Off The Record : ભ્રષ્ટાચારને મુદ્દે સરપંચોને શિખામણ પણ મંત્રીને મુદ્દે ચૂપ, IPS વિકાસને ઍક્સટેંશન - વિવેકને નિવૃત્તિ, શાળા પ્રવેશ ઉત્સવના બહાને સચિવાલયના બાબુઓ જલસા કરી આવ્યા, IPSના PA સામે રેપની ફરિયાદ...

મુખ્યપ્રધાનને પણ દાદ ન આપતા હોય તે કલેક્ટર અને DDO જિલ્લામાં લોકોની શું હાલત કરતા હશે ?, સૌથી વધુ ‘પ્રસાદ’ લેવામાં મહિલા IAS ઓફિસર અવ્વલ - રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની ગોસિપ...

Off The Record : ભ્રષ્ટાચારને મુદ્દે સરપંચોને શિખામણ પણ મંત્રીને મુદ્દે ચૂપ, IPS વિકાસને ઍક્સટેંશન - વિવેકને નિવૃત્તિ, શાળા પ્રવેશ ઉત્સવના બહાને સચિવાલયના બાબુઓ જલસા કરી આવ્યા, IPSના PA સામે રેપની ફરિયાદ...

બેવડા માપદંડ, ભ્રષ્ટાચારને મુદ્દે સરપંચોને શિખામણ પણ મંત્રી બચ્ચુ ખાબડને મુદ્દે ચૂપ !

થોડા દિવસ પહેલા જયારે રાજ્યભરમાંથી ચૂંટાયેલા સરપંચોને ગાંધીનગરમાં બોલાવીને રાજ્ય સરકારે ભ્રષ્ટાચારને મુદ્દે સુફિયાણી સલાહ આપી ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો વિડીયો વાયરલ થયો. જેમાં તેઓ સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારને મુદ્દે તેઓ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તેવું ભાષણ આપતા જોવા મળ્યા હતા. દાદાએ વાત તો સારી કરી પણ વિડીયો જોઈને તરત જ મંત્રીમંડળના સભ્ય બચુ ખાબડ યાદ આવી ગયા હતા. કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવા છતાં અને કાયદેસરની કાર્યવાહી થઇ છે છતાં મંત્રીને મામલે ભાજપના કોઈ પણ નેતા કે પ્રવક્તા બોલતા નથી. વિપક્ષ કોંગ્રેસને પણ અચાનક જાણે યાદદાસ્ત પાછી આવી હોય તેમ પ્રેસનોટ ઠપકારી દઈને રાજ્ય સરકારના કાન ખેંચ્યા હતા. સરકારી કાર્યક્રમોમાંથી બાદબાકી કરવાથી લોકો મામલો ભૂલી જશે એમ કદાચ ભાજપ માનતો હશે !

એક બેચ, એક રાજ્ય, IPS વિકાસને ઍક્સટેંશન બીજા IPS વિવેકને નિવૃત્તિ !

ઘણી વખત એક રાશિ વાળા અને ઓલ મોસ્ટ એક જેવું નામ હોય તેવા લોકો સાથે પણ અલગ થતું હોય છે. આવું જ કઈંક ગુજરાત કેડરના બે IPS ઓફિસર સાથે થયું છે. વાત છે ગુજરાતના બે સિનિયર IPS ઓફિસરની, જેમનું વતનનું રાજ્ય પણ એક જ, બિહાર છે. છતાં યોગાનુયોગ કહો કે ગમે તે, 1989ની બેચના એક IPS વિકાસ સહાયને DGPના પદેથી નિવૃત્તિ પછી પણ ઍક્સટેંશન રૂપે સેવા કરવાનો મોકો મળે છે. જયારે કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં રહેલા ગુજરાત કેડરના તેમની જ બેચના સાથી IPS વિવેક શ્રીવાસ્તવને વય મર્યાદાને લીધે નિવૃત્ત થવું પડે છે. ગોધરા કાંડ વખતે કચ્છમાં SP તરીકે ફરજ બજાવતી વેળાએ IPS વિવેક શ્રીવાસ્તવે ત્યારની રાજ્યની નરેન્દ્ર મોદી સરકારને ન ગમે તેવી પરંતુ કડક અને પ્રામાણિક કામગીરી કરી હતી. કચ્છ SP તરીકે વિવેક શ્રીવાસ્તવે તે વખતે ભાજપ સમર્પિત કચ્છ જિલ્લા હોમગાર્ડ અક્ષય ઠક્કરને જેલ ભેગો કરી દીધો હતો. ત્યારબાદ IPS વિવેક શ્રીવાસ્તવની બદલી થઇ જાય છે. ત્યાર પછી તેઓ એકાદ-બે સાઈડ પોસ્ટિંગ ગુજરાતમાં કરે છે. અને ત્યારબાદ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર જતા રહે છે અને ફરી પાછા ગુજરાતમાં આવતા નથી. કેન્દ્ર સરકારમાં સર્વિસનો મોટો કાર્યકાળ તેમણે IBમાં પસાર કર્યા બાદ તેઓ 30મી જૂને રિટાયર્ડ થઇ ગયા છે.

શાળા પ્રવેશ ઉત્સવ, સચિવાલયના બાબુઓ દક્ષિણ ગુજરાતમાં જલસા કરી આવ્યા

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતા શાળા પ્રવેશ ઉત્સવ થકી કેટલો ફાયદો થયો કે નહીં તેની તો ખબર નથી પરંતુ આ સરકારી ઉત્સવમાં નોકરીના ભાગરૂપે ગયેલા અધિકારીઓ જલસા જરૂર કરી આવે છે. તાજેતરમાં સંપન્ન થયેલા પ્રવેશ ઉત્સવમાં સચિવાલય કેડરના કેટલાક ડેપ્યુટી - અંડર સેક્રેટરી લેવલના ઓફિસર્સ  દ્વારા અગાઉની જેમ પોતાની ડ્યુટી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં થાય તેવી ગોઠવણ કરી હતી. જેમાં તેઓ પ્લાનિંગ મુજબ સર્કિટ હાઉસને બદલે થ્રી સ્ટાર હોટેલમાં રોકાયા હતા. હોટેલમાં રાતે રોજ મહેફિલ પણ જામતી હતી. આટલું ઓછું હોય તેમ ગાંધીનગરથી પાછા ફરતી વેળાએ સચિવલયના આ બાબુઓએ પાંચેક લાખની સાડી પણ સુરતથી ખરીદી હતી. જેનું બિલ સ્થાનિક કર્મચારીઓને પકડાવી દેવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, સચિવાલય કેડરના અધિકારીઓ છેલ્લા એકાદ બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવમાં જઈને ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીની બીક બતાવીને જલસા કરી આવે છે. આ અધિકારીઓ રાજ્ય સરકારના મહત્વના કહી શકાય તેવા રેવન્યુ અને હોમ ડિપાર્ટમેન્ટના છે અથવા તો ત્યાં ભૂતકાળમાં કામ કરી ચુક્યા છે.

IPS ઓફિસરના PA સામે દુષ્કર્મની ફરિયાદ 

કોરોના વખતે સાસરિયાથી પરેશાન થયેલી એક યુવતી ન્યાય અને રક્ષણ માટે પોલીસમાં જાય છે. પરંતુ ત્યાં તેને ન્યાય મળવાને બદલે તેનું શારીરિક શોષણ કરવામાં આવે છે. ગુજરાતના એક મોટા જિલ્લામાં ફરજ બજાવતા IPSને મળીને પોતાની સાથે થયેલી તકલીફ અંગે ફરિયાદ કરવા ગયેલી યુવતીને તેમના જ PA દ્વારા ફસાવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની એક અરજીથી ખળભળાટ મચી ગયો છે. પોતે IPSનો ખાસ માણસ છે એમ કહીને PA તરીકે કામ કરી રહેલા આર્મડ હેડ કોન્સ્ટેબલ દ્વારા યુવતીનું શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેને ગોંધી રાખીને IPSના બે નંબરી વહીવટના રૂપિયાને પણ યુવતીના ઘરમાં રાખતો હોવાની વાતે સમગ્ર મામલો કેટલો ગંભીર છે તે સૂચવે છે. જો કે, લાંબા સમયથી અરજી કરવા છતાં IPSના માનીતા હેડ કોન્સ્ટેબલનો હજુ સુધી વાળ પણ વાંકો થયો નથી.

મુખ્યપ્રધાનને પણ દાદ ન આપતા હોય તે કલેક્ટર અને DDO જિલ્લામાં લોકોની શું હાલત કરતા હશે ?

રાજ્ય કક્ષાના સ્વાગત ક્રાયક્રમમાં જે કલેક્ટર કે DDO રાજ્યના મુખ્યપ્રધાનને પણ દાદ ન આપતા હોય તે IAS ઓફિસર જિલ્લામાં લોકોની શું હાલત કરતા હશે તે મુદ્દે ખાસ્સી એવી ચર્ચા થઇ રહી છે. ગાંધીનગરમાં દર મહિને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં ખુદ CM લોકોની સમસ્યાને લઈને અકળાઈ ઉઠે છે. પરંતુ જિલ્લામાં બેઠેલા કલેક્ટર કે DDOઓને તેની સહેજ પણ અસર થતી નથી. CM ભુપેન્દ્રભાઈ અગાઉ પણ લોકોની સમસ્યાને લઈને સ્વાગત કાર્યક્રમમાં ગુસ્સે થઈને આદેશ આપતા જોવા મળ્યા હતા. ત્યારે તેને જોઈને એમ લાગતું હતું કે, હવે પછી કદાચ સરકારી બાબુઓ તૈયારી કરીને આવી વ્યવસ્થિત જવાબ આપશે. પરંતુ થઇ રહ્યું છે તેનાથી ઉલટું. સાવ જુનિયર લેવલના IAS ઓફિસર્સની આવી હિંમત અને બાલિશ હરકત જોઈને એમ પણ થાય છે કે, શું સરકારનો IAS અધિકારીઓ ઉપર કાબુ રહ્યો નથી ?

સૌથી વધુ ‘પ્રસાદ’ લેવામાં મહિલા ઓફિસર અવ્વલ ! 

રાજ્યમાં મહિલા સશક્તિકરણ અભિયાન હેઠળ અન્ય ક્ષેત્રની મહિલાઓને કેટલો લાભ થયો છે એ તો ભગવાન જાણે પરંતુ ગુજરાત કેડરના એક મહિલા IAS ‘પ્રસાદ’ લેવાની બાબતમાં મોખરે રહ્યા છે. સચિવાલયમાં સાઈડ પોસ્ટિંગ કહી શકાય તેવી જગ્યાએ હોવા છતાં આ મહિલા IAS ઓફિસર ગઝબનુ કામ કરી રહ્યા છે. કયાંથી, કેવી રીતે પોઇન્ટ ઉભા કરીને 'કાવડિયા' ઘર ભેગા કરવા તેની જોરદાર કુનેહમાં આ IASમાં ઠાંસી ઠાંસીને ભરી છે. જો કે, હમણાં થોડા દિવસોમાં તેમની સાથે કામ કરતા બે IAS એવું મત્તુ મારતા ગયા છે કે, બહેનને હજુ સુધી કળ વળી નથી.

SMCની પાંચ રેડ વચ્ચે ભુજ LCB કહ્યું, અમારી પોઝિટિવ સ્ટોરી છાપો !

પોલીસ સારું કામ કરે તો મીડિયા દ્વારા તેની ચોક્કસથી નોંધ લેવામાં આવતી હોય છે. અને પોલીસ ભૂલ કરે અથવા કોઈને ન્યાય ન મળે ત્યારે ટીકા પણ થાય છે. પરંતુ હમણાં એક વિચિત્ર કહી શકાય તેવી વાત બહાર આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં DGPના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ટૂંકા ગાળામાં પાંચ મોટા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાનો દારૂ, જુગાર સહિતની બદી બેખોફ ચાલતી હોવાનો ખુદ પોલીસે જ પોલીસનો પર્દાફાશ કર્યો હતો. SMCના દરોડા બાદ ભુજ પોલીસની આબરૂનું, ખાસ કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)નું ધોવાણ થયું હતું. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાને પણ બદલવા પડ્યા હતા. આ બધા ઘટનાક્રમને લીધે પોલીસની શાખ સામે સવાલ થઇ રહ્યં હતા ત્યારે ભુજ LCBએ તેના વોટ્સએપ મીડિયા ગ્રુપમાં એક પ્રેસનોટ મૂકી હતી. જેમાં તેમણે જૂન મહિનાના ત્રીસ દિવસમાં મોટા વીસ કામ કર્યા હતા તેની યાદી આપવામાં આવી હતી. યાદી આપ્યા બાદ એવી રિકવેસ્ટ કરવામાં આવી હતી કે, અમારી પોઝિટિવ સ્ટોરી છાપજો. બીજા દિવસે અખબારોએ યાદી છાપી પણ ખરી. હવે આમાં શું સમજવાનું બોલો ?

નિવૃત્ત IAS જે.પી.ગુપ્તા, કોંગ્રેસના જયરામ રમેશ અને અદાણી ગ્રુપ 

તાજેતરમાં નિવૃત્ત થયેલા મૂળ રાજસ્થાનના, ગુજરાત કેડરના IAS જે.પી.ગુપ્તાની છેલ્લી નોકરી ખાસ્સી એવી ચર્ચામાં આવી છે. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ આમ જોવા જઈએ તો સાઈડ પોસ્ટિંગ કહેવાય. પરંતુ ACS કક્ષાએથી રીટાયાર્ડ થયેલા ગુપ્તા સાહેબે તો ત્યાં પણ તેમની નોકરીના અગાઉના સમયગાળાની જેમ દિલ દઈને કામ કરતા તેઓ ચર્ચામાં આવ્યા છે. અત્યાર સુધી મોટેભાગે સારું પોસ્ટિંગ મેળવનારા IAS ગુપ્તાજીને ગુજરાતની ભાજપ સરકારે જયારે નાણાં વિભાગમાંથી ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં મુક્યા હતા ત્યારે IAS લોબી ઉપરાંત સચિવાલય અને રાજકારણમાં લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. એવું કહેવાય છે કે, અદાણી સમૂહને ગુજરાત સરકાર દ્વારા કરી આપવામાં આવેલી સવલત અંગેની માહિતી કોંગ્રેસના દિલ્હીના બોલકા નેતા જયરામ રમેશ સુધી પહોંચી તેના માટે IAS જે.પી.ગુપ્તા સામે શંકા વ્યકત કરવામાં આવી હતી. અને એટલે તેમને નાણાં વિભાગમાંથી બદલવામાં આવ્યા હતા. પરંતુ આ વાત ત્યારે ખોટી સાબિત થઇ જયારે ગુપ્તાની નિવૃત્તિ ટાણે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તેમની ભૂરી ભૂરી પ્રશંસા કરી. હવે જોઈએ રાજ્યની ભાજપ સરકાર IAS જગદીશ પ્રસાદ ઉર્ફે જેપીને નિવૃત્તિ પછી કેવો શિરપાવ આપે છે.