UP Yogi Govt : કેજરીવાલની યોગી અંગેની આગાહી સાચી પડશે ? યુપીમાં યોગીને બદલીને મૌર્યને બેસાડવાનું મોદી-શાહનું પ્લાનિંગ હાલ પૂરતું નિષ્ફળ
ભાજપની હારનાં કારણોની સમીક્ષા બેઠકમાં યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર માની કહ્યું કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો
WND Network.Lucknow : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જયારે લોકસભાની ચૂંટણી દરમિયાન જામીન ઉપર બહાર આવીને એમ કહ્યું હતું કે, યુપીમાં યોગીને હટાવવા આવશે ત્યારે લોકોએ તેમની વાતને પ્રચારનો પ્રોપેગેંડા કહીને વાતને હળવાશથી લીધી હતી. પરંતુ ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપની ભૂંડી હારને પગલે યોગી સરકાર ઉપર આફતના વાદળો ઘેરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ ગયાના અહેવાલ છે. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે.
સૂત્રોનું માનીએ તો, આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ કરવા સવર્ણ સમુદાયમાંથી આવતા યોગીને બદલીને ઓબીસી કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવા આતુર છે પણ યોગીના આક્રમક તેવરે હાઈકમાન્ડની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. મૌર્યને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. સપ્તાહમાં એક વખત તો મૌર્ય અમિત શાહને અચૂક મળે છે.
કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપર ના હોઈ શકે. મૌર્યે એવો કટાક્ષ પણ કર્યો કે, કાર્યકરોનું જે દર્દ છે એ મારું પણ દર્દ છે. આડકતરી રીતે સરકારના દ્વાર ભાજપના કાર્યકરો માટે ખુલ્લાં નથી એવો આક્ષેપ કરીને કહ્યું કે, ભાજપના કાર્યાલયનાં દ્વાર કાર્યકરો માટે હંમેશાં ખુલ્લાં છે. UPમાં પોલીસ કે સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરોને ગણકારતા જ નથી તેથી કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા તેને ભાજપની હારનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
UPના CM યોગીએ મૌર્યની વાતનો જવાબ આપતાં કહ્યું કે, યુપીમાં પોતે જે રીતે સરકાર ચલાવે છે એ રીતે જ સરકાર ચલાવશે અને કોઈના કહેવાથી જરાય ફરક નહીં પડે. યુપીમાં ભાજપ અતિ આત્મવિશ્વાસમાં હાર્યો છે એવું કારણ રજૂ કરીને યોગીએ હારની જવાબદારી સંગઠન પર નાંખી દીધી. યોગીએ કહ્યું કે, ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં માત્ર ગુડ મોર્નિંગના મેસેજ મોકલી શકે છે પણ વિપક્ષો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી દેશે કે અનામત નાબૂદ કરી દેશે એવો પ્રચાર કરતા હતા તેનો જવાબ કેમ ના આપી શક્યા ?
મોદી સામે યોગીનું સીધું નિશાન, મજબૂત નેતાગીરી છતાં દેશ સંકટમાં : સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે, યોગીએ કારોબારીની બેઠકમાં એમ પણ કહ્યું હતું કે, દેશ સંકટમાં છે. મોદી વડાપ્રધાનપદે હોવા છતાં દેશ સંકટમાં હોવાની યોગીની આ ટીકાને મોદી સામેના સીધા આક્રમણ તરીકે જોવાઈ રહી છે. યોગીએ આક્રમક તેવરમાં એમ પણ કહ્યું કે, કોઈએ બેકફૂટ પર જવાની જરૂર નથી. યોગીએ આડકતરી રીતે પોતાના સમર્થકોને આ મેસેજ આપ્યો હોવાનું મનાય છે. યોગીના આક્રમક તેવર પછી અમિત શાહે યોગીને ફોન કરીને તેમનો જવાબ માગ્યો હોવાની પણ ચર્ચા છે.