કચ્છ : વીજલાઇનના 'પાવર' મુદ્દે ભાજપના બે ધારાસભ્ય વચ્ચે ચાલી રહી છે વર્ચસ્વની લડાઈ, જાણો શું છે સમગ્ર મામલો...

ગુજરાત સરકાર પણ લાચાર, ખેંચતાણને પગલે માત્ર એક ટાવરને ઉભો કરવાનો કરવાનો ખર્ચો કરોડોમાં પહોંચ્યો

કચ્છ : વીજલાઇનના 'પાવર' મુદ્દે ભાજપના બે ધારાસભ્ય વચ્ચે ચાલી રહી છે વર્ચસ્વની લડાઈ, જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Bhuj (Kutch) :- ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે કચ્છમાં ભાજપના જ બે ધારાસભ્ય વચ્ચે વર્ચસ્વની લડાઈ પરાકાષ્ઠાએ પહોંચી છે. ભારે વરસાદને કારણે  પશ્ચિમ કચ્છમાં ગ્રીન પાવર કોરિડોરની હાઇવોલ્ટેજ લાઈનનો એક ટાવર પડી ગયો  હતો. જે ઉભો કરીને લાઈનને ફરી ચાલુ કરવાને મામલે એક જ રાજકીય પક્ષ ભાજપમાંથી આવતા કચ્છ જિલ્લાના અબડાસા બેઠકના ધારાસભ્ય અને માંડવીના ધારાસભ્ય વચ્ચે  ટકરાવની સ્થિતિ ઉભી થઈ છે. જેને કારણે આઇનોક્સ ગ્રીન નામની કંપનીને જયાં અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે ત્યાં ગુજરાતમાં રોકાણ કરવા માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો કરતી ભાજપની ગુજરાત સરકાર પણ લાચાર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ભાજપના બે બાહુબલી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલી 'પાવર' ની આ લડાઈની શરૂઆત પવનચક્કીનો પાવર લઇ જતી એક લાઈનને કારણે થઈ છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં કચ્છમાં ભારે વરસાદને પગલે કચ્છના નખત્રણા તાલુકામાં આવેલા નિરોણા ગામની સીમમાં 220 કે.વી. લાઈનનો એક ટાવર પડી ગયો હતો. આ હાઈવોલ્ટેજ લાઈન આઇનોક્સ ગ્રીન નામની કંપની દ્વારા ઉભી કરવામાં આવેલી છે. જે લખપત તાલુકાના જુણાચાય ગામથી ભારત સરકારની કંપની પાવર ગ્રીડ કોર્પોરેશનના નિરોણા પાસે આવેલા પાલનપુર-બાડી ખાતે આવેલા સબ સ્ટેશનમાં જાય છે. ચાલુ લાઈન બંધ થવાને પવનચક્કીથી વીજળી પેદા કરીને આ લાઈન થકી પાવર પહોંચાડતી ટોરેન્ટ, અદાણી અને કન્ટીનિયમ કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. એટલે ગમે તેમ કરીને આ લાઈન ફરીથી ચાલુ થાય તે માટે નિરોણા ગામની સીમમાં પડી ગયેલો ટાવર ઉભો કરવો જરૂરી છે. બસ, અહીંથી જ શરુ થાય છે બે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઈ.  

સૂત્રોનું માનીએ તો, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા દ્વારા આઇનોક્સ ગ્રીન કંપની પાસેથી ટાવર ઉભો કરીને લાઈન ફરીથી ચાલુ કરવાનો કોન્ટ્રાકટ લીધો છે. જેમાં શરૂઆતમાં ત્રણ કરોડની વાત આવી હતી, જે હવે નવ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. બીજી બાજુ આ લાઈન જયાંથી પસાર થાય છે ત્યાં કેટલાક ખેડૂતોને વળતર મળ્યું નથી તેમ કહીને માંડવી બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અડિંગો જમાવી બેઠા છે. જે કથિત ખેડૂતોને વળતર ન મળ્યાનો દાવો વિરેન્દ્રસિંહ કરી રહ્યા છે તે મોટેભાગે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. એટલે સમાજના વ્યક્તિને ન્યાય અપાવવો છે તેમ કહીને વિરેન્દ્રસિંહ જાડેજાના મળતીયાઓ દ્વારા કામ રોકવામાં આવી રહ્યું છે. કંપનીનું કામ પી.એમ.જાડેજાના દીકરા પાસે હોવાને કારણે વાત વર્ચસ્વ ઉપર આવીને અટકી છે. સૂત્રોએ કરેલા દાવા મુજબ, ફસાઈ ગયેલી કંપનીઓ દ્વારા PMO તેમજ ગુજરાત સરકારમાં આ અંગે રજૂઆત પણ કરી છે. જેને પગલે CMOમાંથી પણ MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજાને લાઈન પૂર્વવત કરવા માટે સૂચના પણ આપવામાં આવી ચુકી છે. 

પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં હતા ત્યારે વિરોધ કરતા હતા , હવે ભાજપના રાજમાં કોન્ટ્રાકટ લે છે :- કચ્છની અબડાસા બેઠક ઉપર કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા પ્રદ્યુમ્નસિંહ જાડેજા જે તે વખતે પશ્ચિમ કચ્છમાં પવનચક્કીની કંપનીઓનો વિરોધ કરવા માટે જાણીતા હતા. પરંતુ વટલાઈને ભાજપમાં આવ્યા પછી ફરીથી ધારાસભ્ય બન્યા પછી એ જ પવનચક્કીની કંપનીઓ સામે હોંઠ સીવી લીધા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પાસેથી કરોડો રૂપિયાના કામ રાખી રહ્યા છે.  

ભાજપે ટિકિટ આપતા પહેલા જ નાક દબાવ્યું :- કોંગ્રેસમાંથી વટલાઈને ભાજપમાં આવ્યા હોવાને કારણે પોતાને જ ટિકિટ મળશે તેવું પ્રદ્યુમનસિંહ જાડેજાના ટેકેદારો દાવો કરી રહ્યા છે. બીજી તરફ વિરેન્દ્રસિંહ પણ ટિકિટના દાવેદાર છે. બંનેનો કારોબાર કચ્છમાં બહુ વિસ્તરેલો છે. તેવામાં ભાજપની સરકાર દ્વારા કચ્છમાં ચાલતી અબજો રૂપિયાની ખનીજ ચોરી સહીત ટ્રાન્પોર્ટેશનના ધંધામાં સામેલ તેમના નેતાઓનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સંભવ છે કે, ટિકિટની જાહેરાત થયા પછી જો  કોઈ બળવો કરવાનો પ્રયત્ન કરે તો તેવા સંજોગોમાં તેમની ફાઈલ બતાવીને બેસાડી દેવાય તે માટેની આ કવાયત છે. 

દલિત સમુદાયનો અમુક વર્ગ પણ નારાજ છે બંને ધારાસભ્યથી  થોડા દિવસ પહેલા જ પશ્ચિમ કચ્છમાં એક RTI એક્ટિવિસ્ટ ઉપર કાર ચઢાવીને તેને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. જેમાં એક નરેન્દ્ર બલિયા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટના દીકરાનું મોત થયું હતું. આ ઘટનામાં પ્રદ્યુમનસિંહ જાડેજાના ખાસ વ્યક્તિઓ સામેલ હોવાની ચર્ચા ચાલી હતી. આ સમગ્ર ઘટના બાદ પશ્ચિમ કચ્છમાં દલિત સમુદાયના અમુક લોકોમાં તેમના પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આવું જ કઈંક વિરેન્દ્રસિંહ જાડેજાના કિસ્સામાં પણ છે. પરિણામે જે દલિત સમુદાય આ બંને ધારાસભ્યને તેમના કાર્યક્રમોમાં બોલાવતા હતા, તે હવે તેમને ટાળે છે. જીગ્નેશ મેવાણી સમર્પિત દલિત અધિકાર મંચના નરેશભાઈ મહેશ્વરી અને હિતેષભાઇ મહેશ્વરીના નેજા હેઠળ આ સમગ્ર ઘટનામાં ખાસ્સો એવો વિરોધ કરવામાં આવેલો છે. તેવી જ રીતે અખિલ કચ્છ યુનિટી ઓફ યુવા માતંગ સંઘના પ્રમુખ ખેરાજ માતંગ દ્વારા પણ દલિત સમુદાયને આહ્વાન કરવામાં આવેલું છે. પરિણામે કચ્છ મેઘવંશી મારું વણકર સમાજના સમૂહ લગ્નમાં પણ ભાજપના આ બંને ધારાસભ્યને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.