કાનપુરના બેકનગંજમાં થયેલી હિંસા સંબંધિત એક નવા CCTV ફૂટેજ સામે આવ્યા...
ફૂટેજમાં લોકો પથ્થરમારો કરતા જોવા મળે છે
WND Network.Kanpur(UP) : કાનપુરના બેકનગંજમાં થયેલી હિંસા સંબંધિત એક નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. 5 મિનિટ 39 સેકન્ડના આ ફૂટેજમાં લોકો પથ્થરમારો કરતા જોવા મળે છે. પોલીસ આ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ કમિશનર વિજય મીણાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસે ટોળાને દુર કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ટોળું પીછેહઠ કરવાને બદલે આગળ વધવા લાગ્યું. જે જગ્યા પર ટીયર ગેસના સેલ પડી રહ્યા હતા તેનાથી 5 મીટર દૂર તોફાનીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા.
કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ જણાવ્યું હતું કે તોફાનીઓ વિરુદ્ધ ધાર્મિક વાતાવરણને ડહોળવા, હિંસા ફેલાવવા, જીવલેણ હુમલો કરવો, હિંસા કરવી જેવી કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. તોફાનીઓની ઓળખ માટે વાઇરલ વીડિયો અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
3જી જૂનના રોજ સવારથી જ બેકોનગંજમાં શાંતિ હતી. આ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો મુસ્લિમ સમુદાયની હતી, જે બંધ રાખવામાં આવી હતી, પરંતુ કેટલાક હિંદુ દુકાનદારોએ યતીમખાના પાસેના બજારમાં દુકાનો ખોલી હતી. બપોરે 1:45 કલાકે યતીમખાના પાસેની મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. બપોરે 2.30 વાગ્યાની આસપાસ નમાજ પછી લોકો બહાર આવ્યા અને બજારમાં ખુલ્લી દુકાનો બળજબરીથી બંધ કરાવવા લાગ્યા હતા. હિંદુ દુકાનદારોએ દુકાન બંધ કરવાની ના પાડી, બાદમાં સૌથી પહેલા લોકોની વચ્ચે રહેલા અસામાજિક તત્ત્વો પથ્થરમારો શરૂ કર્યો. એ બાદ સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગડી ગયું હતું. આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ તમંચા વડે ફાયરિંગ પણ કર્યું હતું. બપોરના 3 વાગ્યા સુધી બજારમાંથી શરૂ થયેલી આ ઘટનાએ હવે હંગામાનું સ્વરૂપ લીધું હતું. પરેડ ચાર રસ્તા પર લગભગ એક હજાર લોકો ભેગા થઈ ગયા હતા. રમખાણો શરૂ થયા પછી પરિસ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ. સાંકડી ગલીઓમાં ઘૂસીને પોલીસ કાર્યવાહી કરી શકી ન હતી.