2030 Commonwealth Games Will Be Hosted By Ahmedabad : અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની જાહેરાત સાથે 15 વર્ષ પહેલાનું દિલ્હી કોમનવેલ્થ ગેમનું 70 હજાર કરોડનું રાજનેતાઓએ કરેલું કૌભાંડ યાદ આવ્યું !
WND Network. Glasgow (Scotland), New Delhi : વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમના આયોજનનું યજમાન પદ ભારતને, ગુજરાતમાં અમદાવાદને મળ્યું છે. દેશ આખો રાજીનો રેડ થઈ ગયો છે. સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક દૂરંદેશી અને ગુજરાતની ભાજપ સરકારના અફલાતૂન પ્રેઝેન્ટેશનને વખાણી રહ્યા છે. ખરેખર ખુબ જ ગૌરવની વાત છે કે, ગુજરાત, અમદાવાદમાં રમત જગતનો શિરમોર કહી શકાય તેવું ઉત્સવ અહીં યોજાશે. પરંતુ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની સાથે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કહી શકાય હજારો કરોડો રૂપિયાના કૌભાંડને કેમ ભૂલી શકાય ? રાજનેતાઓએ કેવી રીતે તેમની સત્તા હોવાને લીધે 70 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં કોમનવેલ્થ આયોજન સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા સુરેશ કલમાડી સહીત અનેક નોકરશાહ, કંપનીઓ, સરકારી નિગમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સત્તાપક્ષમાં રહેલા રાજનેતાઓ દ્વારા કરવામાં આવેલા હજારો કરોડો રૂપિયાના કૌભાંડને જોતા અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ ગેમને પણ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે સત્તામાં કોંગ્રેસ નહીં પણ પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કારી રાજકીય પાર્ટી ભાજપ છે. એટલે આવા કોઈ કૌભાંડની સંભાવના બિલકુલ નથી !
અમદાવાદને વર્ષ 2030માં મનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત 74 કોમનવેલ્થ સભ્યોની બેઠકમાં જાહેરાત કરી દેવામાં આવી છે. મીડિયામાં અત્યારથી જ અમદાવાદને કોમનવેલ્થ ગેમની મળેલી યજમાનીને લઈને ન્યૂઝનો રાફડો ફાટી નીકળ્યો છે. આવતીકાલના અખબારોમાં પણ કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાશે તો અહીં લોકોનું જીવન ધોરણ ધરમુળથી બદલાઈ જશે તેવા ન્યૂઝ રિપોર્ટ જોવા મળશે. અમદાવાદમાં વર્ષ કોમનવેલ્થ ગેમ યોજાવાની જાહેરાત સાથે જ 15 વર્ષ પહેલા જયારે નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ખુદ આયોજન સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીએ કેવી રીતે 70 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું તેની યાદો તાજી થઇ ગઈ છે.
અમદાવાદની જેમ દિલ્હીમાં પણ જયારે કોમનવેલ્થ ગેમની જાહેરાત થઇ ત્યારે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી. હાલ જેમ કેન્દ્ર અને ગુજરાતની સરકારના લોકો એક્ટિવ હતા તેમ તે વખતે પણ કઈંક આવું જ હતું. વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો નિર્ણય વર્ષ ૨૦૦૩માં લેવામાં આવ્યો હતો, ત્યારે કેન્દ્રમાં એનડીએ સરકાર હતી અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી.
ભારતમાં અગાઉ દિલ્હીમાં વર્ષ ૧૯૫૧ અને ૧૯૮૨માં એશિયન ગેમ્સનું આયોજન થયું હતું, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હતી. જેનું મુખ્ય સ્થળ નવી દિલ્હીનું જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હતું, જ્યાં ઉદ્ઘાટન અને સમાપન સમારોહ યોજાયો હતો.
હાલની જેમ તે વખતે પણ તૈયારીની મુખ્ય જવાબદારી કેન્દ્ર સારેકારના રમતગમત મંત્રાલય હેઠળ હતી. CWGનું સફળતાપૂર્વક આયોજન કરવા માટેકેન્દ્રના રમતગમત મંત્રાલયે કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીના વડા તરીકે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ (CWG OC) ની રચના કરી હતી. કલમાડીના નેતૃત્વ હેઠળ જ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ત્યાગરાજ સ્ટેડિયમ, નેશનલ સ્ટેડિયમ અને અન્ય રમતગમત સંકુલોમાં સુંદરતાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. બધી સુવિધાઓ વર્લ્ડ કલાસ લેવલની બનાવવામાં આવી હતી. ખેલાડીઓને રહેવા માટે પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ નજીક એક નવું સ્પોર્ટ્સ વિલેજ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. અને અહીંથી જ અહીંથી જ કૌભાંડની શરૂઆત થઇ હતી. જેમાં આયોજન સમિતિ ઉપર તેમની માનીતી કંપનીઓ અને લોકોને કોન્ટ્રાક્ટ આપવાના આરોપથી થઈ હતી.
દિલ્હીમાં ચાર સ્ટેડિયમ માટે એક હજાર કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ખર્ચો થયો 2400 કરોડ રૂપિયાનો. તમામ ચીજ વસ્તુઓ અને સેવા માટે જે રકમ મંજુર કરવામાં આવી હતી તે વાસ્તવિક રકમ લગભગ ડબલ હતી. CVCએ પણ તે વખતે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, આયોજકોએ બોગસ કંપનીઓને કરોડો રૂપિયા આપ્યા હતા જે ખરેખર અસ્તિત્વમાં જ ન હતી. મતલબ કે તે લોકો હજારો કરોડો રૂપિયા હજમ કરી ગયા હતા.
૧૩ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની પુર્ણાહુતી થઇ હતી અને બધા દેશો તેના આયોજનથી ખુશ હતા, પરંતુ તે સમયે ભાજપ વિરોધ પક્ષમાં હતો અને ભ્રષ્ટાચાર તેમજ જનલોકપાલની માંગને લઈને સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ દિલ્હીમાં આંદોલન શરૂ કરવાની તૈયારીઓ કરી હતી. જેમાં તેઓ સફળ પણ થયા હતા અને દેશમાંથી કોંગ્રેસની સત્તા ગઈ હતી. અને છેવટે કોમનવેલ્થ ગેમ્સથી દેશને ₹70,000 કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું અને આ સંદર્ભમાં CBIને મળેલી ફરિયાદને આધારે 25 એપ્રિલ, 2011 ના રોજ આયોજન સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સુરેશ કલમાડીની ધરપકડ કરવામાં આવી.
સુરેશ કલમાડી પર મની લોન્ડરિંગના આરોપની સાથે સાથે મુખ્ય આરોપ એ હતો કે, તેમણે વાસ્તવિક કિંમત કરતાં 100 ગણાથી વધુ ભાવે માલ ખરીદ્યો હતો. કલમાડી સામે દાખલ કરાયેલી ફરિયાદ અને ચાર્જશીટમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ CWG કમિટીના ચેરમેન સુરેશ કલમાડીને નવ મહિના માટે તિહાર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. જોકે, પછી તેમને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા હતા. સીબીઆઈએ વર્ષ 2014 માં આ મામલે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, અને 11 વર્ષ પછી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં EDનો ક્લોઝર રિપોર્ટ, જેમાં મની લોન્ડરિંગના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે, તેને કોર્ટે સ્વીકારી કરી લીધો હતો.
પંદર વર્ષ પહેલા કોમનવેલ્થ ગેમના આયોજનને લઈને ભારતને દુનિયા સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું. એટલે આશા રાખીએ કે, ગુજરાતના અમદાવાદમાં યોજાનારા રમતોત્સવમાં આવું કાંઈ ન થાય. બાકી પોઝિટિવ ન્યૂઝ સ્ટોરી માટે આવતીકાલથી માનસિક તૈયારી કરી લેજો.
Web News Duniya