UPSC Chairman Manoj Soni Resign : IAS પૂજાના કૌભાંડના વિવાદ વચ્ચે UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામુ, 'છોટે મોદી' તરીકે જાણીતા સોનીનું એક મહિના પહેલાનું રાજનામું હવે કેમ બહાર આવ્યું ?

માત્ર 40 વર્ષની ઉંમરે વડોદરાની MS યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર બનેલા મનોજ સોનીને મોદી સરકારે જૂન-2017થી UPSCમાં મેમ્બર તરીકે નિયુક્ત કરેલા, એપ્રિલ, 2022થી ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા

UPSC Chairman Manoj Soni Resign : IAS પૂજાના કૌભાંડના વિવાદ વચ્ચે UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામુ, 'છોટે મોદી' તરીકે જાણીતા સોનીનું એક મહિના પહેલાનું રાજનામું હવે કેમ બહાર આવ્યું ?

WND Network.New Delhi : નકલી દસ્તાવેજ બનાવીને દેશની સર્વોચ્ચ ભરતી સંસ્થા સંઘ લોક સેવા આયોગ (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન - UPSC)ની શાખ સામે સવાલ પેદા કરનારી IAS પૂજા ખેડકરની સામે પોલીસ ફરિયાદના બીજા જ દિવસે યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ રાજીનામુ આપ્યાની વાત બહાર આવી છે. પૂજાના વિવાદ સાથે સોનીના રાજીનામાનો કોઈ સીધો સંબંધ નથી પરંતુ 'છોટે મોદી' તરીકે વડોદરાની MS યુનિવર્સીટીમાં જાણીતા મનોજ સોનીનું  રાજીનામાની વાત એવા સમયે બહાર આવી છે જયારે સંઘ લોક સેવા આયોગ - UPSCની શાખ સામે સવાલ થઇ રહ્યા છે. અંગ્રેજી અખબાર હિંદુના જણાવ્યા મુજબ, સોનીએ એક એક મહિના પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. જો કે, દેશની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી સર્વોચ્ચ સંવૈધાનિક સંસ્થા UPSCના ચેરમેન તેમના પાંચ વર્ષના કાર્યકાળ પહેલા રાજીનામુ આપે અને એક મહિના સુધી કોઈને ખબર પણ ન પડે તે વાત લોકોને ગળે નથી ઉતરી રહી. 

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સરકારે મનોજ સોનીને માત્ર ચાલીસ વર્ષની યુવા વયે વડોદરાની એસ.એસ.યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કાર્ય હતા. MS યુનિવર્સીટી કેમ્પસમાં 'છોટે મોદી' તરીકે જાણીતા મનોજ સોનીમાં લોકો ભવિષ્યના શિક્ષણ મંત્રી પણ જોતા હતા. સોની બે વખત બાબા સાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં પણ વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનોજ સોની સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે અને તેમણે વર્ષ 2020માં દીક્ષા પણ લીધી હતી. હવે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના અનુપમ મિશનમાં કામ કરવા માંગે તેવી વાત ચર્ચામાં છે. 

ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી નરેન્દ્રભાઈ મોદી જેમ બધાને એક પછી એક દિલ્હી લઇ ગયા હતા તેમાં મનોજ સોનીનો પણ નંબર લાગ્યો હતો. સોનીને જૂન - 2017માં સંઘ લોક સેવા આયોગના મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે જ અણસાર આવી ગયો હતો કે, વડાપ્રધાન મોદીભાઈના ખાસ એવા મનોજભાઈ યુપીએસનીનાં ચેરમેનની પોસ્ટ સુધી પહોંચી શકે તેવા પ્રતિભાશાળી વ્યક્તિ છે. પ્રખર શિક્ષાવિદ્દ સોનીભાઈને પહેલા એપ્રિલ,2022માં ચેરમેન તરીકેનો ટેમ્પરરી ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને મે - 2023માં કાયમી કરી દેવામાં આવ્યા હતા. મતલબ કે, લાંબા સમયથી યુપીએસસીમાં ફરજ બજાવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે નિયમ મુજબ રાજીનામુ રાષ્ટ્રપતિને આપી દીધું છે. 

NEET પરીક્ષાના કૌભાંડ પછી NTA ચેરમેન પ્રદીપ જોશીના રાજીનામાં બાદ UPSC ચેરમેનનું રાજીનામુ આપવાની ઘટનાને વિપક્ષ આગામી બજેટ સત્ર દરમિયાન જોરશોરથી ઉઠાવીને કેન્દ્રની ટેકાવાળી મોદીભાઈની સરકારને મુશ્કેલીમાં મૂકી દે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. NTA ચેરમેન પ્રદીપ જોશી પણ UPSCના ચેરમેન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 

રાહુલ ગાંધીએ સોનીની નિયુક્તિ વખતે ટવીટ કરીને આવું કહ્યું હતું : મનોજ સોનીને જયારે UPSCના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૂચક કહી શકાય તેવું ટવીટ કર્યું હતું. રાહુલે ટવીટર ઉપર પોસ્ટ કરીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને યુનિયન પ્રચાર સંઘ કમિશન તરીકે સંબોધન કર્યું હતું. રાહુલે દેશની સંવૈધાનિક સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું રહ્યું હોય તેવું પણ લખ્યું હતું. 

IAS - IPS સહિતની મોટી ભરતી કરતા UPSCમાં ગુજરાતનો દબદબો : વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ સમયાંતરે UPSC સહિતની સંવૈધાનિક સંસ્થાઓમાં ગુજ્જુ લોકોનું પ્રભુત્વ વધ્યું છે, જે એક સારી બાબત છે. પરંતુ વિવાદ થાય ત્યારે શરમ પણ આવે છે. UPSCમાં મનોજ સોનીની 2017માં થયેલી એન્ટ્રી પછી GPSCના ચેરમેન રહી ચૂકેલા મનોજ દાસાને મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી બી.બી.સ્વેન પણ મેમ્બર તરીકે સંઘ લોક સેવા આયોગમાં ગયા હતા. આમ ગુજરાતમાંથી ત્રણ વ્યક્તિ દિલ્હીના ધોલપુર હાઉસમાં ફરજ બજાવી રહી હતી.