Kutch Breaking : કોઠારા પોલીસના ASIએ અડધી રાતે દારૂ પી ને અધિકારીઓને કોલ કર્યા, જાણો પછી શું થયું ?
રાતોરાત પોલીસને દોડાવી ભુજમાં તેના ઘરેથી પોલીસ કર્મચારીને ઉઠાવી ગુન્હો દાખલ કરીને ભુજ A ડિવિઝનના લોકઅપ પુરી દીધો
Wajid Chaki.Bhuj (Kutch) : પશ્ચિમ કચ્છ પોલીસમાં એક દિવસ પહેલા એસપી તરીકે ચાર્જ સાંભળનારા IPS ડૉ.કરણરાજ વાઘેલાએ દારૂ પીધેલા પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને પોલીસ બેડાને શિસ્તમાં રહેવાનો ગર્ભિત મેસેજ આપી દીધો છે. શુક્રવારે મધરાતે નશાની હાલતમાં પોલીસ કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ તેમજ કોલ કરીને ગેરશિસ્ત કરનારા કોઠારા પોલીસના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ASI) સામે ભુજના A ડીવીજન પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી છે. નિલેશ બગ્ગાએ ઉચ્ચ અધિકારીઓને પણ કોલ કરીને હેરાન કરવામાં પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. અને તેમને ભુજના નિવાસસ્થાનેથી પોલીસ ઉપાડી આવી હતી.
પોલીસમાં સત્તાવાર દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કોઠારા પોલીસના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ASI) નિલેશ બગ્ગાએ શુક્રવારે રાતે નશામાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવાનું શરુ કરી દીધું હતું. મેસેજ કરવાની સ્ટાઇલ જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે, ASI નિલેશ બગ્ગાએ નશામાં આવી હરકત કરી રહ્યા છે. જેને પગલે ભુજ પોલીસના A ડીવીજન પોલીસના ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ રાણાએ તરત જ નાઈટ પેટ્રોલિંગ કરી રહેલા તેમના PSI ડી.જે.ઠાકોર અને તેમના સ્ટાફને સૂચના આપીને ભુજમાં સંસ્કારનગરની સત્યમ સોસાયટીમાં રહેતા અને કોઠારા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ બગ્ગાને ઝડપી લેવાની સૂચના આપી હતી. નશાની હાલતમાં રહેલા ASI નિલેશ બગ્ગાને રાતે જ ઝડપી લઈને ભુજના A ડીવીજન પોલીસ મથકમાં લાવીને તેમની સામે પ્રોહિબિશન સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
SP ડૉ.કરણરાજ વાઘેલા : ડિસીપ્લીનરી ફોર્સમાં ગેરશિસ્ત નહીં ચલાવી લેવાય, સસ્પેન્ડ કરવામાં આવશે કેન્દ્રીય ડેપ્યુટેશનમાં ગયેલા ભુજના પૂર્વ SP સૌરભસિંગનાં સમયગાળામાં પશ્ચિમ કચ્છ પોલીસમાં શિસ્તને મામલે કડક અમલવારી કરવામાં આવતી હતી. તેમના ગયા પછી IPS ડૉ.કરણરાજ વાઘેલાને પશ્ચિમ કચ્છ પોલીસનો ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે પોલીસ બેડામાં રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ IPS ડૉ.કરણરાજ વાઘેલાએ ચાર્જ લીધાની બીજી જ રાતે કડક કાર્યવાહી કરીને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, ડિસીપ્લીનરી ફોર્સમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં. 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા SP ડૉ.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાતે આ સમગ્ર મામલો ધ્યાનમાં આવતા મેં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત ન કરે. ASI બગ્ગાએ તેમને કોલ કર્યો કે નહીં તે અંગે IPS વાઘેલાએ ઉમેર્યું હતું કે, અજાણ્યા નંબર ઉપરથી આ રીતે કોલ આવે તો તેઓ ઉપાડતા નથી. કદાચ કર્યો હશે પરંતુ તેમને ખ્યાલ નથી તેવું અંતમાં SP ડો.વાઘેલા કહ્યું હતું.