Will WhatsApp be Closed in India ? ઓ હેલો, વોટ્સએપ બંધ થઈ શકે છે, મેટા કંપનીએ કોર્ટમાં કહ્યું 'લોકોના મેસેજની જાણકારી નહીં આપીએ છતાં જો સરકાર દબાણ કરશે તો ઇન્ડિયામાં વોટ્સએપ બંધ કરી દઈશું !'

વોટ્સએપની કંપનીએ કોર્ટમાં કહ્યું કે, નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે અને દુનિયામાં ક્યાંય પણ ભારત જેવા નિયમો નથી

Will WhatsApp be Closed in India ? ઓ હેલો, વોટ્સએપ બંધ થઈ શકે છે, મેટા કંપનીએ કોર્ટમાં કહ્યું 'લોકોના મેસેજની જાણકારી નહીં આપીએ છતાં જો સરકાર દબાણ કરશે તો ઇન્ડિયામાં વોટ્સએપ બંધ કરી દઈશું !'

WND Network.New Delhi : આગામી દિવસોમાં જો તમારું વોટ્સએપ (WhatsApp) એકાઉન્ટ બંધ થઇ જાય કે ચાલે નહીં તો નવાઈ ન પામતા. વોટ્સએપની કંપની મેટા એ ભારતમાં સરકારી નિયમોને લઈને દિલ્હીની હાઇકોર્ટ (Delhi High Court) માં એવો ખુલાસો કર્યો છે કે, જો તેમના યુઝર્સના મેસેજ અંગેની પોલિસીમાં ચંચુપાત કરવામાં આવશે તો ન છૂટકે તેમને ભારતમાં વોટ્સએપની સેવા બંધ કરવી પડશે. કંપનીના વકીલે કોર્ટમાં સોઈ ઝાટકી ને કહ્યું હતું કે, 'યુઝર્સના મેસેજની જાણકારી તો નહીં જ આપીએ, છતાં જો બહુ પ્રેશર કરવામાં આવશે તો ભારતમાં અમારી સર્વિસ જ બંધ કરી દઈશું'. મેટા કંપની એ તેના વ્હોટ્સએપ અને ફેસબુકના બે મોટાં પ્લેટફોર્મે નવા સંશોધિત આઈટી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે, નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.

દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, IT નિયમો 2021 એનક્રિપ્શન સાથે યુઝર્સની પ્રાઇવસીને નબળી પાડે છે. તે ભારતીય બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આવા નિયમો નથી, બ્રાઝિલ જેવા દેશમાં પણ આવા નિયમો નથી. ભારતમાં આ પ્રકારના નિયમ વોટ્સએપનો ઉપયોગ કરતા તેના યુઝર્સની ગોપનીયતાની નીતિ વિરુદ્ધ છે. અમારે તમામ મેસેજની રેકોર્ડ રાખવો પડશે કારણ કે અમને ખબર નથી કે સરકાર કયા મેસેજ માગી શકે છે. મતલબ કે લાખો મેસેજ વર્ષો સુધી સ્ટોર કરવા પડશે, જે ખુબ જ અઘરું કામ છે. 

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ વૉટ્સએપ એપની એવી સિસ્ટમ જેમાં મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર સિવાય કોઈને તેની જાણકારી હોતી નથી. ત્યાં સુધી કે, વૉટ્સએપની કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી. અને આવા મેસેજ અંગે સરકાર આઇટી નિયમ અંતર્ગત માહિતી મેળવવા માંગે છે. જેને પગલે મામલો કોર્ટમાં ગયો છે. 

વોટ્સએપની કંપની માહિતી આપતી હોય છે ? : વોટ્સએપના મેસેજ કોઈ શકે છે કેમ તથા તેના ઉપરથી થતા કોલને ટ્રેસ કરી શકાય છે કે નહીં તે મામલે વિભિન્ન મત છે. કંપની ભલે એવો દાવો કરતી હોય કે, તે કોઈને માહિતી આપતી નથી. પરંતુ એવી પણ કેટલીક ઘટનાઓ સામે આવેલી છે જેમાં માત્ર વોટ્સએપનો ઉપયોગ કરતી વ્યક્તિને પણ પોલીસે ઝડપી લીધી હોય. આવું કેમ થતું હશે તે એક મોટો પ્રશ્ન છે. ગુજરાત પોલીસમાં કામ કરતા સિનિયર IPS અધિકારીએ નામ ન આપવાની શરતે 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ અતિ ગંભીર મુદ્દા ઉપર સરકાર તરફથી જો દબાણ કરવામાં આવે તો ચેટ અને મેસેજ મળી શકે છે. અલબત્ત તેમાં કેટલાક ટેક્નિકલ મુદ્દા પણ છે. જેમાં એક વાત એવી પણ છે કે, 24 કલાકમાં વૉટ્સએપ યુઝર્સ લોકેશન ન બદલે તો તેને ટ્રેસ કરી શકાય છે. જો કે મેટા કંપની આવી કોઈ વાતનો સ્વીકાર કરતી નથી. 

આ ઉપરાંત સૂત્રો એવો દાવો કરે છે કે, ભારત સરકારની કેટલીક ટોપની ઇન્ટેલિજન્સ એજન્સી પાસે વોટ્સએપ સહિતના એપની ચેટ કે કોલ ટ્રેસ કરવાનું સોફ્ટવેર વસાવી લેવામાં આવ્યું છે. ભૂતકાળમાં ઈઝરાઈલ દેશના જાસૂસી ઉપકરણ 'પેગાસસ'ને લઈને પણ ભારતમાં વિવાદ થઇ ચુક્યો છે. જો કે એક વાત તો ચોક્કસ છે કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે કોઈની પણ ગમે તે રીતે જાસૂસી કરી શકે છે. જેના માટે  રૉ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ (R&AW) તેમજ  નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO) જેવી એજન્સી પાસે આ સુવિધા વસાવી લેવામાં આવેલી છે. જેનો ઉપયોગ ત્રાસવાદી પ્રવુત્તિઓ ઉપર નજર રાખવાનો છે.