કચ્છ : પર્યાવરણ સંબંધિત હિયરીંગમાં હવે લાલીયાવાડી નહીં ચાલે, જાણો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે BKT કંપનીના કેસમાં કેવો ચુકાદો આપ્યો છે...
BKTના પ્રોજેક્ટથી બાવીસ ગામની ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમનો આક્ષેપ હતો

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં આવેલી મોટી મોટી કંપનીઓની પર્યાવરણ સંબંધિત હિયરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાનું લગભગ દરેક આવી સુનાવણી પછી લોકમુખે ચર્ચાતું હોય છે. જો કે હવેથી આવી લોલમલોલ નહીં ચાલે. ભુજની ભાગોળે આવેલા પધ્ધર ગામની કચ્છની એક મોટી કંપનીએ પર્યાવરણ સંબંધિત સુનાવણી યોજી હતી. જેને પધ્ધર ગામના સરપંચ સહીત સ્થાનિક લોક પ્રતિનિધિઓ દ્વારા દિલ્હી ખાતે આવેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી પડકારવામાં આવી હતી. પછી પધ્ધર ગામના આ પ્રતિનિધિઓ યેનકેન રીતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ દલીલ કરવા માટે હાજર જ ન રહ્યાં. જેને પગલે ગ્રીન ટ્રિબ્યુનલને કંપનીની તરફેણમાં એક તરફી ચુકાદો આપવો પડ્યો હતો. પરંતુ ટ્રીબ્યુનલ દ્વારા ચુકાદામાં જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે તથા જે રીતે હુકમ કરવામાં આવ્યો છે તેને પગલે કચ્છમાં કોઈપણ કંપની આ પ્રકારની હિયરીંગમાં લોલમલોલ નહીં ચાલે. ટ્રિબ્યુનલે પોતાના ઓર્ડરમાં વન અને પર્યાવરણ મંત્રાલયને એવો સીધો આદેશ આપ્યો છે કે, અત્યાર સુધી Expert Appraisal Committee (EAC)ની મિનીટ્સમાં જે લખાતું આવતું હતું કે “જાહેર સુનાવણીમાં ઉઠાવવામાં આવેલા મુદાઓનું પ્રોજેક્ટના કર્તાહર્તાઓએ યોગ્ય સમાધાન આપ્યું છે” તેવું લખી નાખવાથી નહિ ચાલે. હવેથી સમગ્ર દેશમાં કોઈ પણ પર્યાવરણની જાહેર સુનાવણીમાં ઉઠાવવામાં આવેલા મુદાઓની સંપૂર્ણ વિગત આપવી પડશે. આ ઓર્ડરને કારણે હવે કંપનીઓએ ઘણી સંવેદનશીલ વિગતો પણ જાહેર કરવી પડે એવી શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે.
આ વાત છે ભુજ નજીક આવેલી અને રિલાયન્સ પરિવાર સાથે સંકળાયેલી બીકેટી તરીકે ઓળખાતી બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ નામની કંપનીની. કંપની ખુબ મોટા પાયે ટાયર બનાવવાનો પ્લાન્ટ ભુજ નજીક પદ્ધર ગામની સીમમાં ચલાવે છે. અહી બનતા ટાયર દેશ વિદેશમાં પહોંચે છે. ૨૦૧૮માં કંપનીએ કેન્દ્રિય વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેન્ટ ચેન્જ મંત્રાલય પાસેથી કાર્બન બ્લેક સુવિધા વિસ્તારવા માટે એન્વાયર્મેન્ટ ક્લીઅરન્સ મેળવ્યું. આ પરવાનગી સામે જે-તે સમયે પદ્ધર ગામના તત્કાલીન સરપંચ ભાવનાબેન યોગેશભાઈ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય એવા ગામના જ રાજેશ નારાણ ખુંગલા અને અરવિંદ કાના ખુંગલાએ ગ્રીન ટ્રિબ્યુનલમાં પડકાર ફેંક્યો હતો. આ ઉપરાંત કંપની પ્રોજેક્ટ સાઈટ પર કોઈ ઓપરેશન ન કરે, આ કંપનીના ૧૦ કિમીના દાયરામાં આવતાં ૨૨ અસરગ્રસ્ત ગામોને પહોચેલી પર્યાવરણીય ક્ષતિની સમિક્ષા કરવા માટે વન અને પર્યાવરણ મંત્રાલય સત્ય શોધન કમિટીની રચના કરે અને આ કમિટીમાં ટેકનીકલ નિષ્ણાતોની સાથે સ્થાનિક પ્રતિનિધિઓને પણ રાખવામાં આવે એવી આ ત્રણેય દ્વારા અપીલ કરવામાં આવી હતી.
BKTના પ્રોજેક્ટથી બાવીસ ગામની ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમનો હતો આક્ષેપ :- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ કરવામાં આવેલી અપીલમાં જણાવાયું હતું કે આ ૨૨ ગામમાં અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી અને અન્ય પછાત વર્ગની મોટી વસ્તી છે અને તેઓ મુખ્યત્વે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ કંપનીને કારણે ખેતરની ફળદ્રુપતાને માઠી અસર પહોચી છે. વળી, આ કંપની અગાઉના વર્ષોમાં અપાયેલા એન્વાયર્મેન્ટ ક્લીઅરન્સની શરતોનું પણ પાલન નથી કરી રહી. આ ઉપરાંત ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કંપનીમાં થતા ઉત્પાદનો થકી ફેફસાના રોગો, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, શ્વસન સંબંધી રોગો તેમજ મેલેરિયા વગેરે જેવી દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. સુપ્રાક્લાવિક્યુલર નોડ, તીવ્ર થ્રોમ્બોલીસીસ અને કોરોનરી ધમની બિમારીથી પીડાતા દર્દીઓને લગતા કેટલાક અહેવાલો જોડવામાં આવ્યા છે.
ટાયર બનાવતી કંપની BKT સામે પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં જયારે ટ્રિબ્યુનલ સમક્ષ દલીલો કરવાનો વારો આવ્યો ત્યારે ત્રણેય અરજદારોએ ઉપસ્થિત રહેવાનું ટાળ્યું. તેને લીધે કંપનીને ક્લીન ચિટ પણ મળી ગઈ. અલબત, ટ્રિબ્યુનલે પોતાના ઓર્ડરમાં વન અને પર્યાવરણ મંત્રાલયને ઓર્ડર કર્યો કે, હમણાં સુધી EACની મિનીટ્સમાં જે લખાતું આવતું હતું કે “જાહેર સુનાવણીમાં ઉઠાવવામાં આવેલા મુદાઓનું પ્રોજેક્ટના કર્તાહર્તાઓએ યોગ્ય સમાધાન આપ્યું છે” તેવું લખી નાખવાથી નહિ ચાલે. હવેથી સમગ્ર દેશમાં કોઈ પણ પર્યાવરણની જાહેર સુનાવણીમાં ઉઠાવવામાં આવેલા મુદાઓની સંપૂર્ણ વિગત આપવી પડશે.
'અમને ખબર નથી, કંપનીએ અમારા વકીલને ફોડી નાખ્યા છે' 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા બીકેટી કંપની વિરુદ્ધ NGTમાં અપીલ કરનાર પધ્ધર ગામના તત્કાલીન સરપંચ સહિતના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો તો કેટલાક નવાઈ લાગે તેવા તથ્યો સામે આવ્યા હતા. સૌ પ્રથમ જયારે તત્કાલીન સરપંચ ભાવનાબેન યોગેશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના પતિ યોગેશભાઈએ ફોન રિસીવ કર્યો હતો. તેમના પત્ની પિયર ગયા હોવાનું જણાવીને તેમણે બીકેટી કંપની સંબંધી અપીલ માટે તેમની સાથે જ વાત કરવાનો આગ્રહ કર્યો હતો. યોગેશભાઈએ કહ્યું કે, તેમના પત્ની ભાવનાબહેનનું તમામ કામ તેઓ પોતે જ સાંભળે છે. NGTમાં અપીલ પણ તેમના પત્ની વતી તેમણે જ કરી હતી. શરૂઆતમાં એક મુદ્દત દરમિયાન તેઓ દિલ્હી ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમને બોલાવવામાં આવ્યા જ નથી અને દિલ્હીમાં તેમના વકીલે આ અંગે તેમને કોઈ જાણ કરી નથી. ચુકાદો આવી ગયો હોવાથી તેઓ કાનૂની સલાહ લઈને આગળની કાર્યવાહી કરશે. સરપંચની સાથે રહીને અપીલ કરનારા ભુજ તાલુકા પંચાયતના સદસ્ય એવા પધ્ધર ગામના રાજેશ નારાણ ખુંગલાએ તો બીકેટી કંપની ઉપર તેમના વકીલને ફોડી નાખવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, તેમને એક મુદ્દતમાં બોલાવ્યા પછી તેમના વકીલ તેમને સાંભળતા જ ન હતા. હવે જયારે ચુકાદો આવી ગયો છે તો તેનો અભ્યાસ કરીને તેને ફરીથી પડકારવામાં આવશે.
BKT કંપની વતી કોઈ બોલવા જ તૈયાર ન થયા :- બીકેટી તરીકે ઓળખાતી બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની આ મળે શું કહેવા માંગે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ સતત બે દિવસ સુધી કોઈપણ અધિકારી આ અંગે બોલવા તૈયાર થયા ન હતા. કંપની દ્વારા રાખવામાં આવેલા અને કંપની વતી લાઇઝનીંગનું કામ સંભાળતા નિવૃત્ત પોલીસ કર્મચારી ધીરુભાઈ ડી. રાણા ઉર્ફે ડી.ડી.રાણાએ સૌ પ્રથમ તેમના ઉપરી કર્મચારી ડી.બી.ઝાલાનો સંપર્ક કરવા કહ્યું હતું. જયારે ડી.બી.ઝાલાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કંપનીના PROનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. અલબત્ત ઝાલા પાસે તેમની જ બીકેટી કંપનીના જન સંપર્ક અધિકારીનું નામ કે નંબર ન હોવાનું સતત રટણ કરવામાં આવ્યું હતું. સાંજ થઈ ગઈ હોવાથી હવે PRO નહીં મળે તેમ કહી ઝાલાએ બીજા દિવસે ફોન કરવાનું કહ્યું હતું. બાવીસ ગામના લોકોના સ્વાસ્થ્ય તેમજ ખેતીના ગંભીર પ્રશ્નોનો મામલો હોવાથી કંપની આ શું કહેવા માંગે છે તે જાણવું જરૂરી હતું. આથી બીજા દિવસે જયારે ઝાલા અને રાણાનો સંપર્ક કરવામાં આવતા તેમને ફોન રિસીવ કરવાનુઁ જ બંધ કરી દીધું હતું.