'શિક્ષક કભી સામાન્ય નહીં હોતા' - અને ભુજમાં નેતાઓએ એવોર્ડ વિજેતા શિક્ષકોને ઘૂંટણીએ પાડ્યા...

શિક્ષક દિવસની ઉજવણીમાં ટીચર્સને નીચે બેસાડી ફોટો પડાવતા ગુરુજનોમાં કચવાટ

'શિક્ષક કભી સામાન્ય નહીં હોતા' - અને ભુજમાં નેતાઓએ એવોર્ડ વિજેતા શિક્ષકોને ઘૂંટણીએ પાડ્યા...

WND Network.Bhuj (Kutch) :-  આચાર્ય ચાણકય અને આપણે ભલે એમ માનતા હોય કે, 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા'. પરંતુ કચ્છના નેતાઓ અને તંત્ર આવું માનતું નથી. કારણ કે, દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન ગુરુજનોને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે કચ્છના પાટનગર ભુજમાં એવોર્ડ વિજેતા શિક્ષકોને ઘૂંટણીએ પાડવામાં આવ્યા હતા. સોમવારે શિક્ષક દિવસ નિમિત્તે સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કચ્છના પ્રખર પ્રતિભા સંપન્ન ગુરુજનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના વીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોને સન્માનિત કર્યા પછી આ ગુરુજનોને નેતાઓ તથા સરકારી અમલદારોની હાજરીમાં ઘૂંટણિયે બેસાડીને ફોટા પડાવવામાં આવ્યા હતા. શિક્ષકોને નીચે બેસાડી તેમની પાછળ વિધાનસભાના અભ્યાસુ અધ્યક્ષ સહીત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉભા રહ્યા હતા. આવા ફોટા સામાન્ય રીતે પોલીસ જયારે કોઈ ગુનેગારોને પકડતી હોય છે ત્યારે આરોપીઓને નીચે બેસાડી પોતે પાછળ ઉભા રહીને પડાવતી હોય છે. પોલીસ પણ આરોપીઓને ઘૂંટણીએ પાડીને બેસાડવાને બદલે સન્માનપૂર્વક પલોઠી વાળીને બેસાડતી હોય છે. તેવામાં એવોર્ડ વિજેતા શિક્ષકોને ઘૂંટણીએ પાડવાની આ હરકતના શિક્ષણ જગતમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે.  

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો.નિમાબેન આચાર્યએ તેમના પ્રેરક ભાષણમાં કહ્યું કે, રાજ્યના ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોમાંથી ચાર શિક્ષકો કચ્છના છે તે પણ ગૌરવની વાત છે. વિકાસ માટે પ્રયત્નશીલ શિક્ષકોના કારણે  બાળકો  આજે આગળ આવ્યા છે. ભણતર સાથે ગણતર અને સંસ્કાર સિંચન શિક્ષકો કરે છે. કોઈ પણ યુગમાં શિક્ષક વંદનીય અને સન્માનનીય જ હોય છે.  પ્રાસંગિક પ્રવચન કરતાં રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે,માતા પછી ગુરુ બાળકના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે, શ્રેષ્ઠ શિક્ષકનું વ્યક્તિત્વ અસાધારણ હોય છે. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ ડૉ. રાધાકૃષ્ણનને યાદ કરતાં શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતું. ભારત અને ભારતના ભાવિના યોગ્ય ઘડતરનું કાર્ય માત્ર શિક્ષક જ કરી શકે તેમ જણાવતાં શિક્ષકોને કર્તવ્યનિષ્ઠા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

આ પ્રકારના પ્રેરક ભાષણો પછી શિક્ષકોને જયારે એવોર્ડ આપવામાં આવ્યા અને ફોટો પડાવવાનો સમય આવ્યો ત્યારે ડો.નિમાબેન આચાર્ય સહિતના નેતાઓ પોતે ભૂલી ગયા હોય તેમ શિક્ષકો ને સન્માનપત્ર સાથે ઘૂંટણીએ બેસાડવામાં આવ્યા ત્યારે પોતે પાછળ ઉભા રહીને ગોઠવાઈ ગયા હતા. તેમની સાથે સરકારી અમલદારો અને જિલ્લા-તાલુકા કક્ષાના જનપ્રતિનિધિઓ પણ ઉભા રહી ગયા હતા. જેને પગલે ભુજના ટાઉનહોલમાં ઉપસ્થિત ગુરુજનો અને તેજસ્વી બાળકો પણ અચંબામાં પડી ગયા હતા. 

શિક્ષકોને જયારે ઘૂંટણીએ બેસાડવામાં આવ્યા ત્યારે આ કાર્યક્રમમાં ભુજ એપીએમસીના ચેરમેન કેશુભાઈ પટેલ, શિક્ષણ સમિતિનાં ચેરમેન જયાબેન ચોપડા, ભુજ તાલુકા પંચાયત મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ કલેકટર પ્રવિણા ડી. કે., અદાણી ફાઉન્ડેશનનાં કિશોરભાઈ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી.પ્રજાપતિ અને ડાયટ પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર, પરેશભાઈ માણેક, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, વિનોદભાઈ પરમાર, એન.એ. મન્સૂરી, વર્ગ-૨ આચાર્ય કમલેશભાઈ મોતા, એઈઆઈ. દિપીકાબેન પંડ્યા, જયેશભાઈ સથવારા, મેનાબેન મોઢા, કમલેશભાઈ સીજુ, બેલાબેન મહેતા, બિપીનભાઈ નાગુ, જીલ્લાની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સમાજના વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, મૂરજીભાઈ મીંઢાણી, નયનભાઈ વાંજા, રામસંગજી જાડેજા અને કચેરીનો વહીવટી સ્ટાફ તેમજ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષકોને ખુરસીમાં બેસાડી નેતાઓ પાછળ ઉભા રહી શક્યા હોત :- ઘણા બધા લોકો જયારે ફોટો સેશનમાં હતા ત્યારે સીટિંગ અરેન્જમેન્ટમાં સામાન્ય બુદ્ધિનો પ્રયોગ કરીને નેતાઓ અને તંત્ર શિક્ષકોનું સન્માન જાળવી શકતા હતા. શિક્ષકોને ઘૂંટણીએ બેસાડવાને બદલે તેમના માટે પ્રથમ હરોળમાં ખુરસીઓ ગોઠવી તેમને તેમાં બેસાડીને પોતે પાછળ ઉભા રહી શકતા હતા. પરંતુ આવું તેમને સૂઝ્યું નહીં.