Kutch : કરોડો રૂપિયાના સોપારી કાંડમાં ભીનું સંકેલાઇ ગયું ? એક કન્ટેનરમાં ભરેલી 24 લાખની સોપારી માટે 25 લાખની ડ્યુટી ભરવી પડે, એટલે થયો હતો કરોડોનો તોડ

આંગડીયા થકી તોડનાં ત્રણ કરોડ લેનારા ASI કિરીટસિંહ ઝાલા લાંબા સમયે ડાંગમાં હાજર થયા, જાણો કયા રાજકીય નેતા અને પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે...

Kutch : કરોડો રૂપિયાના સોપારી કાંડમાં ભીનું સંકેલાઇ ગયું ? એક કન્ટેનરમાં ભરેલી 24 લાખની સોપારી માટે 25 લાખની ડ્યુટી ભરવી પડે, એટલે થયો હતો કરોડોનો તોડ
Kutch : કરોડો રૂપિયાના સોપારી કાંડમાં ભીનું સંકેલાઇ ગયું ? એક કન્ટેનરમાં ભરેલી 24 લાખની સોપારી માટે 25 લાખની ડ્યુટી ભરવી પડે, એટલે થયો હતો કરોડોનો તોડ

WND Network.Bhuj (Kutch) : કચ્છના પોલીસ બેડા સહીત જેની બહુ ચર્ચા થઇ હતી તેવા કરોડો રૂપિયાના સોપારી કાંડ અને ત્યારબાદ બાદ થયેલા પોણા ચાર કરોડના પોલીસ તોડકાંડમાં ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાના અણસાર મળી રહ્યા છે. કારણ કે, પોલીસ તરફથી તોડ કરનાર બોર્ડર રેન્જના સાયબર સેલના સહાયક સબ ઇન્સ્પેક્ટર (ASI) કિરીટસિંહ ઝાલા સસ્પેન્ડ થયા પછી ફરાર હતા.  તોડકાંડમાં કિરીટસિંહ ઝાલા સહીત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને ડાંગ જિલ્લામાં મુકવામાં આવ્યા હતા. જયાં કિરીટસિંહ સિવાયના ત્રણ હાજર થઇ ચુક્યા હતા. સોપારી ભરેલા કન્ટેનર જવા દેવા માટે 3.75 કરોડના તોડમાં કિરીટસિંહને આંગડીયા દ્વારા ત્રણ કરોડ અને બે લાખ મળી ગયા હતા. જેમનો તોડ કરવામાં આવ્યો હતો તેમણે એક સાદી અરજી કરીને પોલીસમાં ગયા હતા. જેમાં અરજી કરનારાના તો નિવેદન લેવાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ શું થયું તે અંગે પોલીસ કશું બોલવા તૈયાર નથી. સૂત્રોનું માનીએ તો, સમગ્ર પ્રકરણમાં કચ્છ ભાજપના ગાંધીધામ સ્થિત એક ધવલ નામના યુવા નેતા સહીત પોલીસના જ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ સમગ્ર ખેલ પાડીને કરોડો રૂપિયાની ભાગબટાઈ કરી લીધી છે. 

કરોડો રૂપિયાની ડ્યુટી ચોરી સાથે સંકળાયેલું સોપારી કાંડ કઈંક આવું હતું : કચ્છના ચકચારી સોપારી કાંડની શરૂઆત ફેબ્રુઆરી,2023થી થાય છે. જેમાં બોર્ડર રેન્જનો સાયબર સેલ દ્વારા 1.56 કરોડ રૂપિયાની 78 હજાર કિલો સોપારી પકડી લેવામાં આવી હતી. અને તેમાં પણ પાંચ કરોડ રૂપિયાનો પોલીસ દ્વારા  તોડ કરી લેવામાં આવે છે. વિદેશથી એક કન્ટેનરમાં 23.52 લાખની સોપારી આયાત કરવામાં આવે તો કસ્ટમના પ્રમાણે નિયમ 105 ટકા ઉપરાંત પાંચ ટકા GST સહીત કુલ 110 ટકા મુજબ ડ્યુટી ચૂકવવી પડે. એટલે ડયૂટી ચોરીના કરોડો રૂપિયાના કૌભાંડમાં કસ્ટમ - DRIથી માંડીને પોલીસને આ સમગ્ર કૌભાંડમાં કરોડો રૂપિયાની કમાણી થાય છે. દારૂ-જુગાર જેવા બદનામી ભર્યા કામમાં હપ્તો બદલે ઓછી મહેનતે પોલીસને સોપારી કાંડમાં મસમોટી રકમ દેખાતા તેમણે મુન્દ્રા પોર્ટ ઉપર વોચ રાખી દીધી હતી. એટલે જેવું સોપારી કે ખસખસનું કન્સાઇન્મેન્ટ આવે કે તરત જ પોલીસ તપાસને બહાને તોડ કરી લેતી હતી. 13મી એપ્રિલ,2023ના રોજ મુન્દ્રા પોર્ટ ઉપર સોપારીના નવેક જેટલા કન્ટેનર આવે છે. જે કસ્ટમમાંથી તો નીકળી જાય છે પરંતુ પોલીસના બાતમીદારો તેની માહિતી સાયબર સેલના કિરીટસિંહ ઝાલાને આપી દે છે. કિરીટસિંહ વર્ષોથી બોર્ડર રેન્જના આર.આર.સેલ અને ત્યાર બાદ નામ બદલીને કામ કરતા સાયબર સેલમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ ખાતેનો હવાલો સંભાળે છે. કિરીટસિંહ ગાંધીધામથી પશ્ચિમ કચ્છમાં સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ફોન કરીને સોપારીના કન્ટેનર જે જગ્યાએ ઉભા હતા ત્યાંનું લોકેશન આપે છે. પોલીસ સોપારીના જથ્થાએ પહોંચે છે ત્યારથી શરુ થાય છે તોડ કાંડની કહાની. અંદાજે નેવું કરોડની સોપારી માટે વાતચીત બાદ મામલો 3.75 કરોડમાં સેટલ થાય છે. પરંતુ અડધી રાતે આટલી મોટી રકમ કેવી રીતે પોલીસને આપવી તે એક મોટો પ્રશ્ન હતો. એટલે તેમાં ગેરન્ટર તરીકે પોલીસ અને ગાંધીધામના ક્રિશ્ના શિપિંગવાળા પંકજ ઠક્કરને ઓળખતા ગાંધીધામના જ યુવાન પન્કીલ મોતાની એન્ટ્રી થાય છે. એટલે પોલીસ સોપારીના કરોડો રૂપિયાના જથ્થાને જવા દે છે. આખું પ્રકરણ શાંતિથી પતી ગયું હતું. પરંતુ શંકા અને તોડના રૂપિયા લેવા માટે પંકજ ઠક્કર ગાંધીધામના ધવલ નામના ભાજપના યુવા નેતાને સમગ્ર વાત કરે છે. ધવલને ગુજરાતના ગૃહ વિભાગના મોટા માથા સાથે સંપર્ક હતો. અને ગૃહ વિભાગનું આ મોટું માથું અવાર - નવાર ગાંધીધામમાં આવે ત્યારે તેની મહેમાનગતિ પણ માણે છે. એટલે કચ્છની પોલીસ પણ ધવલ કહે તે પ્રમાણે કામ કરે છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

ત્યાર પછી સોપારી કાંડના આ પોણા ચાર કરોડના તોડકાંડમાં પંકજ ઠક્કરની ઓફિસમાં કામ કરતા અનિલ પંડિત નામના વ્યક્તિને ઉભો કરી એક અરજી કરવામાં આવે છે. જેમાં પોલીસે 13મી એપ્રિલે કરેલા કાંડની રજૂઆત થાય છે. અને પછી સમગ્ર મામલો બહાર આવે છે. અરજીમાં પન્કીલ મોતા નામના યુવાનની ગેરંટર થવાની વાતનો ઉલ્લેખ કરતા તેને પોલીસ કોઈપણ ફરિયાદ વિના માત્ર અરજીને આધારે ઉઠાવે લે છે. અને પછી બે દિવસ સુધી તેને પકડી રાખીને ખુબ મારે છે. આ વાતને જાણ જયારે પન્કીલના પિતા સુનિલ મોતાને થાય છે ત્યારે તે પંકજ ઠક્કરના પિતા કરશનભાઈ ઠક્કરને કોલ કરીને જુના સંબંધો યાદ કરાવીને અડધી રાતે મદદમાં આવેલા તેમના દીકરાને ફસાવવા અંગે ઠપકો આપે છે. અને મુસીબતના સમયમાં પોલીસથી બચાવનાર પંકીલને પોલીસના હાથે માર ખવડાવવા અંગે તેમના દીકરા પંકજ ઠક્કરની ફરિયાદ કરે છે. બંનેની આ વાતચીત  અને સાયબર સેલમાં અરજી કરનારા અનિલ પંડિતનો વાતચીતનો ઓડિયો વાયરલ થાય છે.  જેને પગલે પોલીસની આ ભાગ બટાઈની કરતૂત સહીત પંકજ ઠક્કરની વર્ષો જુના સંબંધને ભૂલીને બદલો લેવાની ખોરી દાનત અને ગાંધીધામ ભાજપના યુવા નેતા ધવલની ગૃહ વિભાગની ઓળખ એન્કેશ કરવાની વૃત્તિ બહાર આવી છે. બંને ઓડિયો કલીપને પગલે ઠંડો પડી ગયેલો સોપારી કાંડનો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. 

તોડકાંડમાં ભીનું સંકેલાઇ ગયું, એવું કેમ લાગે છે ? : કચ્છના સોપારી પ્રકરણના કરોડો રૂપિયાના તોડકાંડમાં જે રીતે પોલીસે શરૂઆતથી સામાન્ય અરજીથી માંડીને ASI કિરીટસિંહ સહીત ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. તેને જોતા મામલો ચોક્કસ પરિણામ સુધી પહોંચશે કે કેમ તે અંગે પહેલાથી આશંકા હતી. ASI કિરીટસિંહ જયારથી મામલો બહાર આવ્યો ત્યારથી ભાગેડુ હતા. પોલીસ તરફથી એવા નિવેદનો આવતા ગયા કે, પોલીસે કરેલા તોડની પોણા ચાર કરોડ પૈકીની ત્રણ કરોડની રકમ ફરિયાદીને પરત મળી ગઈ છે. અને તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. બીજી તરફ પોલીસે જેમની સામે તોડ કરવાનો આક્ષેપ થયો છે તેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ એન્ટી કરપ્શનના કાયદા કે અન્ય કોઈ નિયમ કે કાયદા મુજબ કાર્યવાહી કરી નથી. ભલે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે છતાં પોલીસની ભૂમિકા અને ભ્રષ્ટ આચરણ અંગે કાર્યવાહી તો કરવી જ પડે. અને આ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી એટલે એવું લાગી રહ્યું છે કે, ભીનું સંકેલી લેવામાં આવી રહ્યું છે. 

સાયબર ક્રાઇમમાં થયેલી અરજી અંગે પોલીસે આવો જવાબ આપ્યો... : કરોડો રૂપિયાના કૌભાંડ અને તોડકાંડમાં હજુ સુધી કોઈ ફરિયાદ થઇ નથી. માત્ર એક સામાન્ય અરજીને લઈને પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ પોલીસ કબુલી રહી છે. અરજીની સૌ પ્રથમ જેમની પાસે તપાસ હતી તેવા બોર્ડર રેન્જના સાયબર સેલના સબ ઇન્સ્પેક્ટર પી.બી.ઝાલાનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પીએસઆઇ ઝાલાએ શરૂઆતની તપાસ બાદ કેસ ડીવાયએસપી લેવલના ઓફિસરને સોંપી દીધી હોવાનું જણાવ્યું હતું. અલબત્ત ઝાલા એ કહેવામાં અસમર્થ રહ્યા કે, તપાસ તેમણે કયા ડેપ્યુટી એસપીને સોંપી છે. તેઓ તેમનું નામ પણ જાણતા ન હતા. સબ ઇન્સ્પેક્ટર ઝાલા સામે ગાંધીધામના યુવાન પંકીલને બે દિવસ સુધી પકડી રાખીને માર મારવાનો પણ આક્ષેપ છે. 

ત્યારબાદ જયારે 'વેબ ન્યૂઝ દુનિયા' એ અરજી કામે તપાસ કરનારા બનાસકાંઠા જિલ્લાના ડીસાના Dy. SP કુશલ ઓઝાનો સંપર્ક કર્યો તો તેમણે પહેલા મિટિંગમાં હોવાનું જણાવીને પાલનપુર રૂબરૂ આવી માહિતી મેળવવા માટેનો આગ્રહ રાખ્યો હતો. છેવટે સાંજે તેમણે સત્તાવાર કહ્યું કે, તપાસ ચાલુ છે. મામલો પોલીસ કર્મચારીઓના ભ્ર્ષ્ટ આચરણ અંગેનો હોવાને પગલે તેમાં એન્ટી કરપ્શનના કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી થશે કે કેમ તેવા પ્રશ્નનાં જવાબમાં ઓઝાએ ઉમેર્યું હતું કે, તપાસ ચાલુ હોવાથી હાલના તબક્કે કોઈ ટિપ્પણી કરી શકાય નહીં.

80થી વધુ સોપારીના કન્ટેનર નીકળી ચુક્યા છે, કસ્ટમ અને રેવન્યુ ઇન્ટેલિજન્સ શું કરે છે ? : સોપારી પ્રકરણ સંદર્ભે જે બે ઓડિયો વાયરલ તેમાં પોલીસના તોડકાંડ સહીત કચ્છના મુન્દ્રા પોર્ટથી ચાલતા સ્મગલિંગની કેટલીક સ્ફોટક વાતો પણ બહાર આવી છે. કચ્છમાં મુન્દ્રા અને કંડલા ખાતે કસ્ટમ કમિશનોરેટ કાર્યરત છે. તે ઉપરાંત ગાંધીધામ અને અમદાવાદ ખાતે રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે, DRIની કચરી પણ આવેલી છે. સાથે સાથે કચ્છ બોર્ડર ડીસ્ટ્રીકટ હોવાને કારણે અહીં 19 જેટલી વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીના મથક પણ આવેલા છે. અને છેલ્લે પોલીસ તો ખરી જ. છતાં ચાલુ વર્ષે 80 જેટલા સોપારી અને ખસખસથી ભરેલા કન્ટેનર કચ્છમાંથી નીકળી ચુક્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. ત્યારે એ અંદાજ લગાવવો જ રહ્યો કે ભારતને કેટલું રેવન્યુ નુકશાન થઇ ચૂક્યું છે અથવા હજુ થઇ રહ્યું છે. 

ASI કિરીટસિંહ ઝાલાએ આંગડીયામાંથી મેળવેલા 3.02 કરોડમાંથી બે કરોડ સિનિયર પોલીસ ઓફિસરને મળ્યા : સોપારી કાંડની મોડેસ ઓપરેંડીને જોતા આ કામ માત્ર ASI કિરીટસિંહ ઝાલાનું હોય તેવું પ્રથમ નજરે લાગતું નથી. સૂત્રોનું માનીએ તો કિરીટસિંહને આંગડીયામાંથી જે ત્રણ કરોડ મળ્યા હતા તેમાંથી તેમણે બે કરોડ એક સિનિયર પોલીસ ઓફિસરને આપ્યા હતા. પરંતુ મામલો ધવલ નામના ભાજપના યુવા નેતાને કારણે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો એટલે તેમાં અરજી અને તપાસનું નાટક રચવામાં આવ્યું હોવાનું સૂત્રો દાવો કરી રહયા છે. પોલીસની ભૂમિકા અંગે જાહેરમાં ચર્ચા અને અરજી થવાને કારણે કિરીટસિંહ દ્વારા પંકજ ઠક્કર કે તેના માણસ અનિલ પંડિતને કિરીટસિંહ પરત કરી દીધા છે. આ માટે કિરીટસિંહ ઝાલાએ કંડલા સ્પેશિયલ ઈકોનોમી ઝોન એટલે કાસેઝમાં કામ માટે જાણીતા રફીક બારા નામના વ્યક્તિ પાસેથી હવાલો પાડીને ચૂકવ્યા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. આમ મામલો દેખીતી રીતે સેટલ થઇ ગયો હોય તેવું જરૂર લાગે છે પણ સમગ્ર પ્રકરણમાં જેમને ભાગ નથી મળ્યો અથવા તો નિર્દોષ કર્મચારીઓને સહન કરવામાં આવ્યું હોવાને કારણે વિવાદ આસાનીથી પૂરો થાય તેવું લાગતું નથી. 

ધવલનાં ન્યૂઝ પબ્લિશ થતા પોલીસ અધિકારીએ ગાંધીધામના એક પત્રકારને પૂછપરછ માટે બોલાવ્યા હતા : સોપારી કાંડના સમગ્ર પ્રકરણ ઉપરાંત પણ કચ્છમાં જયારે પણ ધવલ નામના ભાજપના યુવા નેતા માટે કોઈપણ ન્યૂઝ પબ્લિશ થાય તો પોલીસના આંખ-કાન ઊંચા થઇ જતા હોય છે. જેના માટે ધવલના ગુજરાત સરકારના ગૃહ વિભાગના મોટા માથા સાથેના સંબંધો જવાબદાર છે. એક ગુજરાતી નેશનલ ન્યૂઝ પેપરની કચ્છ એડિશનમાં સોપારી કાંડ અંગેના ન્યૂઝમાં 'ભાજપના યુવા નેતા' એવો સહેજ ઉલ્લેખ માત્ર થયો હતો. જેને કારણે એક પૂર્વ કચ્છ પોલીસના એક ડીવાયએસપી સક્રિય થઇ ગયા હતા. અંજારના ડિવિઝનના ડેપ્યુટી એસપી  મુકેશ ચૌધરી દ્વારા જાણીતા નેશનલ અખબારના ગાંધીધામના પત્રકારને અંજાર ઓફિસે મળવા માટે કોલ કરવામાં આવ્યો હતો. જયારે પત્રકારે વ્યસ્તતાને કારણે અંજાર તેમની ઓફિસે મળવાનો ઇન્કાર કર્યો તો Dy. SP મુકેશ ચૌધરી બીજા દિવસે ગાંધીધામ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને સિનિયર જર્નાલિસ્ટને પોલીસ સ્ટેશનમાં મળવા માટેનું કહેણ મોકલ્યું હતું. પત્રકાર સાથેની મુલાકાતમાં ચૌધરીએ ભાજપના યુવા નેતા કોણ છે, તમે કયા આધારે ન્યૂઝ બનાવો છો, ન્યૂઝ કોણ ચેક કરે છે ? વગેરે જેવા પ્રશ્નો પણ કર્યા હતા. અલબત્ત આ તમામ ચર્ચા કાયદાની કઈ જોગવાઈ હેઠળ તેમણે કરી હતી તેનો કોઈ ફોડ પાડ્યો ન હતો. 

પ્રદીપસિંહ વાઘેલાના પત્રિકા કાંડમાં ભાજપ સંગઠને ધવલની પૂછપરછ કરેલી : કચ્છના સોપારી કાંડ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં ખાસ્સી એવી ચર્ચા જગાવનારા પ્રદીપસિંહ વાઘેલાના પત્રિકા કાંડ અંગે કચ્છ ભાજપના ધવલ નામના યુવા નેતાની ભાજપ સંગઠન દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. તે વખતે સમગ્ર મામલામાં કચ્છ ભાજપના પિતા-પુત્રની ભાજપ સંગઠન દ્વારા પૂછપરછ કરવામાં આવી એવી વાત જાણી જોઈને ફેલાવવામાં આવી હતી. જેથી ધવલ ઉપર કોઈની શંકા ન જાય.