East Kutch Police SP PA : પૂર્વ કચ્છ ગાંધીધામ SP ના PA સામે મહિલાનો દુષ્કર્મનો આક્ષેપ, સાસરિયાની ફરિયાદ લઈને SP ઓફીસ ગઈ ત્યારે ફસાવ્યાની અરજીથી ખળભળાટ

ગાંધીધામમાં રહેતી વિધવાએ તેને ગોંધી રાખીને દુષ્કર્મ કરવા ઉપરાંત તેના ઘરમાં બે નંબરના રૂપિયા રાખતો હોવાની ફરિયાદ કરી, ગાંધીધામ SP ના PA તરીકે ફરજ બજાવતા હથિયારી હેડ કોન્સ્ટેબલ ખીમજી ફફલનો દાવો – મહિલાની ફરિયાદ ખોટી, તપાસમાં કઈં નથી નીકળ્યું

East Kutch Police SP PA : પૂર્વ કચ્છ ગાંધીધામ SP ના PA સામે મહિલાનો દુષ્કર્મનો આક્ષેપ, સાસરિયાની ફરિયાદ લઈને SP ઓફીસ ગઈ ત્યારે ફસાવ્યાની અરજીથી ખળભળાટ

WND Network.Gandhidham (Kutch) : સોસીયલ મીડિયા થકી ખોટી રીતે હેરાન કે બદનામ કરવામાં આવે તો લોકો પોલીસ પાસે જાય છે. પરંતુ પોલીસને જ કોઈ આવી રીતે હેરાન પરેશાન કરતુ હોય છતાં કોઈ ન પકડાય તો સામાન્ય વ્યક્તિ કયાં જાય ? આવી જ એક ગંભીર અને ચોંકાવનારી ઘટના પૂર્વ કચ્છ ગાંધીધામ SP ના PA સાથે બની છે. જેમાં તેમની ઉપર માત્ર દુષ્કર્મનો આક્ષેપ થયો છે એટલું જ નહીં પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓના બે નંબરના લાખો રૂપિયા સંતાડવા માટે મહિલાના ઘરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે રેન્જ કક્ષાએથી તપાસના હુકમ પણ કરવામાં આવ્યા હતા પરંતુ કથિત રીતે આક્ષેપ કરનારી મહિલા કે ગાંધીધામ SPના PA ને બદનામ વ્યક્તિઓને પોલીસ શોધી શકી નથી. 

ગુજરાતના પૂર્વ કચ્છ સહીત બોર્ડર રેન્જ પોલીસમાં હેતલ શાહ નામની યુવતીએ ગાંધીધામ SP ના PA ખીમજી રમણલાલ ફફલ સામે કથિત રીતે અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, તે જયારે ગાંધીધામ SP ઓફિસમાં તેની સાસરિયા દ્વારા થઇ રહેલી કનડગત અંગે ફરિયાદ - રજૂઆત કરવા ગઈ હતી ત્યારે SP ના PA ખીમજી ફફલનો પરિચય થયો હતો. અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, ફફલે પોતે SP નો ખાસ વ્યક્તિ હોવાનો દાવો કરીને મહિલાની સાસરીવાળી મેટર પુરી કરવાની ખાતરી આપીને તેનો પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ ફફલ તેના ઘરે આવતો થયો અને તેની સાથે બળજબરી કરી હતી. હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ માંથી SP ના PA બનેલા ખીમજી ફફલ સાથે ગોપાલ નામનો વ્યક્તિ પણ સામેલ હતો, જે તેની પંદર વર્ષની દીકરી સાથે ચેંડા કરતો હતો. 

મહિલાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે, ગાંધીધામ SP ના PA ખીમજી ફફલની ચુંગાલમાંથી છટકવા માટે તેણે ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો મોબાઈલ ટ્રેસ કરીને તેની સાથે સંબંધ રાખવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાત માત્ર આટલે થી અટકી ન હતી. મહિલાએ કરેલા આક્ષેપ મુજબ, પૂર્વ કચ્છ SP ના નામે તેમનો PA ફફલ લાખો રૂપિયાની ઉઘરાણી કરીને તે રૂપિયા તેના ઘરમાં સંતાડતો હતો. મહિલાની અરજીમાં આવી તો ઘણી ગંભીર કહી શકાય અને અહીં ન લખી શકાય તેવી હરકત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવેલો છે. 

SP ના PA ખીમજી ફફલનો દાવો, આક્ષેપ અને અરજી ખોટી, LCBની તપાસમાં પણ કંઈ નીકળ્યું નથી : SP કક્ષાનાં IPS અધિકારીના PA સામે જયારે કોઈ મહિલા આક્ષેપ કરે તો તે અતિ ગંભીર મામલો કહેવાય. 'વેબ ન્યૂઝ દુનિયા'એ સમગ્ર મામલે SP ના PA ખીમજી રમણલાલ ફફલનો સંપર્ક કરીને સમગ્ર મામલો શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વિધવા મહિલાને નામે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપ - અરજી સદંતર ખોટું હોવાનું જણાવીને ફફલે ઉમેર્યું હતું કે, ગાંધીધામ SP સહીત આઇજી સાહેબ પણ સમગ્ર મામલો જાણે  છે. આ મામલે બોર્ડર રેન્જ આઇજી ઓફિસના હુકમને પગલે પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તપાસ કરી ચુકી છે. જેમાં તેમની વોટ્સએપ ચેટ સહિતની તપાસ પણ કરવામાં આવી હતી. જો કે, તપાસમાં કશું નીકળ્યું નથી. ફફલે એમ પણ કહ્યું હતું કે, અગાઉ પણ તેમની સામે આ પ્રકારના આક્ષેપ કરતી નનામી અરજી આવી ચુકી છે. અરજી નનામી હતી એટલે તેને દફતરે કરી દેવામાં આવી હતી. તેમણે અંતમાં એમ પણ કહ્યું કે, તેમના વિરોધીઓ આવી હરકત કરી રહ્યા છે. પરંતુ પુરાવાને અભાવે તેઓ કોઈ કાર્યવાહી કરી શકયા નથી. તેમની સામે થઈ રહેલા આક્ષેપ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેમનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણી - રજુ કરવાને મુદ્દે ફફલે આભાર પણ માન્યો હતો. 

SP ના PA ફફલ અને ગાંધીધામ LCB ના નિવેદનમાં વિરોધાભાસ : એક તરફ જયાં ગાંધીધામ SP ના PA ખીમજી ફફલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, તેમની વિરુદ્ધ આવેલી હેતલ શાહ નામની યુવતીની દુષ્કર્મવાળી અરજીની તપાસ બોર્ડર રેન્જ ઓફિસની સુચનાને પગલે ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ ગાંધીધામ LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર નારણભાઇ ચુડાસમાએ આવી કોઈ અરજીની તપાસ ન કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

પૂર્વ કચ્છ પોલીસ બેડો અસ્તિત્વમાં ત્યારથી SP ઓફિસમાં નવ IPS સાથે કામ કર્યું, વર્ષ 2023માં રાષ્ટ્રપતિનો મેડલ પણ મળ્યો : પોલીસ દળમાં આર્મડ એટલે હથિયારી એકમમાં હેડ કોન્સ્ટેબલની રેન્ક ધરાવતા ખીમજી ફફલ તેમની કામ કરવાની આગવી કુનેહ અને ચબરાક આવડતને લીધે પૂર્વ કચ્છ પોલીસ બેડો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી તેઓ ગાંધીધામ SP ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ પહેલા SP ના PA ના મદદનીશ તરીકે કામ કરતા હતા. વર્ષ 2018માં તેમને SP ના PA તરીકેનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ફફલ નવ SP રેન્કના IPS ઓફિસર સાથે કામ કરી ચુક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2023માં તો તેમને સ્વતંત્ર પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટના રોજ આપવામાં આવતો ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસીસ (PMMS) પણ મળ્યો છે. આ મેડલ પોલીસ દળનો એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. જે પોલીસ કર્મચારીઓને તેમની મૂલ્યવાન સેવા માટે આપવામાં આવે છે. જેમાં કોઠાસૂઝ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો સમાવેશ થાય છે. પોલીસ કર્મચારીઓને ઉચ્ચતમ સેવા ધોરણો જાળવવા માટે પ્રેરણા મળે તેવા આશયથી તેમને પ્રોત્સાહિત કરવા માટે મેડલ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ મેડલ માટે દિલ્હી ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના ગૃહ વિભાગ મારફતે DGP થકી જિલ્લાના SP અને પોલીસ કમિશનર પાસેથી હોનહાર પોલીસ કર્મચારીઓનું લિસ્ટ માંગવામાં આવતું હોય છે. વર્ષ 2023માં પૂર્વ કચ્છમાં જે ગાંધીધામના SP હશે તેમણે પોતાના તેમના PA ખીમજીભાઈનું નામ મોકલ્યું હશે.