Kutch : હાઈ સિક્યોરિટી વચ્ચે લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજુ કરાયો, JMFC કોર્ટે 38 કિલો હેરોઇનના કેસમાં 14 દિવસના રિમાન્ડ હેઠળ ધકેલી દીધો...
લોરેન્સને કોર્ટમાં રજુ કરતા પહેલા નલિયા કોર્ટ સંકુલને સીલ કરી દેવાયું, મીડિયાને પણ અદાલતમાં આવવા ઉપર પ્રવેશબંધી
WND Network.Naliya (Kutch) : કચ્છમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ સંદર્ભે મંગળવારે કચ્છની નલિયા કોર્ટમાં(Kutch Naliya Court) ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi) રજુ કરવામાં આવ્યો હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બિશ્નોઈને જયારે નલિયા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે નલિયા ન્યાય સંકુલને પોલીસે સીલ કરી દીધું હતો. સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને મીડિયા કવરેજ માટે આવેલા પત્રકારોને પણ કોર્ટ સંકુલમાં જવા દેવામાં આવ્યા ન હતા. નલિયાની ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જજ એ.એમ.શુકલા સમક્ષ બિશ્નોઈને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. સવારથી નલિયા કોર્ટમાં લાવેલા લોરેન્સને સાંજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુક્લએ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને કચ્છમાંથી ઝડપાયેલા કરોડો ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા સહીત NDPS એક્ટ મુજબ તથા અન્ય ગંભીર ગુન્હાઓને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈની ગેંગ કુખ્યાત છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત એટીએસ બિશ્નોઈના રિમાન્ડ દરમિયાન પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવેલું રૂપિયા 200 કરોડનું 38 કિલોના કન્સાઇન્મેન્ટ કોણ, કેવી રીતે મોકલે છે તે જાણવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત કચ્છ-ગુજરાતમાં હજુ પણ બિશ્નોઈના ગેંગના લોકો સક્રિય છે તે માહિતી મેળવવા માટે પણ લોરેન્સના રિમાન્ડ જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં (Delhi’s Patiala House Court) તેને ટ્રાન્ઝિટ વોરંટથી ગુજરાત લઇ જવા માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખવાને પગલે ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સની એક ખાસ ટુકડી અમદાવાદ ખાતે લઇ આવવા આવ્યો હતો. ત્યારબાદ તેને ભારે બંદોબસ્ત વચ્ચે કચ્છ લેવામાં આવ્યો હતો. બિશ્નોઈને કચ્છ લાવતી વેળાએ પણ પોલીસે ભારે ગુપ્તતા સેવીને તેને મીડિયાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.