Off The Record : હર્ષ સંઘવીએ મોદીભાઈ માટે કરેલી 'ગુજરાતનો સાવજ આવે છે' ટવીટ કેમ ચર્ચામાં આવેલી? જન પ્રતિનિધિના પણ પ્રતિનિધિ-હવે વારો કચ્છ રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનો

ગુજરાતમાં ભાજપના મહિલા MLA પોલીસ બંદોબસ્ત સાથે કેમ ફરવા લાગ્યા ?, ડાંગ - આહવાની જમીનનો પ્લોટ ધારાસભ્ય વિજય પટેલને મંત્રી બનવામાં નડશે ? રાજા રજવાડાંઓને પણ શરમાવે તેવા ગુજરાત IPS ઓફિસર્સના વિદાય - સત્કાર સમારોહ, IG-DIG રેન્કમાં બદલી કરવામાં શું નડે છે - નવી રેન્જની રચના કે ગોઠવણ ?

Off The Record : હર્ષ સંઘવીએ મોદીભાઈ માટે કરેલી 'ગુજરાતનો સાવજ આવે છે' ટવીટ કેમ ચર્ચામાં આવેલી? જન પ્રતિનિધિના પણ પ્રતિનિધિ-હવે વારો કચ્છ રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનો

હર્ષ સંઘવીની નરેન્દ્ર મોદીભાઈની 'ગુજરાતનો સાવજ આવે છે' ટવીટ કેમ ચર્ચામાં આવેલી ? : વડાપ્રધાન મોદીભાઈ (PM Narendra Modi) ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના હતા ત્યારે ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ 'X' સોસીયલ મીડિયા ઉપર  'ગુજરાતનો સાવજ આવે છે' તેવો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મોદીભાઈએ ત્યા સુધી શું શું કર્યું તેના ગુણગાન હતા. સંઘવીભાઈ આવી પોસ્ટ કરે એમાં ખોટું પણ નથી. પરંતુ લોકો આ પોસ્ટ જોઈને કોમેન્ટ કરવા લાગ્યા હતા. તે વખતે વરસાદને લીધે ગુજરાતમાં રસ્તાઓ તૂટી જવાની, ખરાબ થઈ ગયા હોવાની લોકો બહુ ફરિયાદ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં  'ગુજરાતનો સાવજ આવે છે'  આવે છે તેવો વિડીયો જોઈને ભડકી ગયા હતા. અને તે અંગે કોમેન્ટ પણ કરી રહ્યા હતા. સ્થિતિ પામી ગયેલા હર્ષભાઈના મીડિયા મેનેજર પત્રકાર પરિસ્થિતિ પામી ગયા અને તે પોસ્ટને પ્રોટેક્ટેડ કરી દીધી હતી. મતલબ કે, જેમને હર્ષભાઈ ફોલો કરતા કરતા હોય અથવા તો જેમને એ પોસ્ટમાં મેન્શન કરવામાં આવ્યા હોય તેવા લોકો જ કોમેન્ટ કરી શકે તેવું 'સેટિંગ' કરી દેવામાં આવ્યું હતું. પરિણામે હર્ષભાઈની હજારોમાં લાઈક કરતી કે રીપોસ્ટ થતી પોસ્ટની સરખામણીમાં 'ગુજરાતનો સાવજ આવે છે'  પોસ્ટને માત્ર 243 લોકોએ રીપોસ્ટ કરી, 1.1 હજાર લોકોએ લાઈક કરી હતી. ગુજરાત ભાજપના નેતાઓમાં કદાચ આ અખતરો હતો. ગમે તો ઓપન રાખો, લોકો ટીકા કરે કે સવાલ કરે તો બ્લોક કરી દો અથવા સાવજ ભાઈની પોસ્ટની જેમ પ્રોટેક્ટેડ કરી દો.

જન પ્રતિનિધિના પણ પ્રતિનિધિની પરંપરા આગળ વધી રહી છે, હવે વારો કચ્છના રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો : થોડા દિવસ પહેલા ગઢડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા (MLA Shambhunath Tundiya) ના એ પત્ર વિવાદ ઉભો કર્યો હતો જેમાં તેમણે તેમના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટા નામના વ્યક્તિની જિલ્લા તાલુકા લેવલની સંકલન સમિતિમાં નિમણુંક કરી હતી. એમાં વાત એવી હતી કે, લોકોએ જેમને ચૂંટીને મોકલ્યા છે તેવા લોકોના પ્રતિનિધિને શું એટલો પણ સમય નથી કે તે સરકારી કામકાજમાં સમય આપી શકે ? ખેર આ વાત તો તેમનો પત્ર વાયરલ થયો એટલે ખબર પડી બાકી આવું ગુજરાત મોડેલમાં સામાન્ય છે. હવે આ કડીમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો છે. જો કે, એટલું સારું છે કે, તેમણે સરકારી કામકાજમાં તેમનો પ્રતિનિધિ નીમ્યો નથી.  જન પ્રતિનિધિના પણ પ્રતિનિધિની ભાજપી પરંપરામાં કચ્છના રાપર વિધાનસભા ક્ષેત્રના MLA વિરેન્દ્રભાઈ જાડેજા (Virendrasinh Jadeja) નો ઉમેરો થયો છે. તાજેતરમાં જયારે સરકારે રેલવેની સુવિધામાં કચ્છ જિલ્લાને પ્રાધ્યાન આપવાની ખબર આવી ત્યારે કચ્છના એક જિલ્લા કક્ષાના અખબારમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ તરીકે તેમના દીકરા અને ભચાઉ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પ્રતિભાવ આપ્યો હતો. નેતાઓને તો સમજ્યા કે, પ્રોટોકોલ ખબર ન હોય પરંતુ દાયકાઓથી ભેખધારી પત્રકારત્વ કરી રહયા હોવાનો દંભ કરતા અખબારને પણ ખબર ન પડી કે, કોઈ દિવસ જન પ્રતિનિધિના પ્રતિનિધિ ન હોય ?

દિલ્હીના CM ઉપર થયેલા હુમલાની સાઈડ ઇફેક્ટ, ગુજરાતમાં ભાજપના મહિલા MLA પોલીસ બંદોબસ્ત સાથે ફરવા લાગ્યા : દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા (Delhi CM Rekha Gupta) ઉપર રાજકોટના એક વ્યક્તિ દ્વારા કરવામાં હુમલાને બીજા કોઈએ કેટલો ગંભીરતાથી લીધો છે તેની તો ખબર નથી પરંતુ ગુજરાતમાં ભાજપના એક મહિલા ધારાસભ્યએ તેને ગંભીરતાથી લીધો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ અસારવા વિધાનસભાના ધારાસભ્ય આજકાલ જયાં પણ જાહેર જગ્યાએ જાય છે ત્યાં તેમની આસપાસ ખાનગી વેશમાં મહિલા પોલીસ કર્મચારીઓ અચૂક જોવા મળે છે. સાચુ ખોટું ભગવાન જાને પરંતુ ધોળે દિવસે હત્યાના બે બનાવ, હત્યાના પ્રયાસની એક ઘટના તેમજ અન્ય સરકારી કામોને લઈને લોકોમાં રોષ છે તેવું માનીને મહિલા MLA દર્શનાબેન વાઘેલા (Asarva MLA Darshnaben Vaghela)ની આસપાસ મહિલા પોલીસની હાજરી ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. દર્શનાબેન ધારાસભ્ય બન્યા તે પહેલા અમદાવાદ કોર્પોરેશનમાં તેમના વિસ્તારનું કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે. એટલે સંભવ છે કે, લાંબા સમયથી જાહેર સેવક હોવાને કારણે પણ લોકોને એમ લાગતું હોય કે, બેન કોઈ કામ કરતા નથી.

ડાંગ - આહવાની જમીનનો પ્લોટ ધારાસભ્ય વિજય પટેલને મંત્રી બનવામાં નડશે ? : મંત્રી મંડળનું વિસ્તરણ થાય છે કે નહીં એ પછીની વાત છે પરંતુ જેમના નામ સંભવિતોની યાદીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેમાં એક નામ વિધાનસભાના નાયબ દંડક એવા ધારાસભ્ય વિજય પટેલનું પણ છે. બન્યું એવું છે કે, આહવા શહેરના રોડ ટચ આવેલા જમીનના એક પ્લોટમાં તેમનું નામ ઉછળ્યું છે. આ પ્લોટ ઉપર વર્ષોથી નવરાત્રીનું આયોજન થતું હતું. એટલે સ્વાભાવિક છે કે, અહીંના લોકોની લાગણી સાથે પણ જમીનનો આ પ્લોટ જોડાયેલો હોય. વળી આ પ્લોટને સરકારે તબદીલ કરતા પહેલા માર્ગ અને મકાન વિભાગ પાસેથી પૂર્વ મંજૂરી લીધા વિના જ ફાળવી દીધો છે. હાલ આ મોકાની જમીનના પ્લોટ ઉપર એક કોમ્પ્લેક્સ બની ગયું છે જેમાં દવાની દુકાન સહીત અન્ય શોપ પણ ખુલી ગયેલી છે. હવે આ મામલો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કે, ધારાસભ્ય વિજય પટેલ (MLA Vijay Patel) નું નામ મંત્રીમંડળના સંભવિત ભાવિ મંત્રીઓના સાંભળવામાં આવી રહ્યું છે. એટલા ફરી આ જૂનો મુદ્દો ડાંગના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિજય પટેલનું નામ અગાઉ પણ જમીનના નકલી સરકારી ઓર્ડર પ્રકરણમાં ચર્ચામાં આવ્યું હતું.   

મુઘલ - સલ્તનત યુગ અને રાજા રજવાડાંઓને પણ શરમાવે તેવા ગુજરાત IPS ઓફિસર્સના વિદાય - સત્કાર સમારોહ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 105 IPS અને SPS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના SP અને પોલીસ કમિશનોરેટમાં DCPનો સમાવેશ થતો હતો. અધિકારીઓની બદલી-બઢતી અને આવવું-જવું એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. ભૂતકાળમાં જયારે પ્રામાણિક અને કડક પોલીસ અધિકારીઓની બદલી થતી ત્યારે લોકો રોડ ઉપર ઉતરી આવીને વિરોધ પણ કરતા હોવાના દાખલા છે. પરંતુ આ વખતે એક્સ સો થી પણ વધુ પોલીસ અધિકારીઓની બદલીમાં તેમનો ભવ્ય વિદાય અને સત્કાર સમારોહ જોવા મળ્યો હતો. શૌર્ય ગીતો સાથેના વિડીયો પણ બન્યા. કેટલાક કિસ્સામાં તો જેમ દિલ્હીમાં રાષ્ટ્રપતિનો કાફલો ઘોડે સવારોથી સજ્જ થઈને ચાલતો હોય તેવો પણ માહોલ જોવા મળ્યો. અમુકમાં અધિકારીઓ સાથે કર્મચારીઓ રડતા જોવા મળ્યા. તો ક્યાંક શહેરની ફાઈવ સ્ટાર હોટેલમાં કાર્યક્રમ ગોઠવાયો. અમદાવાદ શહેરમાં તો સાહેબોના વિદાય કાર્યક્રમોને લઈને ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળી. દારૂની કાર્યવાહીમાં વિવાદમાં આવેલા, લાંબા સમયથી એક જ જગ્યાએ ચીપકી ગયેલા અને સ્ટાફ સહીત લોકો પણ ત્રાહિમામ થઇ ગયા હોય તેવા કિસ્સામાં પણ સાહેબનો ભવ્ય વિદાય અને સત્કાર આપવામાં આવ્યો હતો. ખુદ પોલીસના સત્તાવાર ટવીટર હેન્ડલ ઉપર આવા ભવ્ય કાર્યક્રમનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પોલીસ અધિકારી નિવૃત્ત થતા હોય ત્યારે દોરડા ખેંચીને ખુલ્લી જીપ કે અન્ય વાહનમાં તેમને ઓફિસમાંથી વિદાય કરવામાં આવે છે. પણ હવે ટ્રાન્સફરની રૂટિન પ્રક્રિયામાં પણ આ પ્રથા ઘુસી ગઈ છે. એક અધિકારીએ અખબારમાં અડધું પાનું ભરીને તેમણે જિલ્લામાં કેવી કામગીરી કરી તેની જાહેરાત પેઈડ ન્યૂઝમાં કરાવી હતી. પોલીસ અધિકારીઓના આવા ભવ્ય સમારોહ મુઘલ - સલ્તનત યુગના બાદશાહો અને રાજા રજવાડાંઓને ઈર્ષા આવે તેવા હતા.

IG - DIG રેન્કમાં બદલી કરવામાં શું નડે છે ? નવી રેન્જની રચના કે ગોઠવણ ? : SP રેન્કના IPS અને SPS કેડરના 105 પોલીસ અધિકારીઓની બદલી કરતી વેળાએ ગુજરાત સરકારે 10 DIG - SSP રેન્કના ઓફિસરને બદલ્યા જરૂર છે પણ તેમને નવું પોસ્ટિંગ નથી આપ્યું. મતલબ છેલ્લા બે સપ્તાહથી ગાંધીનગર પોલીસ ભવન ખાતે હાજરી પુરાવે છે. રાજ્યમાં DIG કે IG લેવલની ઘણી જગ્યાઓ ખાલી છે અથવા તો ચાર્જ ઉપર ચાલી રહી છે. જેમાં અમદાવાદ રેન્જ મહત્વપૂર્ણ કહી શકાય, છતાં ભાજપની સરકારે પોલીસ અધિકારીઓનું પોસ્ટિંગ કરવાને બદલે તેમને પોલીસ બેડામાં જેમ કોન્સ્ટેબલ કે PI - PSI ને હેડ ક્વાર્ટરમાં લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવે તેમ વેઇટિંગ જેવા રૂપાળા શીર્ષક હેઠળ મૂકી દીધા છે. આવું કરવા પાછળ બે તર્ક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક તો રાજ્યમાં ત્રણ નવી રેન્જ અસ્તિત્વમાં આવી રહી હોય તેમ માનીને પોસ્ટિંગ કરવામાં આવ્યા નથી. બીજું અને મહત્વનું કારણ ગોઠણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂતકાળમાં રેન્જમાં જવા માટેના લાખો રૂપિયાના ભાવ બોલતા હોવાની વાત પણ અજાણી નથી. એક વખત તો રાજ્યની સૌથી મોટી પોલીસની બોર્ડર રેન્જમાં જવા માટેનો ભાવ વધુ હોવાથી એક ગુજરાતી પ્રમોટી IPS અધિકારીએ ત્યાં પોસ્ટિંગ લેવાની ના પાડી દીધી હતી. સાચું ખોટું ભગવાન જાણે પણ રેન્જમાં જે મુજબના કમાઉ જિલ્લાઓ હોય તે પ્રમાણે ભાવ ચાલતો હોય છે. ભલે ગળે ન ઉતરે પરંતુ જેમ PSI - PI માટે સ્ટેટ લેવલની બદલીમાં ભાવ ચાલતો હોય છે તેમ IPSનો પણ રેટ હોય છે. અને સાથે સાથે રાજકીય સમીકરણ તો ચોક્કસથી ભાગ ભજવતા હોય છે. જો કે, આવી બધી વાતોના કોઈ ઓફિશ્યલ કાગળ કે ભાવના કોઈ કોટેશન હોતા નથી માટે કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરી લેવી.

ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા બાદ પણ સરકારની સેવા કરતા GADના એડિશનલ સેક્રેટરી અશોક દવે : રાજ્યમાં જયારે પણ સિનિયર IAS ઓફિસર્સથી માંડીને વહીવટી સેવાના કોઈપણ અધિકારીઓની બઢતી - બદલીનો હુકમ આવે ત્યારે તેમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં બિરાજતા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના એક અધિકારીની સહી અને નામ વર્ષોથી અચૂક જોવા મળે છે. રાજ્યમાં વહીવટી સેવા સાથે સંકળાયેલા તમામ બાબુઓની ફાઈલ ઉપર દવે સાહેબની સહી થાય છે. અને આ નામ છે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક ઓફિસર અશોક દવે (Ashok Dave) નું. રેગ્યુલર નોકરીમાંથી રિટાયર્ડ થયા પછી પણ તેઓ છેલ્લા સાતેક વર્ષથી સરકારની સેવા કરી રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગંભીર બીમારીમાં સપડાઈ ગયા હતા. પણ તેમણે હાર ન માની, સારવાર કરાવ્યા પછી આજની તારીખે બે-ત્રણ કલાક માટે પણ સચિવાલયમાં આવે છે. સામે સરકાર પણ એટલી જ ઉદાર છે અને તેમની સેવાની કદર કરીને એકપણ રૂપિયો કાપ્યા વિના પૂરો પગાર આપે છે. કદાચ એટલે જ રાજ્ય સરકાર અશોક દવેનો કોઈ વિકલ્પ મળતો નથી.

પૂર્વ કચ્છમાં AAPનું મની ટ્રેઇલ (શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો)  હવે બહાર નહીં આવે ? : ડિસેમ્બર,2024માં કચ્છના ગાંધીધામ શહેરમાં નકલી EDની ટીમ દ્વારા એક જવેલર્સને લૂંટવાની ઘટના બહાર આવી હતી. જેમાં કચ્છના ભુજમાં રહેતા અબ્દુલ સત્તાર માંજોઠીની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં પાછળથી એક વિવાદ પણ થયો હતો કે, અબ્દુલ સત્તાર માંજોઠી AAPનો કાર્યકર છે. ગાંધીધામ SP સાગર બાગમારે (IPS Sagar Bagmar) કચ્છના એકમાત્ર પત્રકાર સમક્ષ વીડિયોમાં નિવેદન પણ આપ્યું હતું કે, માંજોઠી જે ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હતો તેમાંથી મળતા નાણાંનો ઉપયોગ રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં કરતો હતો. મતલબ કે, IPS સાગર બાગમાર એવું કહેવા માંગતા હતા કે, AAPનું મની ટ્રેઇલ (શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો) છે જેની પોલીસ તપાસ કરી રહી છે. રાજકીય પાર્ટીઓ અને મીડિયા માટે આ નિવેદન બ્રેકીંગ - સનસની ફેલાવે તેવું હતું. ત્યાં સુધી કે, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષભાઈએ પણ તેમની આદત મુજબ આ અંગેનું ટવીટ કરીને સમગ્ર મામલો ચર્ચામાં લાવી દીધો હતો. ત્યારબાદ તો હાલના વિસાવદરના MLA ગોપાલ ઈટાલીયા (Gopal Italiya) સહિતના AAPના નેતાઓ આક્રમક તેવરમાં જોવા મળ્યા હતા. આજે આ વાતને આઠેક મહિનાથી ઉપર થઇ ગયું છે પરંતુ AAPનું મની ટ્રેઇલ હજુ બહાર નથી આવ્યું. ગુજરાત સરકારે તાજેતરમાં 105 IPS - SPS ઓફિસરની બદલી કરી છે તેમાં પૂર્વ કચ્છ ગાંધીધામના એસપી IPS સાગર બાગમારનું નામ નથી. લોકો તો વાતો એવી પણ કરી રહ્યા છે કે, ભાજપ અને AAPનું આ મામલે સમાધાન થઈ ગયું છે.

રીબડાના અનિરુદ્ધ જાડેજાને જેલ મુક્ત કરવા પાછળ કોની ભૂમિકા ? IPS ટી.એસ.બિષ્ટ કે તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ? : ધારાસભ્યની હત્યાના કેસમાં જેલમાંથી મુક્ત કરવાના કેસમાં ગુજરાત પોલીસના જેલોના તત્કાલીન વડા IPS ટી.એસ.બિષ્ટ (T S Bisht) સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. IPS બિષ્ટનો અનિરુદ્ધસિંહ જાડેજાની મિજબાની માણી રહેલો ફોટો પણ ખાસ્સો એવો વાયરલ થયો હતો. એટલે બધુ મળીને એમ લાગતું હતું કે, IPS બિષ્ટની ઈચ્છા શક્તિને પગલે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ હકીકત કઈંક અલગ છે. જેલમાંથી કોઈપણ કેદીને મુક્ત કરવા માટેની એક પ્રક્રિયા હોય છે. જેના હુકમમાં જેલોના વડાની સહી સાથેનો હુકમ ગુજરાતના ગૃહ વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં ભાજપ સરકારની ઈચ્છા શક્તિ અને તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મંજૂરી આપી હતી. હવે સવાલ એ છે કે, આ સમગ્ર પ્રક્રિયા કાયદો જાણનારા અને મીડિયા માટે જગજાહેર હોવા છતાં ઠીકરું IPS બિષ્ટને માથે કેમ ફોડવામાં આવ્યું અને તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) નું નામ ચર્ચામાં ન આવે તે માટે કાળજી રાખવામાં આવી તે પણ તપાસનો વિષય છે.