કચ્છ : 'હમારી ભૂલ, કમલ કા ફુલ' તૂટેલા રસ્તાઓ ઉપર ઉગ્યા કમળનાં કાગળના ફુલ , કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ...
ભુજ શહેરમાં વરસાદને લીધે પડેલા ખાડાઓમાં વિરોધ દર્શાવતા પ્લેકાર્ડ ખોડી સૂત્રોચ્ચાર કર્યા

WND Network.Bhuj (Kutch) : વરસાદને લીધે સમગ્ર રાજ્યમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોમાં વર્ષોથી સત્તામાં રહેલા ભાજપ સામે ભયંકર આક્રોશ છે. તેવામાં લોકોના આ આક્રોશને એન્કેશ કરવા માટે વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે કચ્છમાં ભુજ ખાતે વિરોધનો અનોખો કાર્યક્રમ કર્યો હતો. 'હમારી ભૂલ, કમલ કા ફુલ' સૂત્રો લખેલા પ્લે કાર્ડ તૂટેલા રસ્તાઓ ઉપર ગોઠવીને સૂત્રોચ્ચાર કર્યા કર્યા હતા. તૂટેલા રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહેલા લોકોને પણ જાણે કે, લાગણીને વાચા મળી હોય તેમ મલકાતા ચહેરે પસાર થતા જોવા મળ્યા હતા.
ભુજમાં 37 વર્ષથી નગરપાલિકામાં ભાજપની સત્તા:- કોંગ્રેસની પ્રેસનોટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ભુજ નગરપાલિકાના જાહેર બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓની કામગીરી અને ગુણવત્તા એટલી હદે ખરાબ હોય છે કે રસ્તા બન્યા બાદ થોડા સમય બાદ જ ધોવાણ થઈ જાય છે. ત્યારબાદ ફરીથી પેચવર્કના નામે બીલો બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.આ પ્રકારની સિસ્ટમ ભુજમાં છેલ્લા લાંબા સમયથી ચાલુ છે. ભુજમાં છેલ્લા 37 વર્ષથી નગરપાલિકામાં સત્તામાં રહેલા ભાજપ દ્વારા શહેરમાં વિકાસના બદલે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરી અને પોતાના કાર્યકરોને કોન્ટ્રાક્ટ આપી મોટાપાયે ખાયકી કરી ભુજને ખાડાનગરીમાં ફેરવી નાખ્યું છે.
છેલ્લા થોડા દિવસોથી પડેલા વરસાદમાં ભુજ શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે ત્યારે આળસુ તંત્રને જગાડવા માટે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીની આગેવાની હેઠળ ભુજ શહેરમાં પડેલા ખાડાઓમાં વિરોધ દર્શાવતા પ્લેકાર્ડ ખોડી ત્યાં ઉભા રહી સૂત્રોચાર કરવામાં આવ્યો હતો. દિપક ડાંગર થકી આપવામાં આવેલી પ્રેસ નોટમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 'માત્ર થોડા જ વરસાદમાં ભુજ શહેરના રસ્તાઓએ ભાજપના વિકાસની પોલ ખોલી નાખી છે'. તેમના દ્વારા એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, માત્ર થોડાજ વરસાદથી ભુજમાં નવા બનેલા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અમુક જગ્યાએ જોખમી ખાડાઓ પડી ગયા છે. જે તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો ક્યાંક મોટી જાનહાની સર્જાશે.
શહેરના જુદા જુદા 15 જેટલા વિસ્તારો હોટલ પ્રિન્સ રેસીડેન્સી પાસે, સ્ટેશન રોડ હોસ્પિટલ રોડ,જ્યુબિલી સર્કલ, સંસ્કારનગર, તાલુકા પંચાયત પાસે,કોલેજ રોડ,ન્યુ સ્ટેશન રોડ, ઘનશ્યામ નગર વી. વિસ્તારમાં પ્લેકાર્ડ ખોડી પર સૂત્રોચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના આ અનોખા કાર્યક્રમમાં ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, અમિષ મહેતા, પુષ્પાબેન સોલંકી, હેમાંગ જોશી, મુસ્તાક હિંગોરજા,ધીરજ રૂપાણી, અકીલ મેમણ, ખેતુભા જાડેજા,મહેન્દ્ર પ્રતાપસિંહ ઝાલા, સીમાબેન રાજપૂત, વિશાલ ગઢવી, હિંમતસિંહ જાડેજા,વસીમ સમા, ફકીરમામદ કુંભાર, યોગેશ પોકાર વગેરે કોંગ્રેસી કાર્યકરો જોડાયા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઈ કુંભારે જણાવ્યું હતું.