શાળા પ્રવેશોત્સવ આવો હોય ? : PGVCLએ કચ્છની શાળાનું ખરાબ વીજ મીટર કાઢ્યું, નવા માટે અરજી કરી તો કહ્યું , હવે બીજી કચેરીએ જાવ
નવ મહિનાથી વીજળીનું કનેકશન નથી, ૧ થી ૯ ધોરણના 130થી વધુ છાત્રનું ભવિષ્ય અંધારામાં...
WND Network.Kutch :ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને IAS-IPSનો વિશાળ કાફલો ત્રણ દિવસ ગામે ગામ ફરીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવવા માટે કાર્યક્રમો કરશે. આવા ફુલગુલાબી પ્રવેશોત્સવના ભ્રામક ચિત્ર વચ્ચે કચ્છમાં આવેલી જિલ્લા પંચાયત હસ્તકની એક શાળાનો અજીબ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ખરાબ વીજ મીટર કાઢી ગયા પછી નવા મીટર માટે અરજી કરવામાં આવી તો ટિપિકલ સરકારી જવાબ મળ્યો કે, 'તમારી શાળા અમારી ઓફિસના કાર્યક્ષેત્રમાં આવતી નથી'. જેને કારણે કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી કંડલા યુનાઇટેડ સોલ્ટ શાળાના ધોરણ 1 થી 9માં અભ્યાસ કરતા 139 વિદ્યાર્થી ગરમીમાં શિક્ષણ મેળવી રહ્યા છે. કલેક્ટરથી માંડીને પીજીવીસીએલ સાઈટ જિલ્લાના શિક્ષણ વિભાગમાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ શાળામાં વીજળીનું જોડાણ આપવામાં આવ્યું નથી.
'શિક્ષણને સમર્પિત 20 વર્ષ વધાવીએ, શાળા પ્રવેશોત્સવને ઉત્સાહથી ઉજવીએ' સ્લોગન સાથે આજે સવારના અખબારોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ફોટાવાળી જાહેરાતો જોઈને એમ જ લાગે કે રાજ્યમાં શિક્ષણનું આગવું સ્થાન છે. પરંતુ કંડલામાં આવેલી શાળાની આવી સ્થિતિ જોઈને ફીલ ગુડની ફીલિંગ ગાયબ થઈ જાય છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ગયા વર્ષથી તમામ સ્તરે રજૂઆતો કરવા છતાં શાળામાં વીજળીનું મીટર નાખવાનું તો ઠીક, સ્કૂલ પાસે પડેલો વીજળીનો વાયર પણ દૂર કરવામાં આવતો નથી. PGVCLમાં ચાર ચાર વખત રજૂઆતો કરવા છતાં સમસ્યા દૂર ન થતા શિક્ષણ વિભાગ સહીત વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે.
ને અહીં પ્રવેશને બદલે બાળકો શાળા છોડશે
કચ્છના નખત્રણા તાલુકામાં આવેલા પાનેલી ગામમાં વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. શિક્ષકોને ઘટને લીધે અહીંના લોકો તેમના બાળકોને સ્કૂલમાં મુકવાને બદલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવશે. એક સપ્તાહથી ગામના બાળકો શાળાએ જતા નથી છતાં પ્રવેશોત્સવની તડામાર તૈયારી કરી રહેલા કચ્છના વહીવટી તંત્રને તેનાથી કોઈ જ ફરક પડતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભલે કચ્છથી વિશેષ પ્રેમ હોવાનો જાહેરમાં એકરાર કરે પરંતુ હકીકત એ છે કે, કચ્છના બાબુઓ તેમની આ લાગણીને સમજતા નથી, માન નથી આપતા.