Who Cares ? જે ફંડથી ભારત સરકારને કોઈ લેવા દેવા નથી તેવા PM Care Fund ને સરકારી કંપનીઓએ 2913 કરોડનું 'દાન' આપ્યું
ટોચની પાંચ દાતા કંપનીમાં ONGC, NTPC, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન સામેલ
WND Network.New Delhi : જે ફંડ ઉપર કેન્દ્ર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી, તેવા ફંડમાં કેન્દ્ર સરકારની કંપનીઓએ હજારો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. PM Care Fund વિષે કેન્દ્રની મોદી સરકાર દિલ્હી હાઇકોર્ટમાં એવું કબૂલાત કરી ચુકી છે કે, આ ફંડ (PM Care Fund) તેમના નિયંત્રણ હેઠળ નથી. એક અહેવાલ અનુસાર, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંચાલિત લિસ્ટેડ કંપનીઓએ વર્ષ 2019-20 અને 2021-22 વચ્ચે પીએમ કેર્સ ફંડમાં ઓછામાં ઓછા રૂ. 2,913.6 કરોડનું યોગદાન આપ્યું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓ માટેના ટ્રેકર, Primeinfobase.Com દ્વારા સંકલિત ડેટાનું વિશ્લેષણ કર્યા પછી બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારે તેના એક રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો કર્યો છે.
અખબારે એવો પણ દાવો કર્યો છે કે, સરકારી કંપનીઓ દ્વારા કરવામાં આવેલું યોગદાન અન્ય 247 કંપનીઓ દ્વારા PM Care Fundમાં આપવામાં આવેલા કુલ દાન કરતાં વધુ છે, જે કુલ 4910.5 કરોડના દાનના 59.3 ટકા છે.
PM Care Fundના ટોપ પાંચ દાતાઓમાં કેન્દ્ર સરકાર હસ્તકની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (રૂ. 370 કરોડ), એનટીપીસી (રૂ. 330 કરોડ), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (રૂ. 275 કરોડ), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (રૂ. 265 કરોડ) અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (રૂ. 222.4 કરોડ) નો સમાવેશ થાય છે.
માત્ર એટલું જ નહીં રિપોર્ટમાં એવી 57 કંપનીઓની પણ ઓળખ કરવામાં આવી છે જેમાં સરકારનો મહત્વનો હિસ્સો છે. આમ પીએમ કેર ફંડમાં દાન આપનારી કંપનીઓમાં મોટાભાગની સરકારી કંપનીઓ છે.
સ્થાપના થઈ ત્યારથી જ પીએમ કેર્સ ફંડ વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે :- તપાસથી બચવું અને ચીની કંપનીઓ સહિત વિદેશી સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવાના મુદાઓને લઈને માર્ચ 2020માં સ્થાપના થઈ ત્યારથી જ પીએમ કેર ફંડ વિવાદોમાં સપડાયેલું રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023માં દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા એક સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, આ ફંડ ભારત સરકાર દ્વારા નિયંત્રિત નથી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રસ્ટને કોઈ સરકારી નાણાં મળતા નથી. આવી સ્થિતમાં પીએમ કેર ફંડને સરકારી કંપનીઓ દ્વારા આપવામાં હજારો કરોડોના દાનથી મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. પીએમ કેર્સ ફંડની રચના, તેનું માળખું અને પારદર્શિતાના અભાવને કારણે પણ આ ફંડ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. હંમેશની જેમ મેન સ્ટ્રીમ મીડિયા મામલા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. પરંતુ સોસીયલ મીડિયામાં અને સ્વતંત્ર પત્રકારત્વ કરી રહેલા લોકો આ મુદ્દે સરકારને સવાલો કરી રહ્યા છે.
જે ફંડ જવાબ કે માહિતી આપવા બંધાયેલું નથી તેને સરકારી કંપનીઓ શા માટે ફંડ આપતી હશે ? : આ વર્ષે જાન્યુઆરીમાં, વડાપ્રધાન કાર્યાલય (PMO) એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, PM-CARES ફંડ ભારતના બંધારણની કલમ 12 હેઠળ 'જાહેર સત્તા' નથી અને તેથી, માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ, તે તેની કામગીરી જાહેર ન કરી શકે. અને જવાબ આપવા માટે પણ બંધાયેલું નથી.