Kutch Teacher : આ તો સ્કૂલ છે કે 'લાપતાગંજ' ? કચ્છના 17 માસ્તર સામે કાર્યવાહી, કોઈ વિદેશમાં ગયા એટલે તો કોઈ પોલીસથી બચવા માટે સ્કૂલમાં આવતા ન હતા
કચ્છના પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ તાબડતોડ ટિમ બનાવીને ચેકીંગ હાથ ધરવામાં આવતા ગેરરીતિ બહાર આવી, તપાસને પગલે સ્વતંત્ર દિવસ અને રક્ષા બંધનની રજાઓની 'ગોઠવણ' પણ ખોરવાઈ ગઈ
WND Network.Bhuj (kutch) : વિદેશમાં રહીને દેશમાં પગાર લેતા શિક્ષકોના કૌભાંડનો પર્દાફાશ થતા જ રાજ્યભરમાંથી ઠેર ઠેર માસ્તરોના કૌભાંડ બહાર આવી રહ્યા છે. જેમાં અમુક શિક્ષકને કારણે સમગ્ર શિક્ષણ જગત શરમજનક સ્થિતિમાં મુકાઈ ગે છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં અવાર-નવાર ચાલુ સ્કૂલે 'ઘેર' હાજર રહેતા હોવાની બૂમો પડતી રહેલી છે. તેવામાં કચ્છમાં જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં દસ તાલુકામાંથી 17 શિક્ષક કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના લાંબા સમયથી શાળાએ ન આવતા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં કોઈક વિદેશ ભાગી ગયા હોવાથી તો કોઈક પોલીસની ધરપકડથી બચવા માટે શાળાએ ન આવતા હોવાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન બહાર આવી છે.
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક ટીમ બનાવીને તેમના દ્વારા તમામ શાળાઓનો ડેટા ભેગો કરવામાં આવી હતો. જેમાં જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 17 શિક્ષક કોઈપણ જાતની મંજૂરી - રજા વિના શાળાએ ન આવતા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પણ બનાસકાંઠા જિલ્લાની જેમ એક શિક્ષક બહેન રજા લીધા વિના કેનેડા પહોંચી ગયેલા છે. જયારે અન્ય કિસ્સાઓમાં અન્ય જગ્યાએ નોકરી મળી જતા, સામાજિક કારણોસર વગેરે જેવા મુદ્દે શિક્ષકો લાંબા સમયથી સ્કૂલમાં નથી આવી રહ્યા .
અવાર-નવાર વિદેશ જતા ભુજ તાલુકાના શિક્ષક વસંત સામે કાર્યવાહી થશે કે પછી..? : ભુજ તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલો વસંત નામનો શિક્ષક લગભગ દર વર્ષે મંદિરના અથવા તો દાતાઓના ખર્ચે - જોખમે વિદેશ ટુર કરી આવે છે. અગાઉ પણ વસંત કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના યુકે સહિતના આફ્રિકાના વિવિધ દેશમાં આંટો મારી આવેલો છે. વસંત નામના આ માસ્તરભાઈ જિલ્લા કક્ષાના એક અખબારમાં પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. એટલે શિક્ષણ વિભાગ પણ સમગ્ર વાતથી વાકેફ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરતુ નથી. IAS - IPSને પણ જો વિદેશ જવું હોય તો સરકારમાંથી મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ અખબારની 'હવા'માં વસંતભાઈ કોઈપણ જાતની મંજૂરી વિના વિદેશ આંટો મારી આવી છે. એટલું જ નહીં પરંતુ અખબારના પત્રકાર સાથે લિકર શોપમાં ઉભા રહીને ફોટા પડાવે છે અને તેને ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં પણ મૂકે છે. શિક્ષણ વિભાગ દ્વારા જો પાસપોર્ટ અને વિદેશ જવા માટે માંગવામાં આવેલી મંજૂરીની અરજીઓની ચકાશણી કરવામાં આવે તો 'ભેખધારી પત્રકારત્વ' નો દંભ કરતા લોકોની પોલ ખુલી શકે છે.