Habeas Corpus Writ Mundra : મુન્દ્રા ભુજપુરની લઘુમતી સમુદાયની સગીરા અપહરણ કેસમાં કચ્છ પોલીસને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, હેબિયસ કોર્પ્સ રિટ ની સુનાવણી ટાણે પોલીસની પોલ ખુલી

TRP ગેમ ઝોન કાંડમાં સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સપેકર જે.વી.ધોળાએ પૂરતી તપાસ કરવાને બદલે કેસ પૂરો કરવા માટે 'A' સમરી ભરવાની હરકતને હાઇકોર્ટે ગંભીરતાથી લીધી, કોર્ટે યોગ્ય તપાસની તાકીદ સાથે SPને હાજર કરવાની ચીમકી આપી

Habeas Corpus Writ Mundra : મુન્દ્રા ભુજપુરની લઘુમતી સમુદાયની સગીરા અપહરણ કેસમાં કચ્છ પોલીસને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, હેબિયસ કોર્પ્સ રિટ ની સુનાવણી ટાણે પોલીસની પોલ ખુલી

WND Network.Ahmedabad/Mundra : કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની સગીરાના અપહરણ કેસમાં પોલીસની ભૂમિકાને લઈને આજે સોમવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કચ્છની પોલીસને રીતસરની ખખડાવવામાં આવી હતી. સગીરાને શોધવાને બદલે પોલીસે સમગ્ર મામલામાં તપાસ બંધ કરી દેવા માટે 'A' સમારી રિપોર્ટ ભરવાની હરકતને પણ કોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી. સગીરાનાં નાના તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં મુન્દ્રા પોલીસની ગંભીર બેદરકારીને પગલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ રિટ કરવામાં આવી હતી. કેસની ગંભીરતાને જોઈને કોર્ટે આગામી બીજી સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર મામલે તપાસ કરીને સગીરાને હાજર કરવાનો હુકમ કર્યો હતો. જો પોલીસ યોગ કાર્યવાહી નહીં કરે તો SPને કોર્ટમાં બોલાવવા પડશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.  

સગીરાના નાના તરફથી કરવામાં આવેલી ફરિયાદની વિગતો આપતા તેમના એડવોકેટ અમન સમાએ જણાવ્યું હતું કે, 16મી નવેમ્બર,2023ના રોજ પશ્ચિમ કચ્છ પોલીસના તાબા હેઠળના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સગીરાના નાના એ ફરિયાદ કરી હતી. જેમાં ભુજપુર ગામના કાના પ્રકાશભાઈ ભાટ ઉર્ફે બારોટ નામના યુવક સહીત તેના માં-બાપ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસે થોડા સમય સુધી તપાસનું નાટક કર્યું અને ત્યારબાદ કેસમાં આગળ વધુ તપાસની જરુરુ નથી તેમ જાતે જાતે માની લઈને કેસ સમાપ્ત કરી દેવા માટેની કાયદાકીય પ્રકિયા સંદર્ભે ભુજના ડેપ્યુટી SP સમક્ષ રજૂઆત કરી હતી. 

દરમિયાન સગીરાના નાના તરફથી અનેક રજૂઆતો ઉપરાંત તેમની દીકરીને ભગાડી જનારા યુવક દ્વારા ફેસબુક ઉપર ફોટા અપલોડ કરવાને મામલે રજૂઆત કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરવાને કારણે મામલો ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ રિટના સ્વરૂપે પહોંચ્યો હતો. જેમાં કોર્ટે પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરીને બીજી સપ્ટેમ્બર સુધીમાં તમામ આરોપીઓ સહીત સગીરાને પણ શોધીને તેના વળી વારસાને સોંપવાનો હુકમ કર્યો હતો.

ઇન્ચાર્જ SP અને પોલીસ ઇન્સ્પેકટર ચૂપ : સગીરાના અપહરણ અને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પ્સ રિટ અંગે પોલીસની પ્રતિક્રિયા અંગે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી સાગર બાગમારેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા. એક દિવસ પહેલા જ સિંગલ ઓર્ડરથી ભુજથી મુન્દ્રા પોલીસ મથકમાં નિમણુંક પામેલા ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તેઓ પણ તેમના SP જેવા જ નિરુત્તર નીકળયા હતા. 

હેબિયસ કોર્પ્સ રિટમાં પોલીસની કામગીરીનો જવાબ આપવા માટે એક દિવસ પહેલા જ મુન્દ્રામાં હાજર થયેલા પીઆઇ રાકેશ ઠુમ્મર ગુજરાત હાઇકોર્ટમાં ઉપસ્થિત રહયા હતા. 

'તપાસથી ભાગવા માટે 'A' સમરી રિપોર્ટનો આઈડિયા બહુ સારો છે' : પશ્ચિમ કચ્છ પોલીસની કાર્યવાહીને જોઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઘણી આકરી ટીકા કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 'A' સમરી રિપોર્ટ ફાઈલ કરવાના કૃત્યને બહુ ગંભીરતાથી લઈને ટિપ્પણી કરી હતી કે, તપાસથી ભાગવા માટે પોલીસ દ્વારા 'A' સમરી રિપોર્ટ ભરી દેવાનો આઈડિયા બહુ સારો છે. 

આરોપી તરફથી ફેસબુકમાં લઘુમતી સમુદાયની સગીરાની માંગ ભરતો અને ચાંદલો લગાવતા ફોટા અપલોડ થયેલા : સામાન્ય રીતે જયારે વિધર્મી વ્યક્તિ કોઈ યુવતી કે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જાય છે ત્યારે તેને સોશિયલ મીડિયામાં લવ જેહાદનું રૂપ આપીને બુમરાણ મચાવી દેવામાં આવતી હોય છે. આ કેસમાં ભોગ બનનારી સગીરા લઘુમતી સમુદાયમથી આવે છે. એટલે સોશિયલ મીડિયા તો ઠીક પોલીસે પણ ગંભીરતાથી તપાસ ન કરી. પરિણામે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અપહરણ કર્યા પછી એક તરફ જયાં સગીરાના નાના પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા હતા ત્યાં આરોપીએ ફેસબુક ઉપર સગીરા સાથેના ફોટા અપલોડ કર્યા હતા. પોલીસને રજૂઆત કરવામાં આવી કે, સગીરાને આ રીતે રાખવામાં આવી રહી છે છતાં મુન્દ્રા પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન  હતી.

રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ધોળાએ તપાસને ગંભીરતાથી ન લીધી : સગીરાના અપહરણ કરવાના કેસમાં મુન્દ્રા પોલીસમાં 20મી નવેમ્બર,2023ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી આરોપીઓના નામ,સરનામાં મોબાઈલ નંબર સહિતની અગત્યની માહિતી આપવા છતાં મુન્દ્રા પોલીસના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ધોળાએ વારંવારની રજૂઆતો છતાં કેસમાં ગંભીરતાથી તપાસ કરી ન હતી. પોલીસે જે વાત તપાસ કરીને બહાર કાઢવી જોઈતી હતી તેવી ફેસબુકમાં અપલોડ થયેલા ફોટાની વિગતો પણ ફરિયાદ પક્ષ તરફથી આપવામાં આવી હતી. આટલા બધા પુરાવા છતાં પીઆઇ ધોળાએ કેસમાં કઈ નથી તેમ માનીને 'A' સમરી રિપોર્ટ ફાઈલ કરવાનું ભુજના ડેપ્યુટી SPને રજૂઆત કરી હતી. આ તો મામલો હાઇકોર્ટમાં ગયો અન્યથા સમગ્ર કેસમાં પોલીસ કઈં ઉકાળી શકે તેમ ન હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ધોળાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાત સરકાર તેમનું સન્માન કરી ચુકી છે.