કચ્છનાં તમામ છ ધારાસભ્ય વિધાનસભામાં એકનો એક પ્રશ્ન બે થી ત્રણ વખત પૂછે છે...
કચ્છની પાયાની મૂળ સમસ્યાઓને બદલે ભુજમાં મળી જાય તેવા પ્રશ્નોનાં જવાબ વિધાનસભામાં માંગે છે
WND Network.Gandhinagar : હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો પોતાના વિસ્તાર અને લોકોને નડતી સમસ્યા અંગે પ્રશ્નો કરે છે. પરંતુ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છના તમામ છ ધારાસભ્ય કચ્છની સમસ્યા કે પ્રાણ પ્રશ્નને બદલે સાવ સામાન્ય કહી શકાય અને જિલ્લા લેવલે ભુજમાં સંકલન સમિતિમાં મળી જાય તેવા પ્રશ્નો પૂછી રહ્યા છે. અને હદ તો ત્યારે થઈ હતી જયારે એક જ દિવસે એક જ પ્રશ્નને બે થી ત્રણ ધારાસભ્ય રીપીટ કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં કચ્છના આ તમામ ધારાસભ્યે એક પણ શબ્દ કે વાક્ય બદલ્યા વિના તારાંકિત પ્રશ્ન પૂછતા રહ્યા હતા. બીજી બાજુ કચ્છ બહારના કોંગ્રેસના યુવા નેતા જીજ્ઞેશ મેવાણીએ કચ્છમાં થઈ રહેલી ખનિજ ચોરી અંગે પ્રશ્ન ઉઠાવતા વિધાનસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરી રહેલા ભાજપની ટીકીટ ઉપર ચુંટાઈ આવેલા તમામ છ ધારાસભ્ય ચર્ચાનો વિષય બન્યા છે.
આમ તો ગુજરાત વિધાનસભામાં લાંબા સમયથી કચ્છમાંથી ભાજપની ટિકિટ ઉપર જીતેલા ધારાસભ્ય સાવ સામાન્ય કહી શકાય તેવા પ્રશ્નો પૂછતા આવ્યા છે. પરંતુ આ વખતે પ્રશ્નો રિપિટ થવાને પગલે મામલો ખુદ ભાજપના લોકોમાં ટોકિંગ પોઇન્ટ બન્યો છે. કચ્છ ભાજપના કાર્યકરો અને નેતાઓ સોશિયલ મીડિયામાં કચ્છનાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલ બિબાઢાલ પ્રશ્નો અંગે ટીકા કરી રહ્યા છે.
કુંવરબાઈના મામેરાનો એક પ્રશ્ન ત્રણ ધારાસભ્યે પૂછ્યો :- ગુજરાત સરકારની કુંવરબાઈના મામેરા યોજના હેઠળ કચ્છમાંથી કેટલી અરજીઓ આવી છે. અને તેમાંથી કેટલી અરજીઓ મંજૂર થઈ છે તથા કેટલી સહાય ચૂકવવામાં આવી છે. આ પ્રશ્ન કચ્છનાં ત્રણ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીએ પૂછ્યો હતો. તેઓ ધારે તો આ પ્રશ્ન ભુજમાં આવેલી સમાજકલ્યાણ કચેરી કે કલેકટર ઓફિસમાંથી પણ મેળવી શકે.
કંઇક આવી જ રીતે જે પ્રશ્નનો જવાબ ભુજની DEO ઓફિસમાંથી જવાબ મળી શકે તેવો 'કચ્છમાં ગ્રાન્ટેડ શાળા વર્ગ વધારવાની અરજી' અંગેનો પ્રશ્ન વર્ષો સુધી ટીચર તરીકે નોકરી કરી ચૂકેલા અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા કર્યો હતો. આ જ પ્રશ્ન માંડવીનાં MLA અનિરુદ્ધભાઈ દવેએ પણ કર્યો હતો. આવી જ રીતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ જળ સંગ્રહ માટે કેટલા કામો થયા છે તેવો પ્રશ્ન ગાંધીધામના MLA માલતીબેન મહેશ્વરી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કર્યો હતો. ટિસ્યુ કલ્ચર ખારેક વાવેતર માટે શું પ્રોત્સાહન આપવામાં આવે છે અને કેટલા લોકોએ તેનો લાભ લીધો તેવો પ્રશ્ન બે ધારાસભ્ય અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા અને અંજારના ત્રિકમ છાંગાએ ઉઠાવ્યો હતો. MSME યોજના માટે કેટલી અરજી આવી તેવો પ્રશ્ન એકપણ શબ્દ કે વાક્ય બદલ્યા વિના પ્રદ્યુમનસિંહ જાડેજા અને ત્રિકમ છાંગાએ કર્યો હતો. ખેડૂત અકસ્માત વિમા યોજના માટે કેટલા ખેડૂતોએ અરજી કરી તેવો પ્રશ્ન પણ બે MLA કેશુભાઈ પટેલ અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો.
કોપી - પેસ્ટ કહી શકાય તેવા ઉપરોક્ત પ્રશ્ન પહેલી માર્ચથી ત્રણ માર્ચ દરમિયાન વિધાનસભામાં કચ્છના જન પ્રતિનિધિઓએ કર્યા છે. વિધાનસભામાં કેવો પ્રશ્ન પૂછવો એ ધારાસભ્યનો અબાધિત અધિકાર છે. પરંતુ કચ્છને સ્પર્શતા પ્રશ્નો જેવા કે, પાણીની સમસ્યા, નર્મદા યોજના કયાં પહોંચી, કચ્છને જોડતા માર્ગ, ટ્રેન, હવાઈ માર્ગની સુવિધા, ઉધોગોને નડતી સમસ્યાઓ વગેરે ઉપર પણ જો પ્રશ્ન ઉઠાવવામાં આવે તો તેઓ સાચા અર્થમાં કચ્છી માડુંઓના પ્રતિનિધિ કહેવાશે. અન્યથા તેઓ ભાજપ પાર્ટીના પ્રતિનિધિ હોય તેવું લાગશે.