Haryana Vidhan Sabha : હરિયાણાની વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપી સરકાર માત્ર 50 શબ્દમાં જ જવાબ આપશે, વિપક્ષનો આરોપ સરકાર તેની જવાબદારીઓથી ભાગી રહી છે !

હરિયાણાની ખટ્ટર સરકારનો દાવો, પ્રશ્નકાળના તમામ પ્રશ્નને સમાવી લેવાય એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો છે

Haryana Vidhan Sabha : હરિયાણાની વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપી સરકાર માત્ર 50 શબ્દમાં જ જવાબ આપશે, વિપક્ષનો આરોપ સરકાર તેની જવાબદારીઓથી ભાગી રહી છે !

WND Network.Chandigarh : છેલ્લા કેટલાય સમયથી લોકસભા અને જયાં ભાજપની સરકારો છે ત્યાં વિધાનસભામાં પ્રશ્નો પૂછવાને લઈને સત્તા પક્ષ ભાજપ દ્વારા યેનકેન પ્રકારે વિપક્ષને દબાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. તેવામાં હરિયાણાની ભાજપની સરકારે પ્રશ્નકાળને લઈને એક વિવાદાસ્પદ નિયમ બનાવ્યો છે. હરિયાણાની મનોહર ખટ્ટરની સરકારે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા જવાબને માત્ર 50 શબ્દમાં જ જવાબ આપવાની સૂચના આપવામાં આવી છે. જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધી પાર્ટીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર ટૂંકાણમાં જવાબ આપીને તેની જવાબદારીઓથી ભાગી રહી છે. 

હરિયાણાના મુખ્ય સચિવ સંજીવ કૌશલે રાજ્ય સરકારના તમામ વિભાગોના સચિવોને વિધાનસભામાં તેમના મંત્રીઓ દ્વારા આપવામાં આવતા જવાબો તૈયાર કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરી છે, જેમાં અન્ય બાબતોની સાથે પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા લેખિત જવાબોને 50 શબ્દો સુધી મર્યાદિત રાખવાનો નિયમ પણ ઉમેરવામાં આવેલો છે. આ આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જો જવાબ 50 શબ્દોથી વધુનો હોય તો તે 'ગૃહના ટેબલ પર મુકવામાં આવેલા નિવેદનના રૂપમાં' આપવો જોઈએ.

વિપક્ષના ધારાસભ્યોએ ખટ્ટર સરકારના આ પગલાને અયોગ્ય ગણાવ્યું છે અને તેને સરકાર દ્વારા લોકો પ્રત્યેની જવાબદારીથી ભાગવાનો પ્રયાસ ગણાવ્યો છે. રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના મુખ્ય દંડક ભરત ભૂષણ બત્રાએ કહ્યું કે, આ પ્રકારનો નિયમ માત્ર અયોગ્ય જ નથી પરંતુ અવ્યવહારુ પણ છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'ધારાસભ્ય તરીકે, અમને પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોને 150 શબ્દો સુધી મર્યાદિત કરવા કહેવામાં આવ્યું છે. હવે આ SOPs પછી, મંત્રી અમારા પ્રશ્નોના શબ્દોની સંખ્યા કરતા એક તૃતીયાંશ ઓછા શબ્દોમાં અમારા પ્રશ્નોના જવાબ આપશે. વિધાનસભા સત્ર દરમિયાન બજેટ પછી પ્રશ્નોત્તરીનો સમય સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનો એક છે, જ્યાં વિપક્ષના સભ્યોને તેમના મતવિસ્તાર સંબંધિત મુદ્દાઓ પર શાસક પક્ષ પાસેથી જવાબો મેળવવાની તક મળે છે. વિપક્ષી ધારાસભ્યો તેમના મતવિસ્તારની સમસ્યાઓને વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સમસ્યા અથવા તો પ્રશ્ન તરીકે રજુ કરતા હોય છે, પરંતુ હવે સરકાર ગૃહમાં મંત્રીઓ દ્વારા વાંચવામાં આવેલા જવાબોને જો માત્ર 50 શબ્દો સુધી મર્યાદિત કરી દેતી હોય તો ગૃહમાં પ્રશ્નકાળની પ્રક્રિયા હવે 'માત્ર ઔપચારિક બનીને રહી જશે.

વિપક્ષ અન્ય એક MLA નીરજ શર્માએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું હતું કે, મતલબ એટલો જ કે ભાજપ-જેજેપી સરકાર વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવાથી ભાગવા માંગે છે. 

ગુજરાત વિધાનસભામાં શું થતું હોય છે ? : પ્રશ્ન પૂછવાની અને તેના જવાબની બાબતમાં ગુજરાત વિધાનસભામાં પણ એવું જોવા મળતું હોય છે કે, જેને જોઈને એમ થાય કે શું ધારાસભ્યો આ પ્રકારના પ્રશ્નો કે જવાબ આપવા માટે ભેગા થતા હશે ? હમણાં જ સંપન્ન થયેલા બજેટ સત્રમાં તો ખુદ સ્પીકર શંકર ચૌધરીને પણ તાકીદ કરવી પડી હતી કે, સભ્યો સામાન્ય પ્રશ્ન પૂછીને ગૃહનો સમય ન બગાડે. છતાં હજુ પણ કેટલાય સભ્યો સાવ સામાન્ય કહી શકાય તેવા પ્રશ્નો પૂછે છે. સ્પીકર ચૌધરી ને તો સચિવોને તાકીદ કરવી પડી હતી કે તેઓ મંત્રીઓને પ્રશ્ન અંગે વ્યવસ્થિતિ રીતે વાકેફ  કરે,જેથી તેઓ ગૃહમાં ટુ ઘી પોઇન્ટ અને પ્રશ્નને અનુરૂપ જવાબ આપે. 

સંસદ કે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન શું થતું હોય છે ? : પ્રશ્નકાળ એ સંસદ કે વિધાનસભાની દરેક બેઠકનો પ્રથમ કલાક છે. આ સમયગાળા દરમિયાન, ગૃહના સભ્યો મંત્રીઓને તેમના મંત્રાલયોને લગતી બાબતો પર પ્રશ્નો પૂછી શકે છે. પ્રશ્નકાળનો હેતુ વિવિધ મુદ્દાઓ પર સરકાર પાસેથી માહિતી મેળવવાનો છે. પરંતુ ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો તેમાં સત્તા પક્ષના સભ્યો સાવ સામાન્ય કહી શકાય તેવા પ્રશ્નો કરતા હોય છે. જેનો જવાબ એટલે કે માહિતી જે તે ધારાસભ્ય / સાંસદ જિલ્લા કક્ષાએ માત્ર ફોન કરીને પણ મેળવી શકતા હોય છે. મોટેભાગે પ્રશ્નકાળમાં વિપક્ષ દ્વારા જ ગંભીર અથવા તો સરકારને જેમાં જવાબ આપવો મુશ્કેલી પડે તેવા પ્રશ્નો કરતા હોય છે.