કચ્છ : કુનરીયાની કરોડોની ખનીજ ચોરીમાં પોલીસ-માઇનિંગ વિભાગની સંતાકૂકડી, જાણો કયા મહિલા MLAનું મળી રહ્યું છે રક્ષણ...

ડ્રોનથી થયેલા ખાસ ઓપરેશનમાં સરકારી જમીનમાંથી પકડવામાં આવી હતી ચોરી

કચ્છ : કુનરીયાની કરોડોની ખનીજ ચોરીમાં પોલીસ-માઇનિંગ વિભાગની સંતાકૂકડી, જાણો કયા મહિલા MLAનું મળી રહ્યું છે રક્ષણ...

WND Network.Bhuj (Kutch) : સ્ટેટ લેવલે ડ્રોનથી હાથ ધરવામાં આવેલા એક સ્પેશ્યલ ઓપરેશનમાં કચ્છના ભુજ તાલુકામાં આવેલા કુનરીયા ગામેથી 26મી મે,2022ના રોજ કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડવામાં આવી હતી. જેમાં કુનરીયા ગામના પૂર્વ સરપંચ અને હાલના ઉપ સરપંચ સુરેશ ગોપાલ છાંગા સહીત તેમના ભાઈ અરૂણની સંડોવણી બહાર આવી હતી. કચ્છના માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. છતાં પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર મામલામાં સરકારના આ બંને વિભાગ દ્વારા ખનીજ ચોરીની ફરિયાદ આગળ ન વધે તેવું તેમનું વલણ  પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. જેની પાછળ કચ્છના એક મહિલા ધારાસભ્યનો દોરી સંચાર હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. કરોડો રૂપિયાની ખનીજ ચોરીને રક્ષણ આપવા પાછળ કચ્છના એક મહિલા ધારાસભ્યનું રક્ષણ હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. અને એટલે જ એક મહિના જેટલો સમય થવા છતાં આ મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ નથી કરી રહી. 

ખાસ કિસ્સામાં ડ્રોનથી હાથ ધરવામાં આવેલા એક સ્પેશ્યલ ઓપરેશનમાં માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કુનરિયામાંથી આશરે 1.66 કરોડથી વધુની ચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ કુનરિયા ગામના પૂર્વ સરપંચ અને હાલમાં ઉપ સરપંચ એવા સુરેશ ગોપાલ છાંગા તથા તેમના સગા ભાઈ અરુણ ગોપાલ છાંગાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ભુજની ખાણ ખનીજ વિભાગની કચેરીએ તારીખ 07/09/2022ના રોજ પોલીસને આ મામલામાં કાયદેસરની ફરિયાદ કરવા માટે રજીસ્ટર્ડ લેટર મોકલ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના માધાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.જી.પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે માઇનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ વ્યક્તિ ન આવે ત્યાં સુધી ફરિયાદ ન થાય તેમ જણાવ્યું હતું. બીજી બાજુ ખાણ-ખનીજ વિભાગના ભુજ કચેરીના ઇન્સ્પેક્ટર ભાવિક જોશીએ કહ્યું કે, તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા. અને જરૂર પડે ફરી વખત પોલીસ સ્ટેશન જવા તૈયાર છે. સૂત્રોનું માની એ તો, સરકારના આ બંને વિભાગની ઢીલી અને સંતાકૂકડીની રમત પાછળ કચ્છના એક મહિલા ધારાસભ્ય જવાબદાર છે. તેમના ઈશારે જ હજુ સુધી આ કરોડની ચોરીમાં કોઈ નક્કર કાર્યવાહી કરતા સરકારી કર્મચારીઓ આંખ આડા કાન કરે છે.  

મને કોઈ નોટિસ મળી નથી :- સરકારી જમીનમાંથી ખનીજ ચોરીના મામલામાં મને હજુ સુધી કોઈ શો-કોઝ નોટિસ ન મળી હોવાનું સુરેશભાઈ છાંગાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આ મામલો તેમના ભાઈ અરૂણની કાયદેસરની લીઝ અંગેનો છે. 

લીઝવાળી જમીનમાં પણ કોર્ટમાં ફરિયાદ થઈ છે :- કુનરિયામાં લાંબા સમયથી ખનીજ ચોરી ચાલી રહી છે. જેમાં એક પ્રકરણમાં માઇનિંગ વિભાગે સુરેશભાઈના સગા ભાઈ અરુણ છાંગાના નામે લેવામાં આવેલી કાયદેસરની લીઝવાળી જમીનથી બહાર ખનીજ ચોરવાની ફરિયાદ ભુજ કોર્ટમાં કરી છે. 

ગ્રામિણ વિકાશ ક્ષેત્રે બહુ પ્રચલિત નામ છે સુરેશ છાંગાનું :- જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ કુનરિયાના ઉપ-સરપંચ સુરેશભાઈ છાંગાની પણ જાહેર જીવનમાં બે બાજુ જોવા મળી રહી છે. એક તરફ જયાં ગ્રામિણ વિકાસની વાત આવે ત્યારે મીડિયામાં તેઓ સતત ચમકતા રહે છે. નેશનલ લેવલના ન્યૂઝ પેપર 'દિવ્ય ભાસ્કર' દ્વારા તો તેમને વિવિધ ક્ષેત્રમાંથી કચ્છને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન આપનારા લીજેન્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેમનું ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષના મુખ્ય અતિથિવાળા એક ફંકશનમાં પહેલી ઓકટોબર રોજ સન્માન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. બીજી તરફ ખનીજ ચોરી હોય કે IPS દ્વારા દારૂની રેડમાં પકડવામાં આવેલી તેમની કાર હોય, તેમાં પણ કયાંક ને કયાંક તેમનું નામ આવે છે. થોડા સમય પહેલા મસૂરી ખાતે આવેલી IAS અધિકારીઓને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એકેડેમી દ્વારા તેમને લેક્ચર આપવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ખનીજ ચોરી સહિતની ઘટનાઓમાં તેમના નામની ચર્ચાની વાત મસૂરી સુધી પહોંચતા અંતિમ ઘડીએ તેમનું લેક્ચર કેન્સલ કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ તેઓ ભારત સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા પરિષદ નામની સંસ્થા ઉપરાંત ગણપત યુનિવર્સીટીમાં લેકચર આપવા ગયા હતા. 

PM મોદી સહિતના સરકારી કાર્યક્રમ પણ કુનરિયામાં જ થાય છે :- લોકો ભલે કુનરીયા ગામ તેમજ તેના ઉપ-સરપંચ સુરેશભાઈ છાંગા વિષે ગમે તે કહે પરંતુ કચ્છનું વહીવટી તંત્ર અને ભાજપ તેમને પવિત્ર માને છે. અને કદાચ એટલે જ જયારે પણ કોઈ રાષ્ટ્રીય કે સ્ટેટ લેવલનું ફંકશન હોય ત્યારે તેમની અને તેમના ગામ ઉપર જ પસંદગી કરવામાં આવે છે. જોકે તેની પાછળ મહિલા ધારાસભ્યની ભૂમિકા સ્પષ્ટ દેખાતી હોય છે. છેલ્લે જયારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી આવાસ યોજનાનું કચ્છમાં લોકાર્પણ કર્યું ત્યારે પણ કાર્યક્રમ કુનરિયામાં જ સેટ કરવામાં આવ્યો હતો. મોદી સાહેબને નજીકથી ઓળખનારા લોકો માને છે કે, તેઓ વિવાદિત લોકો કે વાતથી દૂર રહે છે. પરંતુ આ મામલામાં PMOને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોય તેવો દાવો ખુદ ભાજપના લોકો કરી રહ્યા છે.