આધાર કાર્ડ તો માથે પડ્યું, નાગરિકતા પુરવાર કરવા માટે આધાર કાર્ડ નિરાધાર - સુપ્રિમ કોર્ટમાં ચૂંટણી પંચે વિચિત્ર કરેલો દાવો, કોર્ટે કહ્યું, કાયદા મુજબ સાબિત કરો
સુપ્રિમ કોર્ટ - નાગરિકતા ચેક કરવાનું કામ ગૃહ મંત્રાલયનું છે, ઈલેક્શન કમિશનનો દાવો- અમને સંવિધાન હેઠળ પાવર છે, ઈલેક્શન કમિશનને સુપ્રિમ કોર્ટનો સવાલ - બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે જ ખાસ મતદાર યાદી ચકાશણી ઝુંબેશ શા માટે ?

WND Network.New Delhi : બિહાર વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ઈલેક્શન કમિશન દ્વારા શરુ કરવામાં આવેલી ખાસ મતદાર યાદી ચકાસણી ઝુંબેશની કાયદેસરતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે ચૂંટણી પંચને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેટલીક તીખી ટિપ્પણી કરવામાં આવી હતી. કોર્ટે પંચને બિહારની ચૂંટણી ટાણે જ શરુ કરવામાં આવેલી ઝુંબેશના ટાઈમિંગ ઉપર ટિપ્પણી કરી હતી. સાથે સાથે વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા માટેના જે 11 દસ્તાવેજ પંચે નક્કી કર્યા છે તે મામલે પણ સવાલ કર્યા હતા. સુનાવણી દરમિયાન આધાર કાર્ડને પંચના 11 દસ્તાવેજમાં સામેલ ન કરવાને મામલે પણ કોર્ટે પંચને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, શા માટે આધાર કાર્ડને વોટર લિસ્ટ માટેનો આધાર માનવામાં આવ્યો નથી ? નાગરિકતા નક્કી કરવાના અધિકાર ક્ષેત્રને લઈને પણ દેશની શીર્ષ અદાલતે પંચને પ્રશ્ન પૂછ્યા હતા. કોર્ટે પંચને એમ પણ પૂછ્યું કે, નાગરિકતા કે વોટર લિસ્ટને મુદ્દે કયા કાયદા કે નિયમ હેઠળ આધાર કાર્ડને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું નથી.
છેલ્લા કેટલાય સમયથી ચૂંટણી પંચની શાખને લઈને સવાલ થઇ રહ્યા છે, વિપક્ષ ચૂંટણી પંચને સત્તા સાથે ભળી ગયા હોવાનો આક્ષેપ કરે છે તેવામાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પંચને વોટર લિસ્ટ ચેક કરવાના ટાઈમિંગ અને અઢાર કાર્ડને મામલે સવાલ કરતા વધુ એક વખત ઈલેક્શન કમિશન વિવાદમાં સપડાયું છે.
સૌથી મોટો આંચકો તો ત્યારે લાગ્યો જયારે પંચે કોર્ટમાં એવો દાવો કર્યો કે, આધાર કાર્ડ એ નાગરિકતા સાબિત કરવાનો એકમાત્ર દસ્તાવેજ નથી. જેને પગલે કોર્ટે પંચને કહ્યું કે, નાગરિકતા ચેક કરવાનો અધિકાર ગૃહ મંત્રાલયનો છે, પંચનો નહીં. આ વખતે પણ કમિશને એવો દાવો કર્યો હતો કે, તેમને આ અધિકાર સંવિધાનમાં મળેલો છે. કોર્ટે પંચની કામગીરીને યોગ્ય ઠેરવીને તેના સમયને મુદ્દે ટીકા કરી હતી.
સરકાર ધારે તેને ઈલેક્શન કમિશનર બનાવી શકે છે : ચૂંટણી કમિશનરની નિયુક્તિને લઈને કેન્દ્રની મોદી સરકારે સુપ્રિમ કોર્ટના નિર્ણયને સંસદમાં બદલી નાખ્યો હતો. જેને લીધે હવે નવા સુધારેલા કાનૂન પ્રમાણે કેન્દ્ર સરકાર ઈચ્છે તેને ઈલેક્શન કમિશનમાં નિમણુંક કરી શકે છે. અને સરકારે નિયુક્ત કરેલા હાલના મુખ્ય ચૂંટણી કમિશનર બિહારમાં ચૂંટણી પહેલા વોટર લિસ્ટની ખાસ ચકાસણી કરવાનું કહી રહ્યા છે. જેને લીધે બિહારના કરોડો લોકોના નામ મતદાર યાદીમાંથી બહાર નીકળી જશે એવો દાવો વિપક્ષ કરી રહ્યો છે. ચૂંટણી દરમિયાન વોટિંગના આંકડા, ટકાવારી, મતદાર યાદી વગેરે જેવા મુદ્દાઓને લઈને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ચર્ચામાં આવેલી છે. તેવામાં બિહારનો મામલો પણ આગામી સમયમાં વિવાદાસ્પદ બને તેવી સંભાવના છે.