'બાંહેધરી ન આપે તેવા પોલીસ કર્મચારીઓને રજા ન આપતા' - નવા આદેશથી પોલીસનો ગ્રેડ પે નો વિવાદ વધુ વકર્યો...
SRPના સેનાપતિએ કરેલો હુકમ વાયરલ થતા દબાણ કરવામાં આવ્યાની ચર્ચા
WND Network.Gandhinagar :- ગુજરાત પોલીસના ગ્રેડ પે ને બદલે 'જાહેર સુરક્ષા પ્રોત્સાહન'ના નામે જાહેર કરેલી સ્કીમનો વિવાદ વધુ વેગ પકડી રહ્યો છે. તેમાં ખાસ કરીને, પોલીસ કર્મચારીઓ પાસેથી એફિડેવિટ માંગવાનો મામલો ગરમાઈ રહ્યો છે. તેવામાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા એસઆરપીનાં સેનાપતિએ કરેલો હુકમ ભડકો કરે તેવો છે. જેમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, જે કર્મચારીઓ બાંહેધરી ન આપે તેમને રજા ઉપર ન છોડવા. માત્ર એટલું જ નહીં આ આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તેમને સીક મેમો પણ આપવામાં ન આવે. સાબરકાંઠાના મુટેડીમાં આવેલા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 6નાં કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા આ પ્રકારનો લેખિત હુકમ કરવામાં આવ્યો છે.
SRP ગ્રુપના ઇન્ચાર્જ સેનાપતિના નામે કરવામાં આવેલો આદેશ સોમવારે સાંજે ઈશ્યુ કરવામાં આવ્યો છે. જેમાં કંપની કમાન્ડરને બાંહેધરી ન આપતા કર્મચારીઓને રજા ન આપવાનો સ્પષ્ટ હુકમ કરાયો છે. અને સીક મેમો આપીને રજા લઇ જતા પોલીસ કર્મચારીઓને પણ નિયંત્રણ કરવાની વાત કરવામાં આવી છે. તાજેતરમાં જ IPS અધિકારીઓ દવારા પોલીસ કર્મચારીઓ ઉપર એફિડેવિટ ઉપર સહી કરવાની વાતે ખાસ્સો એવો વિવાદ થયો છે તેવામાં SRPના સેનાપતિનો આવા હુકમથી પોલીસ દળમાં નારાજગી જોવા મળી રહી છે. આ વાત પોલીસ કર્મચારીઓના વોટ્સએપ સ્ટેટસ ઉપરથી જાણી શકાય છે. અત્યાર સુધીમાં પચાસ ટકાથી ઓછા પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારના એફિડેવિટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
કચ્છમાં નેવું ટકા પોલીસે સહી કરી નથી :- એફિડેવિટના મામલે પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સૌથી વધુ સહી ન કરનારાઓમાં કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં નેવું ટકા પોલીસ કર્મચારીએ એફિડેવિટ ઉપર સહી ન કરીને રીતસરનો વિરોધ કર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ દ્વારા સોસીયલ મીડિયામાં સ્ટેટસ મૂકીને વિરોધ કરવાની વાત બહાર આવતા સરકારે તેની ઉપર નિયંત્રણ કરવાનો પણ હુકમ કર્યો છે. માત્ર પોલીસ કર્મચારીઓ જ નહીં પરંતુ તેમના સગાઓ પણ સોસીયલ મીડિયામાં ચર્ચા ન કરી શકે તેવા હુકમથી પોલીસ કર્મચારીઓ ખાસ્સા નારાજ છે.
'ત્રણ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી લો' :- વડોદરા પોલીસ દ્વારા તો પોલીસ કર્મચારીઓ પાસેથી ત્રણ સો રૂપિયાના સેટ્મ્પ પેપર એફિડેવિટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ડીસીપી મુનિયા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા ઓર્ડરમાં ગૃહ વિભાગના તેમજ ડીજીપીના ઓર્ડરનો હવાલો આપીને આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે. જેનો અર્થ એવો થાય છે કે, ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓએ ત્રણ સો રૂપિયાનું એફિડેવિટ કરીને આપવું પડશે.
Web News Duniya