ટેકા વાળી સરકાર NDA તકલીફમાં, સરકારના સોશિયલ મીડિયા ઉપર અંકુશ લાદવાના મનસૂબા ઉપર હાલમાં બ્રેક, વકફ બિલ પછી બ્રોડકાસ્ટ બિલ ઉપર મોદીની પીછેહઠ

વિપક્ષનો આક્ષેપ, બ્રોડકાસ્ટ બિલનો સંશોધિત ડ્રાફ્ટ સંસદમાં આવે તે પહેલા જ અમુક હિતધારકોને ગુપ્ત રૂપે લીક કરવામાં આવ્યો છે, બાદમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ તથા કન્ટેન્ટ ક્રિએટર્સ આ બિલનો વિરોધ થયો

ટેકા વાળી સરકાર NDA તકલીફમાં, સરકારના સોશિયલ મીડિયા ઉપર અંકુશ લાદવાના મનસૂબા ઉપર હાલમાં બ્રેક, વકફ બિલ પછી બ્રોડકાસ્ટ બિલ ઉપર મોદીની પીછેહઠ

WND Network.New Delhi : 'અબ કી બાર ચારસો પાર'નું ચૂંટણી સ્લોગન લઈને નીકળેલો ભાજપ 240 સીટમાં સમેટાઈ જતા લોકસભામાં ટેકાવાળી સરકારને કામ કરવામાં તકલીફ પડી રહી છે.  વકફ બિલ ( The Waqf (Amendment) Bill, 2024) ઉપરના NDA સરકારના સ્ટેન્ડ બાદ વધુ એક બિલને કેન્દ્રની સરકારને સ્થગિત કરવું પડ્યું છે. દિલ્હીની ટેકાવાળી NDA સરકારે બ્રૉડકાસ્ટિંગ બિલ-2024 (New Draft Broadcasting Services (Regulation) Bill-2024) ઉપર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.  

બિલને હાલ પૂરતું સ્થગિત કરવાના મામલે કેન્દ્રની ટેકાવાળી NDA સરકારે એવો બચાવ કર્યો છે, કે 'અમે બ્રૉડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. આ બિલ પર સામાન્ય જનતાની ટિપ્પણી માટે તેને 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવ્યું હતું. અનેક ટીપ્પણીઓ અને સૂચન બાદ બિલને 15 ઓકટોબર, 2024 સુધીનો વધારાનો સમય આપવામાં આવે છે. જેથી વધુ વિચાર-વિમર્શ કરીને નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકાય.'

જો કે હકીકત એ છે કે, કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ અન્ય રાજકીય દળોએ બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલ 2024નો ભારે વિરોધ કર્યો હતો અને બિલને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા માટે જોખમી ગણાવ્યો હતો. INDIA ગઠબંધને કહ્યં છે કે,આ બિલના માધ્યમથી વ્યક્તિગત કંટેન્ટ બનાવનારાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ બિલથી જોડાયેલા ઘણા પાસાઓને ચિંતાજનક ગણાવતાં કહ્યું હતું કે, આ બિલમાં વીડિયો અપલોડ કરવા, પોડકાસ્ટ બનાવવા અથવા સમકાલીન બાબતો પર લખનારા કોઇપણ વ્યક્તિને ડિજિટલ સમાચાર પ્રસારકના રૂપે લેબલ આપવામાં આવશે. વિપક્ષે સરકારને બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં સિવિલ સોસાયટીના સભ્યો, પત્રકારો અને પ્રમુખ હિતધારકોને સામેલ કરવાની માંગ કરી હતી.

બ્રોડકાસ્ટ બિલમાં સરકારે આવી જોગવાઈ કરી છે : સરકાર જે ડ્રાફ્ટ લઈને આવી હતી જેમાં ડિજિટલ અને OTT પ્લેટફૉર્મ જેવા   Youtube, X (Twitter), Facebook, Instagram, Netflix, Prime Video પર પ્રસારિત થતાં કન્ટેન્ટને પણ રેગ્યુલેટ કરવાની વાત હતી. આટલું જ નહીં ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર આપતી સંસ્થાઓને ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ નામ આપવાની પણ જોગવાઈ હતી. આવી સંસ્થાઓ માટે અલગથી બ્રોડકાસ્ટિંગ ઓથોરીટી ઑફ ઈન્ડિયા બનાવવાનો પ્રસ્તાવ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જો કોઈ ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર નિયમોનું પાલન ન કરે તો સરકારના હસ્તક્ષેપની જોગવાઈ પણ આ ડ્રાફ્ટમાં કરવામાં આવી હતી. જેને સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને ન્યૂઝ પોર્ટલ અને યુ ટ્યુબ ઉપર પ્રસારિત થતા ન્યૂઝ કન્ટેન્ટ ઉપર સરકારના નિયંત્રણ સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે

ટેકાવાળી સરકારમાં આ નવું થયું, મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં પહેલી વખત કોઈ બિલને JPC સમક્ષ મોકલાયું : લગભગ આખા વિપક્ષને સંસદમાંથી સસ્પેન્ડ કરીને કોઈપણ જાતની ચર્ચા કર્યા વિના જ બિલને કાયદામાં ફેરવી નાખનારા પીએમ મોદીને આ વખતે તકલીફ પડી રહી છે. જેનું તાજું ઉદાહરણ વકફ બોર્ડના બિલ (The Waqf (Amendment) Bill, 2024) છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટા ઉપાડે વકફ એક્ટમાં સુધારો કરવા માટેનો કાયદો બનાવવાની જાહેરાત કરેલી પણ લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરાયાની મિનિટોમાં જ મોદી સરકારે વિપક્ષો સામે ઘૂંટણ ટેકવી દીધા. અને ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી હતી. મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં કોઈ ખરડો સંયુક્ત સંસદીય તપાસ સમિતીને સોંપાયો હોય એવું પહેલી વાર બન્યું છે. મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો કરીને પોતાની હિન્દુવાદી ઈમેજને ફરી મજબૂત કરવા માગતી હતી પરંતુ વિપક્ષના હોબાળા અને સાથી પક્ષોનાં  દબાણ સામે 'એક અકેલા સબ પે ભારી' વાળા મોદીભાઈને નમતું જોખવું પડ્યું હતું. એક એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે, TDPના ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી, અને તાત્કાલિક ખરડો સંયુક્ત સંસદીય સમિતીને સોંપી દેવાયો હતો. અને હવે બ્રોડકાસ્ટ બિલને હોલ્ડ કરવાની ફરજ પડી છે.