Kutch : ભુજ RTO કચેરીની રેકોર્ડબ્રેક કામગીરી, મુન્દ્રા પોર્ટમાં જઈને માત્ર 5 કલાકમાં 184 ઇલેક્ટ્રિક ટ્રક ચેક કરીને પાસ કરી દીધા, ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી આવી તપાસ...
ત્રણ RTO ઇન્સ્પેક્ટર અને તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત દ્વારા 30 લાખનો 'વહીવટ' કરવામાં આવ્યો હોવાના આક્ષેપથી ખળભળાટ
WND Network.Bhuj (Kutch) : ભુજમાં પોતાની ફરજ દરમિયાન ચર્ચામાં રહેલા તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત અને ત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા મુન્દ્રાના અદાણી પોર્ટમાં આવેલા 184 ઇલેક્ટ્રિકલ ટ્રકને માર્ચ-2023માં માત્ર પાંચ કલાકમાં જ વેરીફાય કરીને પાસ કરી દેવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. પ્રામાણિક અને કડક અધિકારી તરીકેની છાપ છોડી ગયેલા ઇન્ચાર્જ RTOને રાજ્ય સરકારે માત્ર પાંચ મહિનામાં બદલી નાખ્યા હતા. અને તેમના ફરજકાળ દરમિયાન અનેક વિવાદ પણ સામે આવ્યા હતા. વિપુલ ગામિત નામના આ અધિકારીએ ભુજમાં RTOનો ચાર્જ છોડયો તેના આગલે દિવસે જ સ્પેશિયલ ઇન્સ્પેક્શનનો ઓર્ડર કરીને ત્રણ ઈન્સ્પેક્ટરને મુન્દ્રા જઈને અદાણી પોર્ટમાં ઉભેલા 184 ઈમ્પોર્ટેડ ટ્રકની ચકાસણી કરવાનો ખાસ હુકમ કર્યો હતો. આ કામગીરી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ ગાંધીનગરથી માંગવામાં આવતા મામલો બહાર આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, 16મી માર્ચ,2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા બદલીના હુકમમાં ભુજના ઇન્ચાર્જ RTO વિપુલ ગામિતની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ગામિતે ભુજનો ચાર્જ મુક્યો તેના આગલા દિવસે એક સ્પેશ્યિયલ ઇન્સ્પેક્શનનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં મુન્દ્રામાં અદાણી પોર્ટમાં આવેલા ઈમ્પોર્ટેડ ઈ- ટ્રક્નું વેરિફિકેશન કરીને તેના રજીસ્ટ્રેશનની કામગીરી કરવાની હતી. આ કામગીરી માટે ભુજની RTO કચેરીમાંથી ત્રણ ઇન્સ્પેક્ટર મુન્દ્રા ગયા હતા. જેમાં બે કારમાં એજન્ટ સાથે ડી.એમ.પંચાલ, વી.સી.દેસાઈ અને અંકિત પટેલ નામના ઇન્સ્પેક્ટર પણ સાથે હતા. અંકિત પટેલને સંવેદનશીલ કામગીરી કરવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી મનાઈ હોવાને પગલે દેસાઈ અને પંચાલની ઓફિસિયલ આઈડી ઉપરથી ટ્રક રેજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરીફાય કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પ્રથમ નજરે જ ગળે ન ઉતરે તેવી આ ઝડપી કામગીરીમાં કચેરી સમય પછી રાતના સમયે સરકારી આઈડીમાંથી ઈ-ટ્રક રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર મામલો આમ તો પતાવી દેવામાં આવ્યો હતો પરંતુ ગાંધીનગર ખાતે આવેલી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ 'જેટ ગતિ'એ થયેલી કામગીરી અંગે ફરિયાદ થઈ અને ત્યારબાદ ત્યાંથી જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવતા મામલો છેલ્લા બે દિવસથી ટોકિંગ પોઇન્ટ બન્યો છે.
ક્લાર્ક દ્વારા કરવાની કામગીરી ઈન્સ્પેક્ટરે કરી :- મુન્દ્રાના અદાણી પોર્ટમાં આવેલા 184 ઈ-ટ્રકને પાસ કરવાની ઝડપી કામગીરીમાં ભુજની RTO કચેરીની વધુ પડતી ઝડપ અને સતર્કતા નવાઈ લાગે તેવી છે. ખાસ કરીને જે કામગીરી ક્લાર્ક લેવલે કરવાની તેમાં ઇન્સ્પેક્ટર જાતે પોતાની આઈડીમાંથી કામગીરી કરી છે. જે ગળે ઉતરે તેમ નથી. વળી જરૂરી ડોક્યુમેન્ટ રાતે કચેરી સમય બાદ અપલોડ કરવામાં આવ્યા છે.
ઝડપથી કામ કરવામાં સરકારમાં જમા કરવાની ફી લેવાનું ભુલાઈ ગયું ? :- માત્ર પાંચ કલાકના ટૂંકા સમયગાળામાં 184 ટ્રકને વેરીફાય કરવાની કામગીરી માટે RTO કચેરીના આ સ્ટાફને એવોર્ડ આપવો જોઈએ. પરંતુ ઝડપી કામ કરવાની લ્હાયમાં વાહનના સ્પેશિયલ ઇન્સ્પેક્શન માટે જે જરૂરી ફી ભરવાની હોય તે જ ભુલાઈ ગયું છે. અને હવે આખો સ્ટાફ એ સરકારી ફી ની રસીદ શોધી રહ્યો છે. પરંતુ ફી ભરાય હોય તો રસીદ મળે ને. માત્ર ફી રસીદ જ નહીં પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ પણ હજુ સુધી મળ્યા નથી. અને આ શોધખોળને કારણે જ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
184 ઈ-ટ્રક માટે 30 લાખમાં ડીલ થઈ હોવાનો ગંભીર આરોપ :- ઝડપી કામગીરી કરવામાં આવી તેના માટે વિરોધ ન હોવો જોઈએ. પરંતુ સમગ્ર પ્રકરણમાં 30 લાખના ગેરકાયદે વહીવટની વાતથી રાજ્યની ભાજપ સરકારનું ખરાબ લાગી રહ્યું છે. સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, તત્કાલીન ઇન્ચાર્જ RTOના કાર્યકાળ દરમિયાન મુન્દ્રા પોર્ટમાં 184 ટ્રકના વેરિફિકેશનનો મામલો આવ્યો હતો. ગામિતની બદલી થઈ ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેવામાં અચાનક ચાર્જ છોડવાના એક દિવસ પહેલા વિપુલ ગામિત સ્પેશ્યિલ ઇન્સ્પેક્શનનો ઓર્ડર કરે છે. અને જેટલી ઝડપથી ઓર્ડર થાય છે તેટલી જ ઝડપથી ગણતરીના કલાકોમાં ટ્રકને વેરીફાય કરીને તેની નોંધણી પણ કરી દેવામાં આવે છે. આ સમગ્ર કામ માટે 30 લાખમાં ડીલ થઈ હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. એટલે 'વેબ ન્યૂઝ દુનિયા'એ પણ સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક માત્ર ડી.એમ.પંચાલ નામના ઇન્સ્પેક્ટર સિવાય કોઈએ આ ગંભીર મામલે વાત કરવાની તસ્દી લીધી ન હતી. ધ્રુવ પંચાલ નામના ઇન્સ્પેક્ટર દ્વારા 30 લાખની વાત સાવ જ ખોટી હોવાનું જણાવ્યું હતો. ઇન્સ્પેકટર પંચાલે તો એવો પણ દાવો કર્યો હતો કે, સ્પેશિયલ ઇન્સ્પેકશન જેવા ખાસ કિસ્સામાં RTOને વાહનની સરકારી ફી નહિ લેવાની પણ સત્તા છે. તેમણે આવું સરકારી ફીની રસીદ ન મળતી હોવાને સંદર્ભે કહ્યું હતું. પંચાલે એમ પણ ઉમેર્યું હતું કે, કેટલાક લોકો જાણી જોઈએં તેમને તથા ભુજ RTO કચેરીને બદનામ કરવા માટે આવી માહિતી જાણી જોઈને ફેલાવી રહ્યા છે. સમગ્ર પ્રકરણમાં બધુ કાયદેસર હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું.
સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ શું કહી રહ્યા છે ? :- થોડા સમય માટે જેમને ભુજ RTOનો હવાલો આપવામાં આવ્યો હતો તેવા આર.બી.વ્યાસે 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ટ્રાન્સપોર્ટ ઓફિસથી 184 ઈ-ટ્રકને મુદ્દે કાગળો માંગવામાં આવ્યા હતા. જે અંગે તેમણે ભુજ RTO કચેરીમાં તેમના ચાર્જના સમયગાળા દરમિયાન તાકીદ કરી હતી. પરંતુ હવે તેમની પાસે ચાર્જ નથી એટલે ગયા શનિવાર પછી શું થયું તે ખબર નથી. જેમની પાસે ભુજ RTOનો ચાર્જ છે તેવા પ્રદીપ વાઘેલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો મોબાઈલ સતત નો-રીપ્લાય થયો હોવાને પગલે SMS કરીને સમગ્ર મામલે શું રંધાઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ છેવટ સુધી તેમનો કોઈ ખુલાસો મળ્યો ન હતો.
સમગ્ર પ્રકરણમાં જે ત્રણ RTO ઇન્સ્પેક્ટરના નામ આવે છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં RTO ઇન્સપેકટર અંકિત પટેલ અને વી.સી.દેસાઈનો ફોન બંધ અને ત્યાર પછી ડાયવર્ટ આવ્યો હતો. 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેમને પણ ટેક્સ્ટ મેસેજ કરીને પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ પણ નિરુત્તર રહ્યા હતા.
આખા પ્રકરણમાં જેમની સહીથી સ્પેશ્યિલ ઇન્સ્પેક્શનનો હુકમ કરવામાં આવ્યો છે તેવા કહેવાતા પ્રામાણિક અને કડક ARTO વિપુલ ગામિતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન કટ કરીને 'આઈ વીલ કોલ યુ' નો SMS કર્યો હતો. પરંતુ તેમનો વળતો કોલ આવ્યો ન હતો. એટલે તેમને પણ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ટેક્સ્ટ મેસેજ કરીને કયા મામલે વાત કરવાની છે તે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેનો પણ કોઈ રીપ્લાય આવ્યો ન હતો.