Kutch RTO Office : દાદા, કંટ્રોલ કેમ નથી ? પહેલા શિક્ષકો, પછી આરોગ્ય કર્મચારીઓ અને હવે RTO ઇન્સ્પેકટર ઘરે બેઠા બેઠા પગાર લઈ રહયાં છે !
માત્ર 5 કલાકમાં 184 ઇલેક્ટ્રિક ટ્રક ચેક કરવાની ઘટના બાદ ભુજના ત્રણ RTO ઇન્સ્પેક્ટરને માર્ચ-2023થી સંવેદનશીલ નહી સોંપવાનો ઓર્ડર થયો હતો, ત્યારબાદ લોકસભાની ચૂંટણી ફરજ અને નોટિસનો જવાબ આપવા સિવાય કચેરીમાં દેખાયા નથી
WND Network.Bhuj (Kutch) : પહેલા શિક્ષકો, ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને હવે RTO કચેરીમાં નોકરીના સ્થળે ગયા વિના 'ઘરે' બેઠા બેઠા ગુજરાત સરકારમાં ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી રહી છે. આણંદ RTO કચેરીમાં મહિલા અઘિકારીની નોકરી અંગેની સ્ફોટક હકીકત બાદ હવે ભુજ RTO ઓફિસનું ભોપાળું બહાર આવ્યું છે. મુન્દ્રાના અદાણી પોર્ટમાં માત્ર 5 કલાકમાં 184 ઇલેક્ટ્રિક ટ્રક ચેક કરવાની ઘટના બાદ ભુજના ત્રણ RTO ઇન્સ્પેક્ટરને ગયા વર્ષે માર્ચ-2023થી સંવેદનશીલ નહી સોંપવાનો ઓર્ડર થયો હતો. ત્યારબાદ લોકસભાની ચૂંટણી ફરજ અને નોટિસનો જવાબ આપવા સિવાય આ ત્રણેય વાહન વ્યવહાર કચેરીના નિરીક્ષક ભુજની કચેરીમાં દેખાયા નથી. મતલબ કે લગભગ 17 મહિનાઓથી તેઓ ઘેર બેઠા બેઠા લાખો રૂપિયાનો પગાર ખાઈ રહ્યા છે.
ભુજમાં પોતાની ફરજ દરમિયાન ચર્ચામાં રહેલા તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત અને ત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા મુન્દ્રાના અદાણી પોર્ટમાં આવેલા 184 ઇલેક્ટ્રિકલ ટ્રકને માર્ચ-2023માં માત્ર પાંચ કલાકમાં જ વેરીફાય કરીને પાસ કરી દેવાનો મામલો જે તે સમયે ચર્ચામાં આવ્યો હતો. જેને પગલે સરકારે ઘટનામાં સામેલ ત્રણ RTO ઈન્સ્પેક્ટર ડી.એમ.પંચાલ, અંકિત પટેલ અને વ્યોમ દેસાઈને કોઈપણ પ્રકારની સંવેદનશીલ કામગીરી નહીં આપવાનો ખાતાકીય હુકમ કર્યો હતો. અને તે પછી તો કહેવાતી પ્રામાણિક અને કડક અધિકારી તરીકેની છાપવાળા ઇન્ચાર્જ RTOને પણ રાજ્ય સરકારે માત્ર પાંચ મહિનામાં બદલી નાખ્યા હતા. કારણ કે, વિપુલ ગામિત નામના આ અધિકારીએ ભુજમાં RTOનો ચાર્જ છોડયો તેના આગલે દિવસે જ સ્પેશિયલ ઇન્સ્પેક્શનનો ઓર્ડર કરીને ત્રણ ઈન્સ્પેક્ટરને મુન્દ્રા જઈને અદાણી પોર્ટમાં ઉભેલા 184 ઈમ્પોર્ટેડ ટ્રકની ચકાસણી કરવાનો ખાસ હુકમ કરવામાં હતો. હવે આ ઘટના પછી લગભગ 17 મહિનાનો સમય પસાર થઈ ગયો છે. અને આ ત્રણેય RTO નિરીક્ષકને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી એટલે તેઓ કચેરી ડોકાતા નથી અને 'ઘરે' બેઠા બેઠા લાખો રૂપિયાનો સરકારી પગાર લઇ રહ્યા છે.
ત્રણેય RTO હાલમાં કયાં છે અને શું કરી રહ્યાં છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભુજના ઇન્ચાર્જ RTO અને ઇન્સ્પેક્ટર પ્રદીપ વાઘેલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા. ત્યારબાદ ગાંધીનગર રહેલા વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. CoT IAS આનંદે સમગ્ર મામલે તપાસ કરીને જાણ કરવાનું કહ્યું હતું.
ભુજના ત્રણ RTO ઇન્સ્પેક્ટર દ્વારા માનવામાં ન આવે તેવી ઝડપી રીતે મુન્દ્રાના અદાણી પોર્ટમાં ટ્રકની ચકાસણી કરી હતી. તેમને સરકારે સેન્સિટિવ કામગીરી ન સોંપવાનો હુકમ કર્યો હતો. વેબ ન્યૂઝ દુનિયા દ્વારા આ અંગે એક વિસ્તૃત ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને જોવા અહીં ક્લિક કરો... https://webnewsduniya.com/Bhuj-RTO-BYD-Truck-Passing-Scam-25052023