કચ્છના મુખ્ય સરકારી વકીલે ચૂંટણી માટે ભાજપની ટિકિટ માંગતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો, જાણો શું છે હકીકત...

ચીફ જસ્ટિસ સહિત કાયદા વિભાગ અને કચ્છ કલેકટરને પણ પાર્ટી બનાવાયા

કચ્છના મુખ્ય સરકારી વકીલે ચૂંટણી માટે ભાજપની ટિકિટ માંગતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો, જાણો શું છે હકીકત...

WND Network.Bhuj (Kutch) : કચ્છના મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીએ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ટિકિટ માંગી છે. જેને પગલે ભુજના એક RTI કાર્યકર્તાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. ચીફ જસ્ટિસ સહિત કચ્છના જિલ્લા જજ ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વિભાગના સચિવ તેમજ કચ્છ કલેકટરને પાર્ટી બનાવી કરવામાં આવેલી રજુઆતમાં કચ્છનાં મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને તાત્કાલિક બરતરફ કરવાની માંગ સાથે સરકારી દ્વારા તેમને ચૂકવવામાં આવેલા નાણાંની વસુલાત કરવાની માંગણી કરવામાં આવી છે. જેને પગલે સમગ્ર મામલો કચ્છની કોર્ટ સહિત ભાજપમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ઈશ્વર વી.ગોસ્વામી નામના RTI કાર્યકર્તાએ તા: ૦૧/૧૧/૨૦૨૨નાં રોજ પત્ર લખીને સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને તેમના પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા માંગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે, કચ્છના DGP તરીકે કલ્પેશ ગોસ્વામી વર્ષોથી મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોર્ટમાં સરકારી પદ ઉપર રહેલી વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી ન હોવી જોઈએ તેવો દાવો એમણે કર્યો છે. વકીલ ગોસ્વામી પબ્લિક પ્રોસીક્યૂટર હોવા છતાં રાજકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમજ ભાજપના સક્રિય કાર્યકર તરીકે તેમને ગુજરાત વિધાનસભા માટેની આગામી ચુંટણીમાં ભુજ બેઠક માટે ટિકિટ પણ માંગી છે. અરજદારે એવું પણ પત્રમાં લખ્યું છે કે, શું કલ્પેશ ગોસ્વામી ભુજની કોર્ટમાં કેસ ચલાવતી વખતે પક્ષપાત નહીં કર્યો હોય તેની શું ખાતરી છે ?

સરકારી વકીલ તરીકે વર્ષોથી ફરજ બજાવી રહેલા વકીલ કલ્પેશ ગોસ્વામીને નિમણુંક કરનારા ઓથોરિટ તરીકે કાયદા સચિવ તેમને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરીને અત્યાર સુધી જે નાણાં ચૂકવ્યા છે તેની વસુલાત પણ કરવી જોઈએ.

ચીફ જસ્ટિસને પણ આ મામલે કાર્યવાહી કરવાનુ સૂચન કરીને ઈશ્વર ગોસ્વામીએ સામાન્ય લોકોમાં ન્યાય વ્યવસ્થા અંગે દાખલો બેસાડવા અપીલ કરી છે. 

સરકારી વકીલના પત્ની લોન ડીફોલ્ટર : નાની વયે કચ્છના મુખ્ય સરકારી વકીલ તરીકે નિયુક્ત પામેલા કલ્પેશ ગોસ્વામી એક વિદ્વાન વકીલ છે. તેઓ મુખ્ય સરકારી વકીલ તરીકે કામ કરવા ઉપરાંત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના ખાસ કેસમાં પણ સરકાર વતી કેસ લડી રહ્યા છે. તાજેતરમાં જ જયારે તેમના પત્ની લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા ત્યારે CBI દ્વારા તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.