પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ભારતમાં કચ્છથી કાશ્મીર સુધીની બોર્ડર ઉપર હાઈ એલર્ટ, J&Kમાં આર્મી કેન્ટની KV સહિતની સ્કૂલ બંધ...

કચ્છમાં BSF મંગળવાર રાતથી જ એલર્ટ, ભુજમાં આર્મીની QRT દ્વારા પેટ્રોલિંગ કર્યું, ભુજ-નલિયા એરબેઝની દિવસભર કવાયત

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ભારતમાં કચ્છથી કાશ્મીર સુધીની બોર્ડર ઉપર હાઈ એલર્ટ, J&Kમાં આર્મી કેન્ટની KV સહિતની સ્કૂલ બંધ...

WND Network.New Delhi : પાકિસ્તાનમાં તેના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડના બીજે દિવસે પણ હુમલાઓની ઘટનાઓ સામે આવી છે. પાડોશી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારત પણ સમગ્ર સ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે. પાકિસાનમાં સર્જાયેલી આંતરિક અશાંતિનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કે કોઈ પણ પ્રકારનું કાવતરું કરવામાં ન આવે તેના માટે ભારતીય દળનાં તમામ લેવલે એલર્ટ આપવામાં આવ્યું છે. 

ઇન્ડિયન ડિફેન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારથી જ પાકીસ્તાનને સાંકળતી કચ્છથી કાશ્મીર સુધીની બોર્ડરને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. જમ્મુ પઠાનકોટ વિસ્તારમાં આવેલા ભારતીય સેનાના કેન્ટ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલને બંધ કરીને ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે રાતે જ જમ્મુ - કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની લેન્ડ બોર્ડર ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના તમામ યુનિટ કમાન્ડર્સને વિશેષ સાવધાની રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની જળસીમાએ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા યુદ્ધ જહાજો અને સબમરીન્સને ગોઠવવામાં આવી છે. બુધવાર રાતથી મધ્ય ભારતમાં આવેલી ભારતીય સેનાની ટુકડીઓને રેલમાર્ગે તાબડતોડ ઉત્તર ભારતમાં શિફ્ટ કરવાની પણ સુચના આપવામાં આવી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. 

ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં  પણ બુધવાર સવારથી આર્મી તેમજ એરફોર્સની અસામાન્ય મુવમેન્ટ જોવા મળી હતી. ભારતીય સેનાની કવીક રિએક્શન ટીમ દ્વારા ભુજના સિવિલ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય સંજોગોમાં આર્મીની આ QRT તેના કેન્ટ એરિયામાં તથા તેની આસપાસ પેટ્રોલિંગ કરતી હોય છે. તેવી જ રીતે બુધવાર સવારથી જ ભુજ તેમજ નલિયા એરબેઝ ઉપરથી લડાકુ વિમાનની કવાયત (શોર્ટીઝ) બપોર સુધી ચાલુ રહી હતી. 

કચ્છની સામે પાર સિંધ પણ હવે પાક આર્મીના કંટ્રોલ હેઠળ  ઇમરાનખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તોડફોડ અને આગ તેમજ લૂંટફાટ અંગેના બનાવો બન્યા છે. જેમાં આર્મીના મહત્વપૂર્ણ ઈન્સ્ટોલેશન સહીત તેમના સિનિયર ઓફિસરને પણ નિશાન બનવવામાં આવી રહ્યા છે. તેને જોતા પાકિસ્તાન આર્મીએ મંગળવારે તેના પંજાબ અને ખૈબર પખ્તુન પ્રાંત પછી ભારતમાં ગુજરાતની સીમાને અડીને આવેલા સિંધ પ્રાંતને પણ તેની આર્મીના કંટ્રોલ હેઠળ લાવી દીધું છે. પાકિસ્તાનના કવેટા, કરાંચી, પેશાવર, રાવલપિંડી અને લાહોર સહિતના શહેરોમાં સ્થિતિ બહુ જ નાજુક જોવા મળી રહી છે. પાકિસ્તાન રેડીઓની કચેરીઓ ઉપર પણ હુમલા થયાના સમાચાર છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈને પાક આર્મી દ્વારા તેના પરમાણુ બેઝ ઉપર પણ ખાસ સુરક્ષા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.  

(ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિફેન્સ મુવમેન્ટ અંગેની કેટલીક સંવેદનશીલ વિગતોને અહીં જાણી જોઈને ટાળવામાં આવેલી છે)