Off The Record : લાંગાની જેમ રૂપાણી રાજમાં બે-ત્રણ IAS વધેરાઈ જતા સહેજમાં બચેલા, IPS વિરેન્દ્ર યાદવનું નસીબ કયારે ખુલશે ?

ગુજરાતના રાજકારણ અને IAS-IPS સહિતના અધિકારીઓ માટે થતી ગોસિપ

Off The Record : લાંગાની જેમ રૂપાણી રાજમાં બે-ત્રણ IAS વધેરાઈ જતા સહેજમાં બચેલા, IPS વિરેન્દ્ર યાદવનું નસીબ કયારે ખુલશે ?

એસ.કે.લાંગાની જેમ રૂપાણી રાજમાં બે-ત્રણ IAS પણ વધેરાઈ જતા સહેજમાં બચ્યા હતા : કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં જેમ ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગા આવી ગયા છે તેવી રીતે વિજય રૂપાણીના રાજમાં કચ્છમાં પણ કરોડો રૂપિયાનું ઘાસ કૌભાંડ બહાર આવે તેમ હતું. જેમાં એકાદ બે કલેક્ટર તો આરામથી ફસાઈ જાય તેમ હતા. પરંતુ કૌભાંડના છેડા છેક CMO સુધી પહોંચે તેમ હતા. એટલે મામલો સમેટી લેવામાં આવ્યો હતો. અલબત્ત તે સમયગાળા દરમિયાન જે રીતે કચ્છ કલેક્ટરની બદલીઓ કરવામાં આવી હતી તે ચર્ચાનો વિષય બની હતી. સૌ પ્રથમ રૂટિન ટ્રાન્સફરમાં IAS રેમ્યા મોહનને ખસેડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આવેલા એમ.નાગરાજન નામના IASને તો ગણતરીના મહિનામાં જ રૂપાણી સરકારે બદલી નાખ્યા હતા. કારણ કે, નાગરાજને ઘાસ કૌભાંડની ફાઈલ ગાંધીનગર મોકલવાને બદલે ભુજમાં પોતાની પાસે રાખી દીધી હતી. ત્યારબાદ આવ્યા હાલના અમદાવાદના કલેક્ટર છે તે મહિલા IAS પ્રવિણાબેન. તેમને પણ જયારે રૂટિન ટ્રાન્સફરમાં પંચમહાલ જિલ્લામાં બદલી નાખવામાં આવ્યા હતા ત્યારે ગણતરીના દિવસોમાં જ તેમને ફરી કચ્છના કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવી હતી. અને ત્યાર પછી તો IAS પ્રવીણાબેને એવા કામ કર્યા કે, રૂપાણી રાજમાં જેટલું માન-સન્માન મળ્યું એટલું જ ભુપેન્દ્ર સરકારમાં મળ્યું. એટલે જ ગાંધીનગરના કલેક્ટર પછી તેમને અમદાવાદમાં કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા.  

IPS વિરેન્દ્ર યાદવનું નસીબ કયારે ખુલશે ? : લઠ્ઠાકાન્ડને કારણે સાઈડ લાઈન થઈ ગયેલા ગુજરાત પોલીસના બે આઈપીએસમાંથી એક IPS કરણરાજ વાઘેલાને રાજ્ય સરકારે પશ્ચિમ કચ્છ પોલીસમાં ભુજના એસપી તરીકેનો ચાર્જ આપીને સાઈડ પોસ્ટિંગ રૂપી વનવાસમાંથી બહાર લાવ્યા છે. પરંતુ તેમની સાથે જ જેમને બદલીને સાઈડમાં મૂકી દેવામાં આવ્યા હતા તેવા આઇપીએસ અધિકારી વિરેન્દ્ર યાદવ હજુ ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જ નોકરી કરી રહ્યા છે.  લઠ્ઠાકાન્ડને કારણે રાજ્ય સરકારે વિરેન્દ્ર યાદવને અમદાવાદ રૂરલ એસપી તરીકે હટાવીને સાઈડ પોસ્ટીંગથી પણ ખરાબ કહી શકાય તેવી જગ્યાએ મૂકી દીધા હતા. IPS યાદવને અમદાવાદ મેટ્રો રેલના સિક્યોરિટી ફોર્સના સેનાપતિ તરીકે બદલવામાં આવ્યા હતા. તે વખતે યાદવનું નસીબ એટલું ખરાબ હતું કે, એક ડેપ્યુટી એસપી અને ત્રણ ઇન્સ્પેક્ટરના મહેકમવાળા વિભાગમાં તેમને બેસવા માટે ચેમ્બર પણ ન હતી. એટલે તેમને ગાંધીનગર પોલીસ ભવનમાં એડિશનલ ડીજી લેવલના ઓફિસરની ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હતા. ભુજ એસપીનો ચાર્જ મળવાને પગલે હવે પોલીસ ભવનમાંથી  IPS કરણરાજ વાઘેલા તો નીકળી ગયા છે પણ IPS વિરેન્દ્ર યાદવનો કયારે નંબર લાગે છે તે જોવાનું રહ્યું.

બંને ગુપ્તા IASને સરદાર સરોવરનો ચાર્જ લાંબા સમય સુધી ફળ્યો નહીં : મુખ્ય સચિવ બનતા સહેજમાં રહી ગયેલા IAS રાજીવ ગુપ્તાને જેમ અંતિમ દિવસોમાં સરદાર સરોવરનો ચાર્જ નડી ગયો હતો તેમ અન્ય એક ગુપ્તા અટકધારી જે.પી. ગુપ્તાને સરદાર સરોવર નિગમના MD તરીકેનો ચાર્જ રાજ્ય સરકારે 31મી માર્ચની સાંજે ઓચિંતો લઇ લીધો હતો. જેની પાછળ આર્થિક ગોબાચારીની ફરિયાદો ઉપરાંત ઠેકેદારો દવારા કરવામાં આવેલી ફરિયાદો હોવાનું ચચાઈ રહ્યું છે. આવી રીતે રાજીવ ગુપ્તાને પણ અંતિમ દિવસોમાં સરદાર સરોવરનો ચાર્જ આડો આવ્યો હતો. કચ્છના એક ખેડૂત દ્વારા વળતર મામલે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં ખેડૂત કેસ હરિ ગયો હતો અને પછી તેણે હાઇકોર્ટના કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સુપ્રીમે ખેડૂતના પક્ષમાં ચુકાદો આપીને ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને ફેરવી નાખ્યો હતો. સરદાર સરોવર વતી જે એડવોકેટની ફર્મ રોકવામાં આવી હતી. તેમાં રાજીવ ગુપ્તાની દીકરી વકીલ તરીકે હતી. રાજીવ ગુપ્તાના આ નિર્ણયને તેમના 'શુભચિંતકો'એ ઉપર સુધી પહોંચાડ્યો હતો. આ સિવાય એકાદ-બે પ્રકરણ પણ હતા. આમ બધું ભેગું થતા રાજીવ ગુપ્તાને સરદાર સરોવરના વધારાના ચાર્જ સાથે જ નિવૃત્ત થવું પડ્યું હતું. આમ રાજીવ હોય કે જેપી, કોઈ ગુપ્તાને સરદાર સરોવરનો ચાર્જ લાંબા સમય સુધી ફળ્યો નહીં. જે.પી. ગુપ્તાને ઓચિંતા દૂર કરવામાં મુખ્યપ્રધાનના એડવાઈઝર એસ.એસ.રાઠોડની ભૂમિકા અંગે પણ નિગમમાં ગોસિપ ચાલી એહિ છે. રાઠોડ ભૂતકાળમાં સરદાર સરોવર નિગમમાં પણ કામ કરી ચુક્યા છે. એટલે નિગમના વહીવટથી રાઠોડ પણ વાકેફ છે. 

રિલાયન્સને હજારો વીઘા જમીન આપવાનો મુદ્દો અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના ચાર્જને શું સંબંધ છે ? : રાજ્ય સરકાર ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપી રહી છે એટલે ખાનગી ક્ષેત્રની કંપનીઓ સરકારના આ ઇજનનો લાભ લેવા માટે માટે તલપાપડ થઈ છે. જેમાં ઉર્જા વિભાગ અને  ક્લાઈમેટ ચેન્જ વિભાગ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે રાજ્ય સરકારે માર્ચના એન્ડ જે ટ્રાન્સફર કરી તેમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગનો હવાલો સંભાળી રહેલા IAS એસ.જે.હૈદરને ચાર્જમાંથી મુક્ત કરીને તેનો હવાલો IAS સંજીવકુમારને આપી દીધો હતો. ઉર્જા વિભાગમાં સિનિયર IAS તરીકે મમતા વર્મા છે. જે IAS એસ.જે.હૈદરના જુનિયર છે. IAS સંજીવકુમાર અને IAS મમતા વર્મા  પતિ-પત્નિ છે. આ ડેવલોપમેન્ટ આમ જોવા જઈએ તો બે મહિના જૂનું છે. પરંતુ તે હવે ચર્ચામાં એટલા માટે આવ્યું છે, કારણ કે તેની પાછળ પોરબંદર, જામનગર અને દ્વારકામાં આવેલી હજારો વીઘા જમીન છે. જેને લેવા માટે રિલાયન્સ કંપનીએ પ્રયાસ કર્યો હતો.

સિનિયરની હાજરીમાં જુનિયરને ચાર્જ, ગુજરાતનાં IPS ઓફિસર્સમાં કચવાટ : મોસ્ટ ડિસીપ્લીનરી ફોર્સમાં ગણતરી થાય છે તેવા ગુજરાતના પોલીસ બેડામાં, ખાસ કરીને IPS કેડરમાં કચવાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તેનું કારણ એ છે કે, સિનિયર અધિકારીની હાજરીમાં જુનિયરને તેમના માથે બેસાડી દેવામાં આવી રહ્યા છે. DGP તરીકે વિકાસ સહાયને મુકવાને કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ હતી તેવી સ્થિતિનું નિર્માણ હવે અમદાવાદ કમિશનોરેટમાં જોવા મળી રહ્યું છે. IPS સંજય શ્રીવાસ્તવના રિટાર્યમેન્ટ પછી અમદાવાદના પોલીસ કમિશ્નરની રેગ્યુલર પોસ્ટિંગ કરવાને બદલે ગુજરાત સરકારે અમદવાદ કમિશનર ઑફ પોલીસ (CP)નો હવાલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના IG રેન્કના વર્ષ 2005ની બેચના IPS પ્રેમવીરસિંહને સોંપવામાં આવ્યો છે. જેને કારણે તેમનાથી સિનિયર એવા અમદાવાદ પોલીસના સ્પેશ્યિલ કમિશનર એવા વર્ષ 1999ની બેચના IPS અજય ચૌધરીને કામ કરવામાં તકલીફ પડી રહી છે. તેઓ અમદાવાદના ઇન્ચાર્જ  પોલીસ કમિશનરની મિટિંગમાં જવાનું પણ ટાળે છે. હવે જોવાનું એ રહ્યું કે, ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા વિકાસ સહાય અને સંજય શ્રીવાસ્તવનાં કિસ્સામાં તો રિપોર્ટિંગ અલગ અલગ કરાવીને મામલો પતાવ્યો હતો પણ પ્રેમવીરસિંહ અને ચૌધરીમાં કેવો રસ્તો કાઢે છે.

ભુજ નગર પાલિકાને મામલે હવે સરકાર 'ઉંઘતી' ઝડપાઇ : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કચ્છના એક કાર્યક્રમમાં ઊંઘી ગયેલા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરનારી રાજ્ય સરકાર જ હવે 'ઊંઘતી' ઝડપાઇ ગઈ છે. મુખ્યમંત્રી દાદા બોલી રહ્યા હતા ત્યારે ભુજ નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા હોય તેવો વિડિઓ વાયરલ થયો હતો. એટલે રાજ્ય સરકારે તાબડતોડ એ જ દિવસે સાંજે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન ભુજ નગર પાલિકાના મુખ્ય અધિકારીનો એક મહિના માટે ચાર્જ ટ્રેઈની IAS સુનિલ સોલંકીને સોંપવામાં આવ્યો હતો.  IAS સુનિલ સોલંકીને તાલીમ માટે 25 દિવસ પૂરતા જ ભુજ નગર પાલિકામાં મુકવામાં આવ્યા હતા. સોલંકી સાહેબ તો જેવો ચાર્જ પૂરો થવા આવ્યો કે, એક દિવસની રજા મૂકીને સરકારી ફોન બંધ કરીને 25મી તરીકે સાંજે જ ચાલ્યા ગયા હતા. એટલે ત્યારબાદ ભુજ નગર પાલિકામાં ચીફ ઓફિસર નામની જગ્યા ઉપર કોઈ જ ન હતું. ચીફ ઓફિસરનો સરકારી બંધ આવવા લાગ્યો અને નગર પાલિકામાં નાણાંકીય ચુકવણા સહિતના વહીવટી કામો ઠપ્પ થઇ જતા મામલો શહેરી વિકાસ વિભાગથી લઈને રાજકોટ બેસતા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો ત્યારે રાજ્ય સરકારને ખબર પડી કે, આપણે તો ભુજ નગર પાલિકામાં મુખ્ય અધિકારીની પોસ્ટિંગ કરવાનું જ ભૂલી ગયા છીએ. એટલે અન્ય કોઈ સેટિંગ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ઓર્ડર કરીને ભુજથી ચાલીસ કિલોમીટર દૂર આવેલી અંજાર નગર પાલિકાના મુખ્ય અધિકારીને ભુજ પાલિકાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો હતો. આમ ભુજ નગર પાલિકાને મામલે ખુદ રાજ્ય સરકાર જ 'ઊંઘતી' ઝડપાઇ ગઈ હતી.

મહિલા IAS મમતા વર્માનાં માનીતા PAનો પગાર કોણ કરે છે ? : જેમ મંત્રીઓ અને રાજકારણીઓ તેમના માનીતા-જાણીતા વ્યક્તિઓને જ તેમના પર્સનલ આસિસ્ટન્ટ (PA) રાખતા હોય છે તેવું ચલણ  IAS અધિકારીઓમાં પણ હોય છે. એટલે તેમની જે જગ્યાએ બદલી થાય ત્યાં તેમના ખાસ વ્યક્તિને સાથે પણ લઇ જતા હોય છે. આવું જ કઈંક ઉર્જા વિભાગના સિનિયર મહિલા IAS મમતા વર્માનું પણ છે. તેઓ જયાં પણ નોકરી કરવા જાય ત્યાં તેમની સાથે ઇબ્રાહિમ બાબુડી નામના એક કારકુનને તેમના PA તરીકે સાથે રાખે છે. IAS વર્મા ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં હોય કે દેવસ્થાન વિભાગના ચાર્જમાં, પછી ઉર્જા વિભાગ હોય, મમતાબેનના PA તરીકે બાબુડીભાઈ અચૂક જોવા મળે છે. અત્યાર સુધી તો બધુ બરાબર ચાલતું હતું પરંતુ ગઇ ત્રીસમી એપ્રિલે એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક એવા ઇબ્રાહિમ બાબુડીભાઈ વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ ગયા છે. છતાં આજની તારીખે પણ તેઓ મમતાબેનની સેવામાં સચિવાલયમાં તૈનાત છે. ત્યારે પ્રશ્ન એ થાય કે,શું તેમના PAને ઍક્સટેંશન આપવામાં આવ્યું છે ? જો એવું હોય તો તેમનો પગાર કોણ કરે છે ? સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, મહિલા IAS મમતાબેનના આ PAનો પગાર સરકારમાંથી નહીં પરંતુ ઉર્જા વિભાગ હસ્તકની કોઈ કંપનીમાં પાડવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. અને ધારો કે એવું છે તો તેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના કર્મચારીઓને ઍક્સટેંશન અંગેના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે ચર્ચાનો વિષય છે.  

રૉ (R&AW)માં ગુજરાતના IPS અધિકારીઓનો જમાવડો, હવે IPS દીપન ભદ્રન પણ જશે ? : કેન્દ્ર માં મોદી સરકાર આવ્યા પછી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર જઈને કામ કરવાનું ચલણ વધ્યુ છે. તેવામાં ગુજરાત કેડરમાંથી વધુ એકાદ-બે  આઇપીએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર જાય જાય તેવી સંભાવના છે. વડાપ્રધાન કાર્યાલયના સીધા નિયંત્રણમાં આવતી દેશની પ્રીમિયર ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)માં પશ્ચિમ કચ્છના SP એવા વર્ષ 2012ની બેચના IPS સૌરભ સિંગનો ગુજરાત સરકારે ઓર્ડર કરી દીધો છે. હવે સૌરભ સિંગના પછી પણ હાલમાં ગુજરાત ATSમાં DIG તરીકે કામ કરી રહેલા મૂળ કેરળના એવા વર્ષ 2007ની બેચના IPS દીપન ભદ્રન પણ રૉ એજન્સીમાં જવા ઉત્સુક છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધી દેખરેખ હેઠળ કામ કરતી આ એજન્સીમાં ગુજરાત કેડરનાં  IPS હિમાંશુ શુક્લ, અંતરિપ સુદ અને સંદીપ ચૌધરી ઓલરેડી કામ કરી રહ્યા છે.

મુખ્યપ્રધાનના એડવાઈઝર એસ.એસ.રાઠોડને લીધે R&Bના સચિવ સંદીપ વસાવા બચી ગયા ? : ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન (R&B) વિભાગના સચિવ સંદીપ વસાવા સામે કિશોર નથવાણી નામના એક RTI એક્ટિવિસ્ટ દ્વારા બેનામી સંપત્તિ અંગેના તેમજ વ્યાપક પ્રમાણમાં ભષ્ટ્રાચાર કરવા અંગેના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં તપાસ પણ થઈ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ત્યાર પછી મામલો ઠંડો પડી ગયો હતો. જેની પાછળ મુખ્યપ્રધાનના એડવાઈઝર એસ.એસ.રાઠોડની કૃપાદ્રષ્ટિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાય ધ વે, જે જગ્યાએ અત્યારે સંદીપ વસાવા છે તે જ જગ્યા R&Bના સચિવ તરીકે મુખ્યપ્રધાનના એડવાઈઝર એસ.એસ.રાઠોડ કામ કરી ચુક્યા છે. અને સંદીપ વસાવાને R&Bના સચિવ તરીકે ગોઠવવા પાછળ પણ રાઠોડ સાહેબનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.