : ત્રગડી SMC રેડના 13 આરોપી પૈકીના એક આરોપીને પકડ્યા બાદ તેની જાહેરાત ન કરવાને મુદ્દે ભુજ LCB દ્વારા વેબ ન્યૂઝ દુનિયાને ખુલાસો કર્યો હતો. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ જેઠીએ કહ્યું કે, તાપસ હાલમાં ચાલુ છે. 13માંથી એક જ આરોપી હાથમાં આવ્યો છે. બીજાને હજુ પકડવાના બાકી છે. વળી તપાસ ચાલુ છે તેવામાં જાહેરાત કરવામાં આવે તો તેને અસર થાય તેમ છે એટલે અમે પ્રેસનોટ કે જાહેરાત કરી નથી. 

માનકૂવામાં SMCની રેડ બાદ પોલીસ સ્ટેશનો ચાર્જ બોર્ડર રેન્જ સાયબર સેલના PSI ગોહિલને સોંપાયો : DGPના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કેરા ગામે શરાબનો દરોડો પાડયા બાદ માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. એમ. રાણા અને સબ ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટને લીવ રિઝર્વમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાબડતોડ માનકૂવાનો ચાર્જ ભુજના 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ માં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર પી. પી. ગોહિલને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પરત લઈ અને તેમને એ જ દિવસે માનકુવા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો હતો. 

ત્રગડીમાં રેડ ના દસ દિવસમાં જ યુવરાજનો ધંધો ચાલુ થઈ જતા ઉપરથી ઠપકો આવેલો : સૂત્રોના જણાવ્યા મુજબ, કેરામાં વિજિલન્સનો દરોડા બાદ ભુજના અધિકારીને ગાંધીનગરમાં પોલીસ ભવનમાં હાજર થવાનું ફરમાન થયું હતું. જેમાં વાત એવી હતી કે, કેરાની રેડની કાર્યવાહી તેમજ ત્રગડીમાં રેડ ના દસ દિવસમાં જ યુવરાજનો ધંધો ચાલુ થઈ જવાની બાતમીથી નિવૃત્તિને આરે આવેલા સિનિયર IPS ભડકી ઉઠ્યા હતા. તેમણે ભુજના ઓફિસરને ગાંધીનગર બોલાવીને સારી ભાષામાં ઠપકો આપ્યો હોવાનું ખુદ પોલીસના સૂત્રો દાવો કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો પોલીસના કથિત વહીવટદારોએ ત્રગડીના બુટલેગર યુવરાજ પાસેથી 35થી 40 લાખનો માસિક હપ્તો લઈ લીધો હતો અને SMCની રેડ પડી હતી. બે નંબરના ધંધામાં પણ ઈમાનદારી હોય છે તેવી હોંશિયારી ઠોકીને ત્રગડીમાં SMCની રેડ બાદ ફરીથી ધંધો સ્ટાર્ટ કરવાની ઝંડી આપવામાં આવી હતી. અને આ વાત પણ ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી.