પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સને લક્કી ગામનાં ઉમર જતે કચ્છના દરિયા કાંઠે રીસીવ કરેલું, જાણો શું છે પાક ટુ પંજાબ વાયા કચ્છની નાપાક સફર...

ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી માટે કામ કરતા ડબલ ક્રોસ કર્યાની પણ ચર્ચા

પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સને લક્કી ગામનાં ઉમર જતે કચ્છના દરિયા કાંઠે રીસીવ કરેલું, જાણો શું છે પાક ટુ પંજાબ વાયા કચ્છની નાપાક સફર...

Jayesh Shah (WND Network.Kutch) :- તાજેતરમાં પંજાબ પોલીસે 190 કરોડની કિંમતનો 38 કિલો ડ્રગનો જે જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમાં કચ્છ જિલ્લાના લક્કી ગામના બે સખ્શને ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ (એન્ટી ટેરરિસ્ટ સ્કોડ - ATS) પકડવામાં આવ્યા છે. કચ્છ સ્થિત એક ઇન્ટલિજન્સ એજન્સીના સિનિયર ઓફિસરના જણાવ્યા મુજબ, એટીએસ દ્વારા કચ્છના લખપત તાલુકાના બુધા બંદર પાસે આવેલા લક્કી ગામમાંથી જે બે વ્યક્તિને પકડવામાં આવ્યા છે તેમાં ઉમર ખમીસા જત નામના વ્યક્તિએ જ પાકિસાનથી આવેલા હેરોઇનના જથ્થાને કચ્છના દરિયા કાંઠે રીસીવ કર્યું હતું. અને તેને આ કામમાં હમદા હારુન નામના વ્યક્તિએ મદદ કરી હતી. ત્યારબાદ તેમણે હેરોઇનને પંજાબ જતી ટ્રકમાં ચઢાવી દીધું હતું. અને એ ટ્રક પછી પંજાબ પોલીસે લુધિયાણામાં ઝડપી લીધી હતી. ગુજરાત ATS દ્વારા આ બે શખ્શ ઉપરાંત એક ત્રીજા વ્યક્તિને પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેના મોબાઈલથી ઉંમરે પંજાબના જેને માલ પહોંચાડવાનો હતો તેની સાથે વાત કરી હતી. જો કે એટીએસ દ્વારા આ ત્રીજા વ્યક્તિ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી સૂત્રોનું માનવું છે કે, આ ત્રીજા વ્યક્તિની ભૂમિકા મોબાઈલ આપવા પૂરતી હતી. 

પંજાબ પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડ્યા પછી ઝડપાયેલા ટ્રકના ડ્રાઈવર અને અન્ય શખ્સની પૂછપરછ કરવામાં આવતા આ માલ કચ્છમાંથી લવાયો હોવાનું ખુલ્યું હતું. એટલે તરત જ પંજાબ પોલીસે ગુજરાત ATSને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેને પગલે ગયા રવિવારની રાતે જ પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ને સાથે રાખીને ATSની ટીમ દ્વારા લક્કી ગામના ઉમરને ઉઠાવી લેવામાં આવ્યો હતો. ઉંમરે પૂછપરછમાં આ માલ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ગુલ મોહમ્મદ દ્વારા દરિયાઈ રસ્તે કચ્છમાં મોકલ્યો હોવાની કબૂલાત કરી લીધી હતી. ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોનું માનીએ તો, પાકિસ્તાનથી આ માલ બુધા બંદર પાસેના કિનારે ઉતારવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હમદા હારુન જતની મદદથી તેને પંજાબ જતી ટ્રકમાં લુધિયાણા મોકલવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી માલ નીકળ્યો ત્યારથી માંડીને પંજાબ લુધિયાણા પહોંચ્યો ત્યાં સુધીની વાતચીત માટે ઉંમરે લક્કી ગામના એક વ્યક્તિનો મોબાઈલ વાપર્યો હતો. પંજાબ પોલીસને આ મોબાઈલ નંબર ચાલક પાસથી મળ્યો હતો. અને પછી પગેરું કચ્છ સુધી મળ્યું હતું. 

ઇન્ટેલિજન્સ એજન્સીના સોર્સે ડબલ ક્રોસ કર્યાની ચર્ચા :- જે રીતે પાકિસ્તાનથી કચ્છ હેરોઇનનો જથ્થો લાવવામાં આવ્યો તેને જોતા કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા તેને સેફ પેસેજ પૂરો પાડવામાં આવ્યાની ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો સેવી રહ્યા છે. ઉમર અને  હમદા બંને લખપત તાલુકાના છેવાડાના ગામ લક્કીમાં રહે છે. જે બુધા બંદર નામની જગ્યા પાસે આવેલું ગામ છે. બુધા બંદરેBSFની પોસ્ટ આવેલી છે. સરહદી જિલ્લા કચ્છમાં જુદી જુદી ઇન્ટેલ એજન્સીઓ કામ કરતી હોય છે. જેમાં ક્રોસ કન્ટ્રી ઇન્ટેલનું કામ મિલિટરી, નેવલ અને એરફોર્સ ઇન્ટેલ એજન્સી ઉપરાંત BSFની 'જી' બ્રાન્ચ, રૉ (R&AW) , અને કસ્ટમ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) સહીત 19 જેટલી એજન્સી કામ કરતી હોય છે. એટલે આમાંથી કોઈ એજન્સી માટે ઉમર કામ કરતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. આ સિવાય જયારે ATS દ્વારા આ બંનેને જયારે પકડવામાં આવ્યા ત્યારે તેમના ઘરમાંથી એક મોબાઈલ અને 50 હજાર કેશ મળ્યા છે. અગાઉ વર્ષ 2019માં સૌ પ્રથમ વખત માદક પદાર્થની ખેપ પકડાઈ હતી ત્યારે પણ માંડવી સલાયા ગામનાનો ઝડપાયેલો શખ્શ કોઈ ભારતીય એજન્સી માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.