In Side story of Kutch Betel Scam : સોપારી કાંડમાં થયેલી ACBની ફરિયાદના આરોપી પંકિલને પોલીસે દિલ્હીથી ઉઠાવ્યો? જાણો શું છે સિનિયર IPSને બચાવવાની પોલીસની આખી રમત...
ચાર પોલીસ કર્મચારી અને પૂર્વ IPSના સગાને ઝડપી લેવાને બદલે પંકિલને પહેલા ઝડપી લેવામાં પોલીસને વધુ રસ કેમ છે ?
WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ બેડા સહીત IPS લોબીમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાના તોડકાંડમાં અવનવા ખુલાસા થઇ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો સમગ્ર પ્રકરણમાં જેમની ભૂમિકા છે તેવા ગુજરાત કેડરના એક સિનિયર IPS ઓફિસરને 3.75 કરોડ રૂપિયાના તોડકાંડમાંથી હેમખેમ બહાર કાઢવા માટે ACBના કાયદાનો ઉપયોગ કરીને ફરિયાદ થઇ હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ થઇ રહ્યો છે. બીજી બાજુ મુન્દ્રા પોલીસ સ્ટૅશનમાં દાખલ થયેલી ACBની ફરિયાદમાં પોલીસને છ આરોપી પૈકી ચાર પોલીસ કર્મચારી અને એક પૂર્વ IPS સગાને ઝડપી લેવાને બદલે બદલે અન્ય એક આરોપી પંકિલ મોતામાં જાણે કે વધુ રસ હોય તેમ તેને દિલ્હીની એક હોટેલમાંથી શનિવાર રાતે ઉઠાવી લીધો છે. અને રવિવાર સવારે તેને વિમાનમાં અમદાવાદ લાવવામાં આવશે તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે. અલબત્ત પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અને જયારે આ કેસની તપાસ કરનારા ડેપ્યુટી એસપી એસ.એમ.વારોતરિયાનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ 'નો-રીપ્લાય' થયા હતા.
પ્રારંભથી જ જેમાં કોઈ મોટી ગરબડ હોવાની ચર્ચાઓ થઇ રહી છે તેવા આ સોપારી કાંડમાં દુબઈથી વાયરલ થયેલી અસંખ્ય ઓડિયો કલીપમા સિનિયર IPS ઓફિસરના નામજોગ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, કાં આ પ્રકરણમાં ભીનું સંકેલાઇ જશે અથવા તો ફરિયાદ થશે. કારણ કે, કરોડો રૂપિયાના તોડકાંડમાં સિનિયર IPSથી લઈને કચ્છ ભાજપના એક યુવા નેતાનું કનેક્શન છે. આ યુવા નેતાના નામ સાથે પણ કેટલીક ઓડિયો કલીપ વાયરલ થયેલી છે. પ્રકરણ દબાવી દેવા માટે પોલીસના વચેટિયાઓથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર- પીએસઆઇ અને IPS ઓફિસર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવેલા છે. પરંતુ જયારે જયારે તોડના રૂપિયા પાછા આપવાની વાત થતી હતી ત્યારે મંત્રનો ભાંગી પડતી હતી. અને છેવટે ઓડિયો ક્લિપને ડાબી દેવા માટે જે અરજીમાં પોલીસે મહિનાઓ સુધી કાંઈ ન કર્યું તેમાં લાંચ રૂશ્વતના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે છે. જેને કારણે હવે તાલ એવો સર્જાયો છે કે, જે IPSનું નામ ભલે ચર્ચાતું પરંતુ સત્તાવાર રીતે સિસ્ટમમાં નહોતું આવ્યું તે હવે બહાર આવે તેવી સંભાવના છે. કારણે કે, ચાર પોલીસવાળા કે પૂર્વ IPSનો સગો ભલે શરમને લીધે IPS ઓફિસરનું નામ ઓફિશયલી ન લે પરંતુ પંકિલ અથવા તેના પિતા કોર્ટ સમક્ષ આ સિનિયર અધિકારીનું નામ લેશે તેમાં કોઈ બેમત નથી. આમ જે પ્રકરણ દબાઈ શકે તેમ હતું તેમાં હવે કેટલાયના નામ ખરડાય તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં બે સિનિયર IPS ઓફિસરે પંકિલ સાથે ચર્ચા કરેલી : દુબઈથી વાયરલ થઇ રહેલી ઓડિયો ક્લિપમાં ગુજરાત કેડરના એક સિનિયર IPS ઓફિસરનો નામજોગ ઉલ્લેખ થવાને પગલે મામલો દબાવી દેવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જેમાં પોલીસના વહીવટદારોથી લઈને પોલીસ ઇન્સપેકર, સબ ઇન્સપેકટર અને IPS અધિકારીઓએ પણ ઝંપલાવ્યું હતું. જેના ભાગરૂપે તોડકાંડમાં મિડિએટર તરીકે ભાગ ભજવનારા પંકિલને અંબાજીના મેળા દરમિયાન ચર્ચા માટે ગાંધીનગર ખાતે IPS ઓફિસરના ઘરે બોલાવામાં આવ્યો હતો. જયાં એક જ સમાજમાંથી આવતા અને સંબંધી એવા બે સિનિયર IPS હાજર હતા. પરંતુ રોજ દિવસ પડેને વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપને કારણે સાવચેતીના ભાગરૂપે પંકિલને ગાંધીનગરની એક હોટેલ પાસે કારમાં બેસાડીને નરેશ નામના પોલીસના વહીવટદારે સ્પીકર ફોનથી ચર્ચા કરાવી હતી. જેમાં બંને IPS દ્વારા તોડના રૂપિયા પાછા આપવા અંગે વિચાર માટે બે દિવસનો સમય માંગવામાં આવ્યો હતો.
પરંતુ હંમેશની જેમ આ વખતે પણ તોડના રૂપિયા કોણ અને કેવી રીતે પાછા આપશે તે મામલે સમાધાન ન થવાને પગલે ઓડિયો ક્લિપનો મારો ચાલુ રહ્યો હતો. અને છેવટે મામલાને કાયદાકીય રૂપ આપવા માટે જેણે સોપારી ભરેલી ટ્રકો છોડાવવા માટે કરોડો રૂપિયાની લાંચ આપી તેવા અનિલ તરુણ પંડિતની જૂની અરજીને બેઝ બનાવીને મુન્દ્રા પોલીસ મથકમાં ACBના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે છે. જેનો મૂળ આશય બીજું કાંઈ નહીં પરંતુ દુબઈથી વાયરલ થતી ઓડિયો ક્લિપને શાંત કરી દઈને મામલો પૂરો કરી દેવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે.
તપાસ કામે ચાર-ચાર વખત પાલનપુર બોલાવ્યા પણ સ્ટેટમેન્ટ ન લીધું : 3.75 કરોડના તોડકાંડમાં પોલીસની આબરૂના લીરેલીરા ઉડી રહ્યા હતા. એટલે પોલીસ તપાસ કરી રહી છે તે દેખાડવું પણ જરૂરી હતું. એટલે બોર્ડર રેન્જ આઇજી દ્વારા જે પોલીસ કર્મચારીના નામ આ કાંડમાં આવ્યા હતા તેમને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચાર પોલીસ કર્મચારી સહીત પૂર્વ IPSના સગા શૈલેન્દ્રસિંહ ભાણુભા સોઢા ઉપરાંત પંકીલ મોતાને તપાસ કામે બોલાવવામાં આવતા હતા. જેમાં પોલીસ કર્મચારીઓ અને પંકિલ તો પાલનપુર જતા હતા પણ ભાણુભા સોઢા હાજર થતો ન હતો. જેને કારણે ચાર વખત નોટિસ પણ ઈશ્યુ કરવામાં આવી હતી. પંકિલ લેખિતમાં નિવેદન આપતો હતો પણ તેને સત્તાવાર સ્વીકારવામાં આવતું ન હતું. એટલે છેવટે પંકિલે તેનું નિવેદન પોલીસને ઓફિશ્યલી ઈ-મેલ કર્યું હતું. જેમાં 3.75 કરોડ ક્યા IPSના કહેવાથી ASI કિરીટસિંહ દ્વારા લેવામાં આવ્યા હતા તેનો તારીખ,સમય અને કેવી રીતે આપ્યા તેની વિગતવાર માહિતી લખવામાં આવી હતી. આમ ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આ રીતે કરોડો રૂપિયાનો હિસાબ બહાર આવ્યો હતો. એટલે છેવટે મામલો કાબુ બહાર થઇ જવાને પગલે અંતિમ ભાગરૂપે ફરિયાદ થઇ હોવાનું ખુદ પોલીસ અધિકારીઓ ખાનગીમાં સ્વીકારી રહ્યા છે.
પોલીસને ભાંડનારા સામે એક્શન લેવાને બદલે તેની ફરિયાદ લીધી : સોપારીકાંડમાં પોલીસની બહુ આબરૂ ગઈ છે. તેમાં પણ અનિલ તરુણ પંડિત નામનો વ્યક્તિ જે રીતે પોલીસને ટુકડે ટુકડે જે રીતે ગાળો આપીને ભાંડે છે તેવી ઓડીઓ કલીપ વાયરલ થતા એમ હતું કે, પોલીસ કદાચ તેની સામે કાર્યવાહી કરશે. કારણ કે, જો પોલીસ નર્મદાના પૂરથી વ્યથિત યુવક જયારે મુખ્યમંત્રીને ગાળો બોલીને ભાંડે છે તેની સામે કાર્યવાહી કરતી હોય તો પોલીસ પોતાને ભાંડનારને પણ પકડશે તેમ લાગતું હતું. પરંતુ થયું એનાથી સાવ ઊંધું. ગાળો બોલનારા અનિલ પંડિત સામે કાર્યવાહી કરવાને બદલે તેની અરજીને આધારે તેની ફરિયાદ દાખલ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ ACBના કાયદાની જોગવાઈ હેઠળ લાંચ લેનારા અને મીડિએટર સામે ફરિયાદ લઈને પોલીસ એક્શન લે છે પણ લાંચ આપનાર પંકજ ઠક્કર કે અનિલ પંડિત સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી. અને એટલે જ પોલીસની આ પ્રકારની ભૂમિકા શંકાસ્પદ લાગે છે.
ACB, CID-ક્રાઇમ અને વિજિલન્સને બદલે રેંજના તાબા હેઠળના પોલીસ મથકમાં ફરિયાદ અને તપાસ : કરોડો રૂપિયાના તોડકાંડમાં રાજકારણ અને પોલીસ બેડામાં સંકળાયેલા મોટા માથાના નામ આવવા છતાં જે રીતે ફરિયાદ થઇ અને તપાસ કરવામાં આવી રહી છ તેને જોતા કુલડીમાં ગોળ ભાંગવાની સિસ્ટમ ગોઠવાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કરોડો રૂપિયાના ભષ્ટાચાર અંગે પબ્લિક ડોમેનમાં સમગ્ર વાત આવ્યા છતાં આ કેસમાં ન તો ACB હરકતમાં આવ્યું કે સીઆઇડી ક્રાઇમ પણ એક્ટિવ ન થયું. ગુજરાત પોલીસ પાસે વિશેષ ક્ષમતા ધરાવતી એજન્સીઓ હોવા છતાં મામલો તેમને સોંપવાને બદલે રેન્જના તાબામાં આવતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અને તેની તપાસ પણ રેન્જના તાબા હેઠળના પોલીસ અમલદારને સોંપવામાં આવે છે. એક સમય હતો જયારે જૈન ડાયરી કેસમાં માત્ર નામ આવવાને પગલે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ રાજીનામુ આપી દીધું હતું અને જાય સુધી તેમને ક્લિન ચિટ ના મળી ત્યાં સુધી સંસદના પગથિયાં ચઢ્યા ન હતા. ગુજરાતમાં હાલ એ જ પ્રામાણિક અને કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપનું સાશન છે. છતાં પત્રિકા કાંડ થાયછે અને સોપારી કાંડમાં કચ્છ ભાજપના યુવા નેતાનો નામજોગ ઉલ્લેખ થવા છતાં એ નેતા કે નેતા મળતિયા પંકજ ઠક્કર સામે લાંચ આપવાનો ગુન્હો નોંધાતો નથી.
સાયબર સેલની જૂથબંધી IPSને નડી ગઈ : સોપારી કાંડ અને ત્યારબાદ કરવામાં આવેલા તોડકાંડમાં આમ જોવા જઈએ તો નવું કશું જ નથી. કારણ કે, પોલીસમાં આ પ્રકારની તોડબાજી વર્ષો જૂની છે. બસ ખાલી વાત બહાર નહોતી આવતી. પરંતુ આ વખતે સાયબર સેલમાં કામ કરી ચૂકેલા જુના જોગીઓ અને હાલમાં કામ કરતા પોલીસ કર્મચારીઓના અલગ-અલગ ગ્રુપ વચ્ચે વર્ચસ્વની લડાઈને લીધે મામલો લીક થયો હતો. સૂત્રોએ કરેલા દાવા મુજબ રેન્જ લેવલે સાયબર સેલમાં (જે પહેલા આર.આર.સેલના નામે ઓળખાતો હતો) ભુજમાં કામ કરતા ASI નરેન્દ્ર યાદવ દ્વારા વહીવટ કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ તેને હટાવી અન્ય એક ભરત ગઢવી નામના પોલીસ કર્મચારીને સોંપવામાં આવ્યો. તેવી જ રીતે વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી બેઠેલા પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે કિરીટસિંહ ઝાલાને ભાવિન બાબરીયા નામના પોલીસને હટાવી ફરીથી મુકવામાં આવે છે. આમ IPSના ખાસ થવાની અને કચ્છના બંદરો ઉપર ચાલી રહેલા દાણચોરીના ધંધામાં કરોડો રૂપિયા ઘરભેગા કરવાની અંદરો અંદરની લડાઈને કારણે ઘર ફૂટે ઘર જાય તેવો પોલીસનો તાલ સર્જાયો છે.
સોપારી કાંડ બાદ વહીવટદારોને સેન્સિટિવ જગ્યાએથી હટાવવાનો ઓર્ડર કરવો પડ્યો : વર્ષોથી મહત્વની બ્રાન્ચમાં વર્ચસ્વ જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓને કારણે સોપારી કાંડ બહાર આવ્યું હતું તેમાં કોઈ બેમત નથી. કદાચ એટલે જ આવા નામચીન 17 પોલીસ કર્મચારીઓને સંવેદનશીલ જગ્યાએ ન મુકવાનો ઓર્ડર ગાંધીધામના એસપીને કરવો પડ્યો હતો. જેમાં ભુજ સાયબર ક્રાઇમમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ ભાવિન બાબરીયાનો પણ સમાવેશ થાય છે. બોર્ડર રેન્જના આઇજીપી જે.આર.મોથાલિયાની સુચનાને પગલે પૂર્વ કચ્છના ગાંધીમધામ ખાતેના એસપી સાગર બાગમારે તારીખ 18મી સપ્ટેમ્બરે ASIથી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ રેન્કના 17 પોલીસ કર્મચારીઓને ડી-સ્ટાફ, સર્વેલન્સ સ્ટાફ, LCB, SOG, પેરોલ ફર્લો, જિલ્લા-સિટી ટ્રાફિક જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ ન મુકવાની તાકીદ કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર થાણા-શાખા પ્રભારી અમલદારની સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી હતી. જે 17 પોલીસ કર્મચારીઓનો આ પ્રકારનો હુકમ થયો છે તેમાં અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI કિર્તિકુમાર બાબુલાલ, હેડ ક્વાર્ટરના ASI રાસુભા હેતુભા જાડેજા, દુધઈ પોલીસ સ્ટેશનના ASI રમેશભાઈ બાવલભાઈ મેણીયા, ગાંધીધામ બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ રાજકુમાર ગુગણરામ આહીર, અંજારના હેડ કોન્સ્ટેબલ મુકેશ કારા પાતળીયા, દુધઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતિ વાઘેલા, એ ડિવઝનના હરપાલદેવ નરેન્દ્રસિંહ રાણા, ભુજ સાયબર ક્રાઇમમાં નોકરી કરતા જનક ગોરધનભાઈ લકુમ, દુધઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયા, હેડ ક્વાર્ટરના કોન્સ્ટેબલ ભરતસિંહ જાડેજા, સામખિયાળી પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુરસિંહ ધીરૂભા જાડેજા, અંજારના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ હરૂભા જાડેજા, લાકડીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ એ ડિવિઝનના કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા અને લાકડીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગૌતમસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.